23 July, 2025 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના હેઠળ ચેમ્બુર અને ઘાટકોપરના જરૂરિયાતમંદ લોકો માટે આવેલા ચોખાનાં કાળાંબજાર કરતા એક ટેમ્પોને ઘાટકોપર-વેસ્ટની જીવદયા લેનમાં ઘાટકોપર પોલીસે અને રૅશનિંગ વિભાગના અધિકારીઓએ રવિવાર સાંજે પકડી પાડ્યો હતો. આ મામલે ઘાટકોપર પોલીસે રૅશનિંગ વિભાગની ફરિયાદ પર રૅશનિંગના ચોખાનાં કાળાંબજાર કરતા ટેમ્પોચાલક શરાફત અલી શાહ તેમ જ દુકાનમાલિક ખેમચંદ અગ્રવાલ સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધીને આશરે ૧૮,૫૪,૭૦૫ રૂપિયાનો માલ જપ્ત કર્યો હતો. આ કામ કેટલા સમયથી ચાલતું હતું એની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
ઘાટકોપરના રૅશનિંગ વિભાગના ઇન્સ્પેક્ટર ચૈતન્ય વાનખેડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપર-વેસ્ટની જીવદયા લેનમાં આવેલી રૅશનિંગની એક દુકાનમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના હેઠળ આવેલા રૅશનિંગના લાખો રૂપિયાના ચોખા ગેરકાયદે રીતે ટેમ્પો-ડ્રાઇવર ડિલિવરી કરી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. એના આધારે અમે જૉઇન્ટ તપાસ કરીને એ ટેમ્પોને જપ્ત કર્યો હતો. વધુ માહિતી લેતાં જાણવા મળ્યું હતું કે ટેમ્પોચાલક શરાફત અલી શાહે ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (FCI)ના ગોડાઉનમાંથી આશરે ૫૦૦ ગૂણી ચોખા ચેમ્બુર અને ઘાટકોપરની રૅશનિંગની દુકાનમાં ડિલિવરી માટે ભર્યા હતા. ત્યાર બાદ ચેમ્બુરની અમુક દુકાનોમાં એની ડિલિવરી કર્યા બાદ રવિવારે સાંજે ઘાટકોપરમાં આવ્યો હતો જ્યાં તેણે કોઈ દસ્તાવેજો વગર ખેમચંદ અગ્રવાલની દુકાનમાં ચોખાની ગૂણીઓ મૂકી હતી. આ માહિતી જાણવા મળ્યા બાદ અમે ટેમ્પોમાં રાખેલો તમામ માલ જપ્ત કરી લીધો હતો. આ કેસમાં કોઈ ને કોઈ રીતે મદદ કરનાર કુલ પાંચ લોકો સામે અમે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.’