આધુનિક ટેક્નૉલૉજીને લીધે ઘાટકોપરના સિનિયર સિટિઝનનો હુમલાખોર ઝડપાયો

14 November, 2012 03:54 AM IST  | 

આધુનિક ટેક્નૉલૉજીને લીધે ઘાટકોપરના સિનિયર સિટિઝનનો હુમલાખોર ઝડપાયો



ઘાટકોપર (વેસ્ટ)નાં ગુજરાતી બ્રાહ્મણ ૭૨ વર્ષનાં કમળાબહેન ઠાકર પર ૮ નવેમ્બરે બપોરે અઢી વાગ્યે લૂંટના ઇરાદે જીવલેણ હુમલો કરીને વારાણસી ભાગી ગયેલા ૧૯ વર્ષના રાજીવ શ્યામલાલને પકડવામાં મળેલી સફળતા માટેનું શ્રેય ઘાટકોપર પોલીસે અત્યારની આધુનિક ટેક્નૉલૉજીને આપ્યું હતું. ઘાટકોપર પોલીસે કહ્યું હતું કે રાજીવનો મોબાઇલ ટ્રૅસ કરતાં-કરતાં જ અમે વારાણસી પાસે આવેલા કુલહાટી ગામમાં પહોંચી તેની ધરપકડ કરવામાં સફળ થયા હતા.

પોલીસ બનાવની રાત્રે જ કમળાબહેનની કામવાળી બાઈ સુનીતા શિંદેએ આપેલા વર્ણનને આધારે સ્કેચ જારી કરી રાજીવને શોધવા ઘાટકોપરથી લઈને નવી મુંબઈ સુધી ગઈ હતી. એમાં રાજીવના મોબાઇલને ટ્રેસ કરતાં તે ઉત્તર પ્રદેશની ટ્રેન પકડીને વારાણસી ગયો હોવાની જાણકારી મળી હતી. એના આધારે ઘાટકોપર પોલીસની એક ટીમ રાજીવને પકડવા શુક્રવારે રાતે વારાણસી જવા રવાના થઈ હતી. ત્યાં તેમણે વારાણસીની બાજુમાં આવેલા કુલહાટી ગામમાંથી ૧૯ વર્ષના ચાર મહિના પહેલાં કામ માટે મુંબઈ આવી ચૂકેલા રાજીવની ધરપકડ કરી હતી.

ઘાટકોપરના સિનિયર ઇન્સ્પેક્ટર રામ માન્ડુર્કેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘટનાની ફરિયાદ મળ્યાં બાદ સૌથી પહેલાં સિનિયર સિટિઝન કમળાબહેન ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હોવા છતાં તેમની ડાયરીમાંથી તેમણે રાજુ મિસ્ત્રીને મિસ્ત્રીનું કામ કરવા માટે જોડેલા ફોન-નંબરની જાણકારી આપી હતી. તેમના ઘરની નજીકના વિસ્તારમાં રહેતા રાજુ મિસ્ત્રી સુધી અમે પહોંચ્યા હતા. તેણે આપેલા રાજીવના મોબાઇલને ટ્રેસ કરતાં-કરતાં અમને તે વારાણસી પહોંચ્યો હોવાની ખબર પડી હતી. એની અમે ઉત્તર પ્રદેશ પોલીસને જાણકારી આપી. ઘાટકોપરથી પોલીસની એક ટીમને ૯ નવેમ્બરે વારાણસી ગઈ હતી. ૧૨ નવેમ્બરે પોલીસટીમને રાજીવની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. આજે તેઓ ઘાટકોપર પહોંચતાં રાજીવનો આગલો ક્રિમિનલ રેકૉર્ડ છે કે નહીં અને તેને લૂંટમાં સફળતા મળી હતી કે નહીં એની પૂરી જાણકારી મળશે.’

કમળાબહેન ઠાકર તેમના પતિ બચુભાઈના બે વર્ષ પહેલાં થયેલા અવસાન પછી સાંઈનાથનગરમાં આવેલી જૈન દેરાસર સામેની વિવેક સોસાયટીમાં એકલાં જ રહે છે. તેમનો પુત્ર પરેશ તેના પરિવાર સાથે વાશીમાં ભાડેથી રહે છે. બે પુત્રીઓ તૃપ્તિ અને સંગીતાને તેમણે ઘાટકોપરમાં જ પરણાવી છે. ગુરુવારે બપોરે અઢી વાગ્યે તેમની કામવાળી બાઈ સુનીતા શિંદે ઘરમાં હતી એ જ સમયે રાજુ મિસ્ત્રીએ મિસ્ત્રીકામ માટે કમળાબહેનના ઘરે મોકલેલો રાજીવ શ્યામલાલ કામ કરવા આવ્યો હતો. સુનીતા ઘરમાંથી ગયા પછી રાજીવની દાનત બગડતાં લૂંટના ઇરાદે તેણે કમળાબહેનનું પહેલાં ગળું દબાવી તેમના ચહેરા પર મુક્કા માર્યા હતા. જોકે કમળાબહેને સામે લડત આપતાં રાજીવે તેમની ડોક પર ધારદાર હથિયારથી હુમલો કરી તેમને લોહીલુહાણ કરી નાખ્યાં હતાં. ત્યાર બાદ કમળાબહેનને લોહીના ખાબોચિયામાં પડતાં મૂકીને તેમના બેડરૂમનાં બે કબાટો અને અંદરનાં લૉકર્સ તોડીને કબાટને ફેંદી નાખ્યું હતું. જોકે કમળાબહેન ગંભીર ઈજા સાથે હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હોવાથી તે માણસને લૂંટમાં કેટલી સફળતા મળી એ જાણવા મળ્યું નથી.