મૃત્યુનો મહોત્સવ

07 October, 2019 12:04 PM IST  |  મુંબઈ | જયદીપ ગણાત્રા

મૃત્યુનો મહોત્સવ

મૃત્યુનો મહોત્સવ

મરનાર વ્યક્તિની આખરી ઇચ્છા પૂરી કરો તો તેના જીવને ખરેખરા અર્થમાં શાંતિ મળે એવું હંમેશાં બોલાતું હોય છે. કોઈ પણ ઘરમાં મૃત્યુ થાય ત્યારે એ વ્યક્તિને યાદ કરીને સગા-સ્વજનોમાં રોકકળ કે માતમ છવાયેલો રહે છે, પણ જે ઘરમાં મૃત્યુ થયું હોય અને તેના ઘરના તમામ સભ્યો રંગબેરંગી કપડાં કે સૂટબૂટમાં હોય કે પછી બૅન્ડવાજાં વાગતાં હોય એવું તમે ભાગ્યે જ જોયું હશે.
ઘાટકોપરના સિક્સ્ટી ફીટ વિસ્તારમાં આવેલા કૈલાસ ધારા બિલ્ડિંગમાં આવો જ માહોલ હતો. ઇથિયોપિયામાં જન્મેલા અને ૧૯૭૪થી પોતાના બે ભાઈઓ તથા બે બહેન સાથે ઘાટકોપરમાં સ્થાયી થયેલા કાંતિભાઈ કેશવલાલ મહેતા શુક્રવારે ૮૫ વર્ષની ઉંમરે ટૂંકી માંદગી બાદ અરિહંતશરણ પામ્યા હતા. શુક્રવારે અંતિમ શ્વાસ લીધા બાદ તેમની અંતિમયાત્રા બે દિવસ બાદ એટલે કે રવિવારે સવારે નીકળી હતી. મોટા ભાગના સ્વજનો ઘાટકોપરમાં રહેતા હોવા છતાં બે દિવસ અંતિમયાત્રા મોડી કાઢવાનું કારણ એક જ હતું, કાંતિભાઈએ તેમના દીકરા હિતેનને કહ્યું હતું કે મારા મૃત્યુ પાછળ માતમ નહીં હોવો જોઈએ. દરેક લોકોના ચહેરા રડમસ નહીં, પણ ખુશ હોવા જોઈએ. મારા મૃત્યુ પાછળ મહોત્સવ મનાવજો.
કાંતિભાઈએ ઘણાં વર્ષ સુધી ઇથિયોપિયામાં નોકરી કર્યા બાદ સ્વબળે પોતાનો ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો બિઝનેસ વિકસાવ્યો હતો. ૧૯૭૪માં તેઓ ઘાટકોપરમાં પરિવાર સાથે સ્થાયી થયા હતા અને ધીરે-ધીરે તેમનાં ભાઈ-બહેનોને પણ તેઓ ઘાટકોપરમાં સ્થાયી થવામાં મદદરૂપ બન્યા હતા. ઇથિયોપિયામાં રહ્યા હોવાને કારણે તેઓ હંમેશાં બ્રિટિશરોની માફક રહ્યા હતા. એ માટે જ તેમની અંતિમયાત્રા બ્રિટિશરની માફક કાઢવામાં આવી હતી.
કાંતિભાઈના દીકરા હિતેનભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પપ્પાનું અવસાન શુક્રવારે થયું હતું. ત્યારે તેમની ઇચ્છા પ્રમાણે તેમને વિદાય આપવાની હતી એટલે તેમના પાર્થિવ દેહને અમે ભાયખલામાં જૉન પિન્ટોના મૉર્ગમાં રાખ્યો હતો. તેમને વાજતેગાજતે વિદાય આપવાની હતી અને અમારી પાસે એક જ દિવસ હતો. ધર્મે અમે જૈન છીએ, પણ પણ પપ્પાની રહેણીકરણી મુજબ તેમના મૃત્યુ બાદ અમારે તેમને બ્રિટિશરોની જેમ વિદાય આપવાની હતી. કોઈ બ્રિટિશરનું મૃત્યુ થાય ત્યારે જે સૉફ્ટ વેસ્ટર્ન મ્યુઝિક હોય એ અમે રાખ્યું હતું. સ્મશાનયાત્રામાં આવેલાં સગાંવહાલાં અને મિત્રો તમામ માટે અમે ગૌતમ પ્રસાદની વ્યવસ્થા કરી હતી. પિતાની વિદાય વસમી હતી, પણ તેમના આત્માને શાંતિ પહોંચે એવું કામ અમારે કરવાનું હતું.’
કાંતિભાઈની અંતિમયાત્રા રવિવારે સવારે સાડાઅગિયાર વાગ્યે હળવા પાશ્ચાત્ય સંગીત સાથે નીકળી હતી અને અંદાજે સવા કલાકે સ્મશાનભૂમિ પહોંચી હતી. છેલ્લાં ૧૭ વર્ષથી મહેતાપરિવાર સાથે ગાઢ ઘરોબો ધરાવતા હોવાથી કાંતિભાઈની રહેણીકરણીથી પૂરેપૂરી રીતે વાકેફ પારિવારિક સભ્ય રામ નથવાણીએ સ્મશાનયાત્રા મૅનેજ કરી હતી.

mumbai ghatkopar