ઘાટકોપરના ખંડણીબહાદુરે પોતાના જ સગાની ઊંઘ હરામ કરી દીધી

12 October, 2011 07:52 PM IST  | 

ઘાટકોપરના ખંડણીબહાદુરે પોતાના જ સગાની ઊંઘ હરામ કરી દીધી

 

 

- રોહિત પરીખ

બિલ્ડિંગ-કૉન્ટ્રેક્ટર શિવલાલ પટેલ પાસેથી તેમને ધમકીઓ આપીને ૭૩ લાખ રૂપિયા માગતા દીપક પટેલની ધરપકડ અને જામીન પર છુટકારો


બનાવની વિગતો આપતાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ-અધિકારી રાજકુમાર કોથમીરેએ મિડ-ડે Localને કહ્યું હતું કે ‘ગઈ છઠ્ઠી સપ્ટેમ્બરે શિવલાલ પટેલને બોરીવલીથી  કુરિયર મારફત આવેલા પત્રમાં કોઈ અજાણ્યા માણસે લખ્યું હતું કે હું ખૂબ જ મુશ્કેલીમાં હોઈ મને પૈસાની તાત્કાલિક જરૂર છે, તમે પ્રેમથી મદદ કરો તો સારું નહીંતર  મારે તમારા પુત્રનું અપહરણ કરવું પડશે; આમ તો હું તમારી પાસે એક કરોડ રૂપિયા માગી શકું છું, પરંતુ મારી જરૂરત ૭૩ લાખ રૂપિયાની જ છે. ૯ સપ્ટેમ્બરે  ફરીથી શિવલાલ પટેલના મોબાઇલ પર ફોન આવ્યો કે ૧૧ સપ્ટેમ્બરે હું કહું ત્યાં આવીને મેં કીધી છે એટલી રકમ પહોંચાડો. આમ કહી ફોન કટ કરી નાખવામાં આવ્યો  હતો. ત્યાર બાદ ૧૩ સપ્ટેમ્બરે ફરીથી વસઈથી એક કુરિયર આવ્યું જેમાં લખ્યું હતું કે ૧૫મીએ સાંજના ૫થી ૬ની વચ્ચે દિવા સ્ટેશનથી  વસઈ જતી ટ્રેનમાં વસઈ  સ્ટેશને એક માણસ મળશે તેને કૉલેજની બૅગમાં ભરીને માગેલી રકમ આપી દેશો. શિવલાલ પટેલ કોઈને પણ કહ્યા વગર એ દિવસે આ માણસ કોણ છે એ જોવા માટે  વસઈ જવા નીકળ્યા ત્યારે તેમના મોબાઇલ પર રસ્તામાં પૂછવા માટે ફોન આવ્યો કે નીકળ્યા છો કે નહીં? થોડી વારમાં ફોન આવ્યો કે દિવા-વસઈ લાઈન પરના  જુચન્દ્ર રેલવે-સ્ટેશન પર ઊતરી જાઓ. પરંતુ શિવલાલ પટેલ એકલા હોવાથી ડરના માર્યા જુચન્દ્ર રેલવે-સ્ટેશન પર ઊતરવાને બદલે તેમના ઘરે પાછા જતા રહ્યા હતા.  ફરીથી ૧૭મીએ એ જ અજાણ્યા માણસનો વસઈ સ્ટેશને આવવા માટે ફોન આવ્યો હતો, પરંતુ શિવલાલ પટેલે તબિયત સારી નથી કહી વસઈ રેલવે-સ્ટેશન જવાનું ટાળ્યું હતું.’

ફરીથી ૧૯ સપ્ટેમ્બરે શિવલાલ પટેલને મોબાઇલ પર બપોરે ૧.૩૦ વાગ્યે એક  એસએમએસ મળ્યો હતો કે બે કલાક પછી ફોન કરું છું, પૈસા તૈયાર રાખજે; આજે  જો કોઈને સાથે લાવ્યો તો મારો એક માણસ પૈસા લેવા આવશે અને બીજા બે માણસો તારા ઘર પાસે તારી દીકરી પર નજર રાખશે, જો જરા પણ હોશિયારી  દેખાડવાની કોશિશ કરી છે તો તેમને જાનથી મારી નાખીશ. એ જ દિવસે ફરીથી શિવલાલ પટેલને ૩.૪૦ વાગ્યે એસએમએસ મળ્યો હતો કે લાગે છે કે તને તારાં  બાળકો પર પ્રેમ નથી; મારી પાસે ટાઇમ નથી, અગર બોલાવ્યા પછી પણ તું નહીં આવે તો એની તારે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. ફરીથી સાંજના ૫.૨૫  વાગ્યે ફોન આવ્યો કે ખરાબ તબિયતનું બહાનું નહીં કાઢ; ઠીક છે, હું તારી તબિયત ગોળી મારીને ઠીક કરું છું.’

ત્રણ દિવસની શાંતિ પછી ફરીથી ૨૨ સપ્ટેમ્બરે શિવલાલ પટેલને એક એસએમએસ મળ્યો હતો જેમાં લખ્યું હતું કે ‘ક્યા શિવલાલ, તેરી તબિયત ઠીક હુઈ ક્યા?  અગર નહીં હુઈ હૈ તો ભી આજ શામ કો પૈસા લેકે આ જાના વરના તેરી તબિયત આૈર જ્યાદા ખરાબ કર દેંગે; બહોત હો ગયા, આજ અગર તુને કુછ ભી નાટક  કિયા અગર બહાના બનાયા તો ઉસકા પરિણામ તુઝે બહોત જલ્દી ભુગતના પડેગા, મૈં દિવા ટ્રેન મેં વેઇટ કરેગા; શિવલાલ, યે લાસ્ટ એસએમએસ હૈ,  સોચ-સમજકે હાઁ યા ના બોલ; બેટા યા પૈસા? ઔર એક ઘંટે મેં તૂ આજ આએગા કિ નહીં ઉસકા આન્સર ચાહિએ, યહી નંબર પર એસએમએસ કર દેનાચ યસ  ઓર નો, મેસેજ નહીં આયા તો મૈં સમજ લૂંગા તૂ નહીં આએગા આૈર કુછ દિન બાદ તૂ સમજ જાએગા, ઓકે?’


શિવલાલે ગભરાઈને એસએમએસનો જવાબ આપ્યો કે મારી તબિયત ખરાબ છે એટલે મને ૩૦ દિવસનો સમય આપ; તું જે જગ્યા કહે છે એનાથી બીજી કોઈ જગ્યા  કહે, ત્યાં હું આવી જઈશ. ત્યાર બાદ અજાણ્યા માણસના શિવલાલ પટેલ પર ફોન આવવાના બંધ થઈ ગયા હતા. શિવલાલે પોતાના પુત્રનું અપહરણ કરી જશે  એ ડરમાં પોલીસ-ફરિયાદ કરી નહોતી.

ત્યાર બાદ ૩૦ સપ્ટેમ્બરે ફરીથી તેને કુરિયર દ્વારા એક પત્ર મળ્યો જેમાં ગુજરાતીમાં લખ્યું હતું કે તેને આવું કરવું ગમતું નથી, પણ તેનો સાથીદાર શિવલાલ  પટેલની દીકરીને બ્લેડ મારીને મારી નાખવાનો છે. આ પત્ર પછી કોઈ જ પ્રકારના એસએમએસ શિવલાલ પટેલ પર આવ્યા નહોતા એમ જણાવતાં  પોલીસ-ઇન્સપેક્ટર રાજકુમાર કોથમીરે કહ્યું હતું કે ‘પણ છેલ્લા પત્રે શિવલાલની ઊંઘ ખરાબ કરી નાખી હતી. ૨૫ દિવસથી ચાલી રહેલી ધાકધમકીને કારણે  શિવલાલ પટેલના કુટુંબમાં ભયની લાગણી પેદા થઈ ગઈ હતી. માનસિક રીતે હારી ગયા બાદ તેમણે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું હતું. આખરે શિવલાલ  પટેલે ક્રાઇમ બ્રાન્ચમાં પોતાની પાસે ૭૩ લાખની ખંડણી માગવા માટે ધમકીભર્યા ફોન આવે છે એની ફરિયાદ કરી હતી જેના આધારે અમે તપાસ આદરી હતી.’

જે પીસીઓ અને મોબાઇલ ફોનનંબર પરથી શિવલાલ પટેલને ફોન આવતા હતા એ નંબરો ટ્રેસ કરતાં એ નંબર નાલાસોપારાના કોઈ વેપારીનો હોવાનું પોલીસને  જાણવા મળ્યું હતું. કુરિયર કંપનીવાળાના વર્ણન પરથી પોલીસે શિવલાલ પટેલનાં વેસ્ટર્ન લાઇનમાં વસઈ, વિરાર, ભાઈંદર અને નાલાસોપારામાં રહેતાં સગાં  અને ભાગીદારોની પૂછપરછ કરતાં તે શિવલાલ પટેલના જ સગા દીપક પટેલ સુધી પહોંચી હતી. દીપકની મીરા રોડથી ધરપકડ કરવામાં આવી હતી. દીપક  અર્જન્ટ કૉલ કરવાને બહાને નાલાસોપારાના વેપારીના સિમ-કાર્ડનો ઉપયોગ કરી શિવલાલ પટેલને એસએમએસ અને ધમકી આપતા ફોન કરતો હતો.

ઘાટકોપર પોલીસે દીપક પટેલની ખંડણી માગવા અને ધમકી આપવા માટેના આરોપસર ધરપકડ કરી હતી. તેને ૮ ઑક્ટોબરે વિક્રોલી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને  ૧૫,૦૦૦ રૂપિયાના જામીન પર છોડી મૂક્યો હતો.

આ બાબતમાં શિવલાલ પટેલે મિડ-ડે Localને કહ્યું હતું કે ‘દીપક અમારો દૂરનો સગો થાય. તે આ આખા કેસમાં એકલો હોય એવું માનવું ભૂલભરેલું છે. તે જ્યાં  સુધી પોલીસ પાસે સાચી વાત ન કરે ત્યાં સુધી આ કેસ ગૂંચવાયેલો જ છે. એને લીધે હજી અમે ટેન્શનમાં જ છીએ. અમારું ટેન્શન ત્યારે જ ઓછું થાય જ્યારે દીપકે  કરેલા આ કાંડ પાછળ બીજા કોણ છે એની પોલીસને જાણ થાય.’