ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિમાં ગૅસની ભઠ્ઠીની ટેક્નિકલ ખામીને દૂર કરવામાં કંપની નિષ્ફળ

29 October, 2014 06:00 AM IST  | 

ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિમાં ગૅસની ભઠ્ઠીની ટેક્નિકલ ખામીને દૂર કરવામાં કંપની નિષ્ફળ


રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટની ઘાટકોપર હિન્દુ સ્મશાનભૂમિમાં ગૅસની ભઠ્ઠીમાં રહેલી ટેક્નિકલ ખામીને લીધે ડેડ-બૉડી બળતી વખતે આજુબાજુના પરિસરમાં ધુમાડો ભરાઈ જાય છે. એ ખામીને દૂર કરવામાં આ ભઠ્ઠીનું મૅન્યુફૅક્ચરિંગ કરતી કંપની સતત બે વર્ષથી નિષ્ફળ જઈ રહી છે. એ સિવાય અહીં ફેલાતો ધુમાડો સ્મશાનભૂમિના કર્મચારીઓ અને અંતિમક્રિયા માટે આવતા લોકો માટે બીમારીનું કારણ બનવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. આવા સંજોગોમાં એ ભઠ્ઠી બંધ કરી દઈને સ્મશાનભૂમિના સંચાલકોએ નવી ભઠ્ઠીનો પ્રબંધ કરવો જોઈએ એવી માગણી જોર પકડી રહી છે.

ઘાટકોપર-ઈસ્ટના બીજેપીના વિધાનસભ્ય પ્રકાશ મહેતાએ તેમના ફન્ડમાંથી ૨૦૦૭માં સ્મશાનભૂમિનું નૂતનીકરણ શરૂ કરાવ્યું હતું. એ દિવસથી આ સ્મશાનભૂમિમાં ગૅસ અથવા ઇલેક્ટિÿક ભઠ્ઠી હોવી જોઈએ એવી માગણી ઊઠી હતી એને પરિણામે ઘાટકોપર સમસ્ત મહાજને ડોનેશન ઉઘરાવીને અહીં ગૅસની ભઠ્ઠી શરૂ કરાવી હતી. આમ તો આ ભઠ્ઠી માટે અનેક વિવાદો સર્જાયા હતા, પણ આખરે એ શમી ગયા હતા. ત્યાર પછી રોજની ૮થી ૧૦ ડેડ-બૉડીની અંતિમક્રિયા ગૅસની ભઠ્ઠીમાં કરવામાં આવે છે.

 આ ભઠ્ઠીનું લોકાર્પણ થયું એ દિવસથી જ એમાં અનેક ક્ષતિઓ બહાર આવી હતી, પણ એ ક્ષતિઓ દિવસો જતાં ઉકેલાઈ જશે એવું આશ્વાસન હંમેશાં સંચાલકો તરફથી આપવામાં આવતું હતું. એમાં પરિસરમાં ધુમાડો ફેલાવાની સમસ્યા મુખ્ય હતી. એને લીધે અનેક વાર અઠવાડિયા સુધી ભઠ્ઠી બંધ રાખવાની નોબત પણ આવતી હતી. આ દિવાળીના તહેવારો દરમ્યાન પણ આ જ કારણસર આ ભઠ્ઠી બંધ રાખવી પડી હતી. ત્રણ-ચાર દિવસની મહેનત પછી પણ આ સમસ્યાને હલ કરવામાં એની મૅન્યુફૅક્ચરિંગ કંપની નિષ્ફળ ગઈ હતી. શનિવારથી સોમવાર સુધીમાં ૧૫થી વધુ ડેડ-બૉડીને આ ભઠ્ઠીમાં અંતિમક્રિયા માટે લાવવામાં આવી હતી.

એ વિશે માહિતી આપતાં એક રહેવાસી પ્રફુલ્લ કામદારે મિડ-ડે લોકલને કહ્યું હતું કે ધુમાડો ચીમની વાટે ઉપર હવામાં જવાને બદલે સ્મશાનભૂમિના પરિસરમાં જ ફેલાઈ જાય છે. એનાથી કર્મચારીઓના પરિવારને શ્વાસની બીમારી લાગુ પડે છે. આ બાબતમાં કર્મચારીઓ કહે છે કે કંપનીના માણસો અમારી વાત સાંભળતા નથી. સંચાલકો પાસે પૂરતું જ્ઞાન ન હોવાથી તેઓ પણ આ બાબતે કોઈ નક્કર પગલાં લઈ શકતા નથી. આવા સમયે નવી ભઠ્ઠી એકમાત્ર ઉકેલ દેખાઈ રહ્યો છે. બાકી અત્યારે તો લાખો રૂપિયા પાણીમાં જાય એવી પરિસ્થિતિ છે.