ઠેર-ઠેર કચરાના ઢગલાથી નગરસેવકો પણ કંટાળ્યા

05 October, 2011 08:37 PM IST  | 

ઠેર-ઠેર કચરાના ઢગલાથી નગરસેવકો પણ કંટાળ્યા

 


આ બેઠકમાં નગરસેવકોએ મહાનગરપાલિકા ઝોન-૬ના ડેપ્યુટી કમિશનર ડૉક્ટર એસ. એસ. કુડાલકરને કચરો ઉપાડતા કૉન્ટ્રૅક્ટર સામે પગલાં લઈ કચરો ભરાવવાની સમસ્યા દૂર કરવા જણાવ્યું હતું. અઠવાડિયું થઈ ગયું, પણ કચરાની સમસ્યા હલ થઈ નથી. આ સમસ્યા આજકાલની નથી; છેલ્લા બે મહિનાથી ચાલી આવે છે.

કચરાના ઢગલા વિશે વાત કરતાં ઘાટકોપર-વેસ્ટના દામોદર પાર્કનાં રહેવાસી સાધના શાહે મિડ-ડે Localને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારનો કચરો રોજબરોજ સુધરાઈ ઉપાડતી નથી. એમાં અધૂરામાં પૂરું જ્યારથી નજીકમાં ઑફિસો વધી છે ત્યારથી એ ઑફિસવાળાઓ પણ અમારા વિભાગમાં આવી કચરો ડમ્પ કરે છે. આ કચરો જ્યાં ડમ્પ કરવામાં આવે છે એની બાજુમાંથી નાળું પસાર થાય છે. ચોમાસામાં આ નાળાનું પાણી ઊભરાઈને રસ્તા પર આવે છે. એથી કચરા સાથે ગંદકીનો ત્રાસ પણ દિનપ્રતિદિન વધી  રહ્યો છે.

 

 

નવાઈ તો એ વાતની છે કે સ્થાનિક રહેવાસીઓ  પાસે પણ આની સામે ફરિયાદ કરવાનો સમય ન હોવાથી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. હું જ્યારે-જ્યારે સુધરાઈમાં ફરિયાદ કરું છું ત્યારે તેઓ કચરો હટાવવા માટે માણસો અને ગાડીઓ ઓછી હોવાનું કહી ફોન મૂકી દે છે. નગરસેવકોએ ‘ઍન’ વૉર્ડની પ્રભાગ સમિતિની સભા આ કારણે મોકૂફ રાખી એનાથી આ સમસ્યા ઉકેલાઈ ગઈ એવું સમજવું ભૂલભરેલું છે. ગણપતિના તહેવારના સમયથી આ સમસ્યા યથાવત્ છે. હવે એનો ઉકેલ આવે તો સારું, કારણ કે અમારે તો ઘરે જવા એ કચરામાંથી જ પસાર થવું પડે છે.’

- અહેવાલ અને તસવીર : રોહિત પરીખ