ઘાટકોપરના સ્મશાનની ગૅસની ચિતા ફરી શરૂ થવાને વાર લાગશે

11 September, 2020 08:42 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ઘાટકોપરના સ્મશાનની ગૅસની ચિતા ફરી શરૂ થવાને વાર લાગશે

ઘાટકોપરના સ્મશાનની ગૅસની ચિતા ફરી શરૂ થવાને વાર લાગશે

ઘાટકોપર-ઈસ્ટમાં એમ. જી. રોડ પર સોમૈયા કૉલેજના મેઇન ગેટ નજીક આવેલી હિન્દુ સ્મશાનભૂમિની ગૅસની ચિતા છેલ્લા ૨૦ દિવસથી બંધ હોવાથી ઘાટકોપરવાસીઓને પરેશાની વેઠવી પડી રહી છે. એવું જાણવા મળ્યું છે કે એમાં ટેક્નિકલ ફૉલ્ટ આવવાને કારણે એને બંધ રાખવામાં આવી છે. ગૅસની ચિતામાં બૉડીને બાળવામાં ૪૫-૬૦ મિનિટ જેટલો સમય લાગે છે, જ્યારે લાકડાની ચિતામાં મૃતદેહને પૂરી રીતે બળીને રાખ થતાં ૩ કલાક જેટલો સમય લાગે છે એથી ડાઘુઓએ અને પરિવારજનોએ ખાસ્સી રાહ જોવી પડે છે.
ગૅસની ચિતા વહેલી તકે શરૂ થાય એ માટે શું બીએમસી પ્રયાસ કરી રહ્યું છે? શું એ બદલ કોઈ સમારકામનો ઑર્ડર અપાયો છે? એ જાણવા ‘મિડ-ડે’એ ઘાટકોપરના ‘એન’ વૉર્ડના ઑફિસર અજિતકુમાર આંબીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘અમને આ બાબતની જાણ થઈ છે. આ સંદર્ભે અમે બેઠકનું આયોજન કર્યું છે અને એમાં એનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું.’
લોકોને પડી રહેલી હાડમારી જોતાં નગરસેવક પ્રવીણ છેડાએ આ બાબતે ટ્વીટ કરીને બીએમસીને ફરિયાદ કરી વહેલી તકે એ શરૂ કરવા જણાવ્યું છે.
સોમૈયા સ્મશાનનું મૅનેજમેન્ટ ઘાટકોપર સ્મશાનભૂમિ કમિટી ટ્રસ્ટ કરે છે. એના સેક્રેટરી નિમિષ ટિમ્બડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ ગૅસની ચિતામાં ટેક્નિકલ ફૉલ્ટ આવ્યો છે. રોલર પર બૉડી મૂકી ગૅસ ચેમ્બર તરફ આગળ સરકાવવાની હોય છે, પણ ગરમીને કારણે પીપીઈ કિટ બહુ જ જલદી સળગી ઊઠે છે એથી એના રોલરમાં એ ચોંટી જાય છે, જેને કારણે એમાં ફૉલ્ટ આવ્યો છે. આ બાબતે અમે એનું રિપેરિંગ કરાવવા મુલુંડના ચિરંતન ઉદ્યોગનો સંપર્ક કર્યો છે. એમાંના ૮ જેટલા એન્જિનિયર હાલમાં કોરોનાને કારણે ક્વૉરન્ટીન ઉે છતાં તેમના એન્જિનિયર આવીને શું ફૉલ્ટ છે એ ચકાસી ગયા છે અને ૨.૪૦ લાખ રૂપિયાનું ક્વોટેશન આપ્યું છે જે અમે મંજૂર રાખ્યું છે, પણ એ પાર્ટ રેડીમેડ બજારમાં મળતા ન હોવાથી બનાવડાવવા પડે છે, જેમાં ૮થી ૧૦ દિવસ લાગે એમ છે. એથી હજી થોડો વખત એ ચિતા બંધ રહેશે.’
માર્ચ-એપ્રિલમાં જ્યારે કોરોના બહુ મોટા પ્રમાણમાં હતો ત્યારે રોજના ૩૦ જેટલા મૃતદેહ આવતા હતા, પણ હવે એનું પ્રમાણ ઘટીને રોજના ૧૦થી ૧૫ જેટલું છે. એમાં પણ કોરોના દરદીનો મૃતદેહ એકાદ જ હોય છે. અમે જાણીએ છીએ કે હાડમારી પડી રહી છે, પણ અમે એનો ઉકેલ લાવવાના બનતા પ્રયાસ કરીએ છીએ.

mumbai mumbai news ghatkopar