પબ્લિક પ્રૉપર્ટીને નુકસાન પહોંચાડનારો ગુજરાતી યુવાન ચૂંટણી લડી રહેલા નેતાની વગથી બચી ગયો

09 October, 2014 03:00 AM IST  | 

પબ્લિક પ્રૉપર્ટીને નુકસાન પહોંચાડનારો ગુજરાતી યુવાન ચૂંટણી લડી રહેલા નેતાની વગથી બચી ગયો





રોહિત પરીખ

ઘાટકોપર (ઈસ્ટ)ની રાજાવાડી પાસેના મહાત્મા ગાંધી રોડ પર મંગળવારે રાતના અઢી વાગ્યે બેદરકારીપૂર્વક કાર ચલાવી રહેલા એક ગુજરાતી યુવાને ઇલેક્ટ્રિકના એક થાંભલાને, સિગ્નલના થાંભલાને, એક દુકાનના શટરને અને પાનની દુકાનને નુકસાન પહોંચાડ્યું હતું. એની સામે આ યુવાનની રાજકીય વગને કારણે પોલીસે ફક્ત બે હજાર રૂપિયા દંડ વસૂલ કરીને તેને છોડી મૂકતાં સ્થાનિક રહેવાસીઓ અચંબામાં પડી ગયા હતા. સદ્ભાગ્યે આટલો મોટા અકસ્માત થવા છતાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

આ અકસ્માતને કારણે રાજાવાડીની આસપાસના વિસ્તારોની લાઇટો ગઈ કાલ રાત સુધી બંધ રહેતાં સ્થાનિક રહેવાસીઓએ હેરાનગતિ ભોગવવી પડી હતી. નવાઈની વાત એ છે કે ટિળકનગર પોલીસ પણ આ અકસ્માત બાબતમાં કંઈ કહેવા તૈયાર નથી એટલું જ નહીં, પાનની દુકાનવાળાની ફરિયાદ લેવા પણ તૈયાર નથી.

આ બનાવની માહિતી આપતાં રાજાવાડીના એક સામાજિક કાર્યકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાતના અઢી વાગ્યે એક જોરદાર ધમાકાનો અવાજ આવ્યો હતો. બહાર જઈને જોયું તો ઇલેક્ટ્રિકનો થાંભલો અને સિગ્નલનો થાંભલો તૂટેલા જોવા મળ્યા હતા. પછી ખબર પડી કે કોઈ યુવાનની કારથી થયેલા અકસ્માતને લીધે આ બધું તૂટી ગયું હતું. સવારે મને દુકાનો તૂટેલી જોવા મળી હતી.’

આ બાબતમાં વધુ માહિતી આપતાં અન્ય એક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે ઇલેક્શન લડી રહેલા એક રાજકારણી સાથે અકસ્માત કરનાર યુવાનના સારા સંબંધ છે. એને લીધે તેની પોલીસ-સ્ટેશનમાં કોઈ જ ફરિયાદ થવાને બદલે બધું ભીનું સંકેલાઈ ગયું છે. પોલીસે તેની પાસેથી ફક્ત બે હજાર રૂપિયા દંડ લઈને તેને છોડી મૂક્યો હતો. આ યુવાને દુકાનદારને શટર કરાવી આપ્યું હોવાથી તેની સામે કોઈ ફરિયાદ થઈ નથી, જ્યારે પાનવાળાની દુકાન રિપેર કરવાને બદલે તેને ધમકી મળી હતી. પોલીસ તેની ફરિયાદ લેવા તૈયાર નથી અને એના માટે ધક્કા ખવડાવી રહી છે.’