ઘાટકોપરમાં એક બિલ્ડિંગની જમીન ફાટતાં ફફડાટ

26 November, 2014 03:20 AM IST  | 

ઘાટકોપરમાં એક બિલ્ડિંગની જમીન ફાટતાં ફફડાટ





રોહિત પરીખ


નાઇન્ટી ફીટ રોડ પર એક સ્કૂલનું નિર્માણ થઈ રહ્યું છે. ગઈ કાલે સાંજે છ વાગ્યે અચાનક સ્કૂલની જમીન સાથે ઇન્દ્ર લોક સોસાયટીની જમીન પણ ફાટી ગઈ હતી, જેને લીધે પડેલી તિરાડ જોઈને સોસાયટીના રહેવાસીઓ ડરી ગયા હતા. તેમણે તરત જ પોલીસ અને ફાયર-બ્રિગેડને બોલાવી લીધી હતી. આ બનાવ બનતાં સુધરાઈના બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સોસાયટીના રહેવાસીઓને બિલ્ડિંગની સેફ્ટીની ખાતરી ન મળી ત્યાં સુધી તેઓ નીચે ઊતરી આવ્યા હતા.

બે વર્ષ પહેલાં સ્કૂલના નવનિર્માણની શરૂઆત થઈ ત્યારે જમીનના ખોદકામ સમયે પાણીની પાઇપ ફાટી હતી ત્યારે પણ ઇન્દ્ર લોક સોસાયટીની બાઉન્ડરી-વૉલને નુકસાન થયું હતું. એ સમયે જ આ સોસાયટીના રહેવાસીઓએ આગળ જતાં નવી ઇમારતના બાંધકામને લીધે તેમની સોસાયટીના બિલ્ડિંગને નુકસાન થશે એવી આશંકા વ્યક્ત કરી હતી. આ બાબતની સુધરાઈમાં ફરિયાદ કર્યા પછી સ્કૂલનું નવનિર્માણ બે વર્ષ સુધી બંધ કરવામાં આવ્યું હતું જે થોડા સમય પહેલાં જ ફરીથી શરૂ થયું હતું.

ગારોડિયા ચૅરિટીઝ શું કહે છે?

જેની સ્કૂલનું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે એ ગારોડિયા ચૅરિટીઝના સ્પોક્સપર્સને કહ્યું હતું કે ‘નજીકના બિલ્ડિંગના રહેવાસીઓની પણ અમે કાળજી લઈ રહ્યા છીએ. જમીન પોચી હોવાથી આવું બન્યાની શંકા છે. અમે જ સુધરાઈના ટ્રી-ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો હતો અને જરૂરી પગલાં લેવામાં આવશે. અમારા સ્ટ્રક્ચરલ એન્જિનિયરોએ પણ સાઇટની મુલાકાત લીધી હતી અને તેમનો રિપોર્ટ આવ્યા બાદ આ રહેવાસીઓની અગવડો અને બિલ્ડિંગને કોઈ વધુ નુકસાન ન થાય એ માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.’