બાળ ઠાકરેને અપાઈ શાંતિપૂર્વક શ્રદ્ધાંજલિ

21 November, 2012 07:38 AM IST  | 

બાળ ઠાકરેને અપાઈ શાંતિપૂર્વક શ્રદ્ધાંજલિ



શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનું શનિવાર ૧૭ નવેમ્બરે બપોરે ૩.૩૩ વાગ્યે અવસાન થયા બાદ ઘાટકોપરવાસીઓએ બાળ ઠાકરેને શાંતિ અને સમતાપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એલબીએસ માર્ગ અને મહાત્મા ગાંધી રોડ પરના અમુક વિસ્તારોને બાદ કરતાં સંપૂર્ણ ઘાટકોપરે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. જ્યાં શિવસૈનિકો, બીજેપી અને એમએનએસના કાર્યકરો દુકાનોને બંધ કરાવવા રસ્તા પર ઊતર્યા હતા એ વિસ્તારોમાં પણ આ કાર્યકરોએ આંખના ઇશારે ઘાટકોપરને બંધ કરાવ્યું હતું, પરંતુ ઘાટકોપર-ઈસ્ટના રાજાવાડી વિસ્તારમાં શનિવારે રસ્તા પર ઊતરી આવેલાં ૧૦૦થી વધુ અસામાજિક તત્વોએ આ ત્રણેય પક્ષોના કાર્યકરોનું નામ ખરાબ કરવાની કોશિશરૂપે નજીકના ભારતી જ્વેલર્સના શોરૂમના કાચ તોડી નાખ્યા હતા અને એની જ બાજુમાં આવેલી અન્ય જ્વેલર્સ શૉપના માણસને માર માર્યો હતો. આમ છતાં ઘાટકોપરમાં બંધ શાંતિપૂર્ણ રહ્યો હતો.

મુંબઈમાં ભાઈબીજને દિવસે બાળ ઠાકરેના અવસાનની ફેલાયેલી અફવામાંથી ઘાટકોપર પણ બાકાત રહ્યું નહોતું. આ દિવસે સવારે હજી તો દુકાનોવાળા દુકાનો ખોલીને નવા વર્ષના મુરતનાં કાર્યો શરૂ કરે એ પહેલાં જ તેમને બાળ ઠાકરેના અવસાન થયાના સમાચાર મળતાં જ અમુક કેમિસ્ટો સહિત દુકાનદારોએ તેમની દુકાનો બંધ કરી દીધી હતી. શનિવારે તેમના અવસાનના સમાચાર પ્રસિદ્ધ થયા પછી પણ દુકાનદારો અને લોકો દ્વિધામાં હતા કે સાચું શું છે? સાંજના ૫.૩૦ વાગ્યા પછી અડધાં શટરો ખોલીને બેઠેલા દુકાનદારોએ તેમના શોરૂમ અને દુકાનો ફટાફટ બંધ કરી દીધાં હતાં. એલબીએસ માર્ગ પર આવેલી અનેક કૉપોર્રેટ ઑફિસોએ તેમના કર્મચારીઓને વહેલી રજા આપી દીધી હતી. સૌથી પહેલાં રસ્તા પરથી ટૅક્સીઓ અદૃશ્ય થઈ ગઈ હતી, જ્યારે ઑટોરિક્ષાવાળાઓએ મીટર પર કપડાં બાંધી દીધાં હતાં. કલ્યાણ-બદલાપુરથી આવતા ઑફિસ કર્મચારીઓ વહેલા છૂટી તો ગયા, પણ તેમના ચહેરા પર ઘરે કેવી રીતે પહોંચીશું અને કોઈ અનુચિત ઘટના તો નહીં બનેને કે રસ્તા પર જ રખડી જઈશું એ વાતનું ટેન્શન સ્પષ્ટ દેખાતું હતું. રિક્ષા અને ટૅક્સી બંધ થઈ જવાથી બેસ્ટની બસોમાં લોકો જાનના જોખમે બહાર લટકીને મુસાફરી કરતા જોવા મળ્યાં હતા. હોટેલો પણ બંધ થઈ ગઈ હતી. શનિ અને રવિવારે ધમધમતી વલ્લભબાગ લેનની ખાઉગલી બંધ હોવાથી એ વિસ્તાર સૂમસામ નજરે પડતો હતો. અવસાનના સમાચારના એક કલાકમાં જ ૨૪ કલાક ટ્રાફિકથી જૅમ રહેતા એલબીએસ માર્ગ અને મહાત્મા ગાંધી રોડ પર છૂટાંછવાયાં વાહનોની અવરજવર દેખાતી હતી. રાત પડતાં તો રસ્તાઓ ભેંકાર થઈ ગયા હતા. રવિવારે પણ લોકોએ બહાર નીકળવાનું મુનાસિબ ન સમજતાં ઈસ્ટ-વેસ્ટ બધે જ રસ્તાઓ સૂમસામ રહ્યા હતા.

નવા વર્ષથી જ બાળ ઠાકરેના આરોગ્ય બાબતે શંકાકુશંકા પ્રવર્તતી હોવાથી માર્કેટમાં શાકભાજી બહુ જ ઓછા પ્રમાણમાં આવ્યાં હતાં. તેથી લોકોએ બે દિવસ શાકભાજી વગર જ ચલાવવું પડ્યું હતું. એમાં પણ રવિવારે તો દૂધવાળાઓએ પણ બંધ રાખતાં લોકો દૂધથી પણ વંચિત રહ્યા હતા. રસ્તા પર રાતના સમયે સાઇકલ પર ચા-કૉફીનો ધંધો કરતા ફેરિયાઓએ પણ બંધ પાળતાં ચોવીસ કલાકથી વધુ સમયથી ફરજ બજાવી રહેલા પોલીસ-કર્મચારીઓની હાલત પણ કફોડી થઈ ગઈ હતી. ભારત બંધ જેવા સમયમાં પણ અમુક જગ્યાઓ પર ખૂણેખાંચરે ચા-કૉફી કે નાસ્તો મળી જતો હોય છે, પણ શનિવારે તો

ખૂણેખાંચરે હાટડી લગાડતા ફેરિયાઓ પણ બંધમાં જોડાઈ ગયા હતા. શનિવારે એલબીએસ માર્ગ પર આવેલા પેટ્રોલપમ્પ પણ બંધ થઈ ગયા હતા.

બારે મહિના રોશનીથી ઝળહળતો અને મોડી રાત સુધી ધમધમતો પવઈનો હીરાનંદાની વિસ્તાર અને એલબીએસ માર્ગ પરનો આર સિટી મૉલ બંધમાં જોડાતાં આ વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો. ગમે તેવા બંધમાં આર સિટી મૉલ પોલીસના રક્ષણ વચ્ચે ચાલુ રહેતો હોય છે, પરંતુ બાળ ઠાકરેના અવસાનના સમાચાર મળતાં જ આ મૉલ પળભરમાં બંધ થઈ ગયો હતો એટલું જ નહીં, રોશનીથી ઝળહળતા આ મૉલ પર અંધારપટ છવાઈ ગયો હતો. એવી જ પરિસ્થિતિ પવઈના હીરાનંદાની વિસ્તારની હતી. આ વિસ્તારમાં કૉલ-સેન્ટરો હોવાથી અહીં મોડી રાતે પણ લોકોનાં ટોળેટોળાં રસ્તા પર જોવા મળતાં હોય છે એના બદલે શનિ અને રવિવારે એકલદોકલ સ્થાનિક રહેવાસી પણ માંડ રસ્તા પર જોવા મળ્યાં હતા.

હીરાનંદાની વિસ્તારના એક ગુજરાતી રહેવાસીએ મિડ-ડે LOCALને શનિવારના બંધની વાત કરતાં કહ્યું હતું કે ‘આ વિસ્તારમાં આવેલા એક બ્યુટીપાર્લરમાં એક ગ્રાહકના અડધા વાળ કપાઈ ગયા હોવાથી આ પાર્લરને બંધ કરાવવા આવેલા શિવસૈનિકોને વિનંતી કરી હતી કે જેવા ગ્રાહકના વાળ કપાઈ જશે કે તરત જ એ પાર્લર બંધ કરી દેશે, પરંતુ શિવસૈનિકો એની વાત પર વિશ્વાસ રાખવા તૈયાર નહોતા. આખરે કોઈ સમજદાર વ્યક્તિએ મધ્યસ્થી કરતાં પાર્લરનું શટર બંધ કરી ગ્રાહકના વાળ પૂરા કાપવા દીધા હતા.’

આનાથી અલગ બનાવ એલબીએસ માર્ગ પર બન્યો હતો. અહીં એક શાકભાજીવાળી બાઈ પાસે શિવસૈનિકો બંધ કરાવવા આવ્યા હતા. આમ છતાં આ બાઈ પર કોઈ જ અસર થઈ નહોતી અને તેણે તેનો ધંધો ચાલુ રાખ્યો હતો. આથી ભડકેલા શિવસૈનિકો શાકભાજી લેવા આવેલી મહિલાઓ પર ગરમ થઈ તેમને હટાવવા લાગ્યા હતા. તો પણ પેલી શાકભાજીવાળી બાઈ પર કોઈ જ અસર થઈ નહોતી. આ બાઈનો શાકનો ધંધો બંધ કરાવવા બે-ત્રણ ગ્રુપ આવી ગયાં, પણ એ બાઈએ તો તેનો સ્ટૉક ખાલી થયો નહીં ત્યાં સુધી તેનો ધંધો કર્યો હતો.

દેશમાં ગમે તે કારણોસર બંધ જાહેર થાય તો પણ એમાંથી કેમિસ્ટની દુકાનોને બાકાત રાખવામાં આવતી હોય છે, પરંતુ નવા વર્ષે અમુક કેમિસ્ટની દુકાનો બંધ રહી હતી

ઘાટકોપર-ઈસ્ટના જ્વેલર્સ અસોસિએશનના એક પ્રવક્તાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ઠાકરેના અવસાનના સમાચાર મળતાં જ બધી દુકાનો અને શોરૂમ બંધ થવા લાગ્યાં હતાં. એ જ સમયે રાજાવાડીમાંથી જેને કોઈ જ રાજકીય પક્ષો સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નહોતો એવાં ૧૦૦ અસામાજિક તત્વો દુકાનો બંધ કરાવવા રસ્તા પર ઊતરી આવ્યાં હતાં. આ યુવાનોએ પોલીસની નજર સામે જ મહાત્મા ગાંધી રોડ પર આવેલી ભારતી જ્વેલર્સના કાચ તોડ્યા હતા અને એની જ બાજુમાં આવેલી અન્ય જ્વેલર્સ શૉપની દુકાનના માણસને માર માર્યો હતો.’

...તો સંતોષ રખડી ગયો હોત

શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનું ગઈ કાલે બપોર સાડાત્રણ વાગ્યે અવસાન થયા પછી ઘાટકોપરમાં વાત પ્રસરતાં સાંજના સાડાપાંચ વાગી ગયા હતા. આ જ સમયે દુબઈ માટે ઘાટકોપર-વેસ્ટથી છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ જવા નીકળેલા સંતોષ રાંગણેકરને રિક્ષા-ટૅક્સી પકડવા માટે પોલીસે પણ મદદ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

સંતોષ રાંગણેકર ઍરપોર્ટ જવા નીકળ્યો ત્યારે હજી તો બાળ ઠાકરેના અવસાનના સમાચાર લોકોને મળ્યાં હતા, પણ રિક્ષા અને ટૅક્સીવાળા મિનિટોમાં જ અદૃશ્ય થઈ ગયા હતા. સંતોષ રાંગણેકરે એલબીએસ માર્ગ પર આવેલા શ્રેયસ ચાર રસ્તા પાસે ઊભેલી પોલીસને વાહન પકડાવી આપવા માટે વિનંતી કરી હતી. જોકે પોલીસે તેને મદદ કરવા માટે અસમર્થતા દાખવી હતી.

આ માહિતી આપતાં સંતોષ રાંગણેકરે મિડ-ડેને કહ્યું હતું કે ‘મારા માટે ઍરપોર્ટ પહોંચવું જરૂરી હતું. મારે સોમવારથી જૉબ પર લાગવાનું હતું.’ ત્યાર બાદ તેણે ૨૫-૩૦ પ્રાઇવેટ કારવાળાને વિનંતી કર્યા બાદ એક કારવાળાએ તેને અંધેરી સુધી લિફ્ટ આપી હતી.

બાળ ઠાકરેને મીણબત્તીઓ પ્રગટાવી અપાઈ અંજલિ

વેસ્ટના સંઘાણી એસ્ટેટના શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના યુવાનોએ શનિવારે રાતના જ ૮ વાગ્યે જ આ વિસ્તારના સામાજિક કાર્યકર દામુ શર્માના નેતૃત્વ હેઠળ બાળ ઠાકરેની છબી સમક્ષ મીણબત્તીઓ સળગાવી શ્રદ્ધાંજલિ આપી હતી. આ યુવાનોએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મુંબઈના ગુજરાતી અને મારવાડી સમાજ પર બાળ ઠાકરેના અનહદ ઉપકાર રહ્યા છે. બાબરી મસ્જિદની ઘટના પછી ફાટી નીકળેલાં કોમી તોફાનોમાં આ સમાજનું રક્ષણ બાળ ઠાકરે અને શિવસેનાએ કર્યું હતું એ ઘટના કેમ કરી ભૂલી શકાય?’