ઘાટકોપરના ATMમાં લોકોને છેતરી રૂપિયા કઢાવી લેનાર ગઠિયો પકડાયો

18 September, 2020 09:00 AM IST  |  Mumbai | Mumbai correspondent

ઘાટકોપરના ATMમાં લોકોને છેતરી રૂપિયા કઢાવી લેનાર ગઠિયો પકડાયો

આરોપી તુફેલ અહેમદ લાલમિયા સિદ્દીકી પાસેથી મળી આવેલા ૧૦૯ ડેબિટ કાર્ડ દર્શાવતા પોલીસ અધિકારી.

ઘાટકોપર ઈસ્ટ-વેસ્ટમાં આવેલી વિવિધ બૅન્કોનાં એટીએમમાં આવતા ગ્રાહકોને છેતરી તેમના એટીએમ કાર્ડ સેરવી લઈ એમાંથી નાણાંની ઉચાપત કરનાર સાકીનાકામાં રહેતા ૩૩ વર્ષના ગઠિયા તુફેલ અહેમદ લાલમિયા સિદ્દીકીને ઝડપી લીધો છે. તેની પાસેથી અલગ-અલગ બૅન્કના ૧૦૯ ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા. પોલીસે તેની પાસેથી એક લૅપટૉપ, કાર અને મોટરસાઇકલ પણ જપ્ત કરી હતી.
મુંબઈનાં વિવિધ એટીએમમાં જતા લોકોની સાથે હાથચાલાકી કરી તેમને છેતરી તેમના અકાઉન્ટમાંથી નાણાં ઉપાડી જનાર ગઠિયાઓ સામે ફરિયાદો વધવા માંડતાં અને એમાં પણ ઘાટકોપરમાંથી વધુ ફરિયાદો મળતાં અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ ઘાટકોપર કુંડલિક નિગડેને તેની તપાસ સોંપવામાં આવી હતી.
તેમણે આ કામ માટે એક ખાસ ટીમ બનાવી અને જે પણ ફરિયાદો હતી ત્યાંનાં એટીએમના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ મેળવ્યાં. એ ઉપરાંત અલગ-અલગ જગ્યાએ થયેલી છેતરપિંડીમાં કઈ રીતે છેતરપિંડી કરાઈ છે એનો અભ્યાસ કર્યો અને ખબરી નેટવર્કમાં પણ એ વાત રમતી મૂકી વિગતો મેળવવા માંડી હતી. ત્યાર બાદ તેમણે આ રીતના ગુનાઓમાં સંડોવાયેલા રેકૉર્ડ પરના રીઢા ગુનેગારો હાલ ક્યાં છે, શું કરે છે એની માહિતી ખબરી નેટવર્કમાંથી મેળવી હતી, જેમાં સાકીનાકાનો રીઢો ગુનેગાર તુફેલ અહેમદ લાલમિયા શંકાના ઘેરામાં આવ્યો હતો. ત્યાર બાદ તેના મોબાઇલ ફોનથી એ ઘટનાઓ બની ત્યારે તે ક્યાં હતો એનું લોકેશન જાણી તે આ છેતરપિંડીમાં સંડોવાયો હોવાનું પાકું થયું હતું અને આમ પાકા પુરાવા હાથ લાગ્યા બાદ તેની ધરપકડ કરાઈ હતી. તેની સામે ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં પાંચ, પંતનગર પોલીસ સ્ટેશનમાં બે, સાકીનાકામાં એક અને માહિમમાં એક એમ કુલ ૯ ગુના નોંધાયેલા છે.

mumbai mumbai news ghatkopar Crime News