શહેરમાં ૪૪૩ ઇમારત ભયજનક હાલતમાં સૌથી વધુ​ ઘાટકોપર અને મુલુંડમાં

04 September, 2020 03:51 PM IST  |  Mumbai | Mumbai correspondent

શહેરમાં ૪૪૩ ઇમારત ભયજનક હાલતમાં સૌથી વધુ​ ઘાટકોપર અને મુલુંડમાં

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં છેલ્લા એક મહિનામાં ૪ મોટાં બિલ્ડિંગ પડી જવાની ઘટના સામે આવી છે, જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા. એ પહેલાં જુલાઈ મહિનામાં ફોર્ટમાં ધસી પડેલી એક સોસાયટીમાં ૧૦ લોકોના જીવ ગયા હતા એ છતાં પાલિકાને કોઈ ફરક પડતો હોય એમ દેખાતું નથી. મુંબઈમાં પાલિકાએ ૪૪૩ જર્જરિત બિલ્ડિગોની યાદી બહાર પાડી છે જેમાં આશરે ૭૦ ટકા સોસાયટીઓમાં હજી પણ લોકો જાનના જોખમે રહે છે.
દર વર્ષે વરસાદ આવવાની સાથે પાલિકા જર્જરિત બિલ્ડિગોની યાદી તૈયાર કરતી હોય છે, જેમાં પાલિકા દરેકને બિલ્ડિંગ ખાલી કરવા માટે ચેતવણી આપતી હોય છે, પણ રહેતા લોકોના માથા પરની છત ન છીનવાય એ માટે તેઓ રૂમો ખાલી કરતા હોતા નથી, જેના પગલે અનેક અકસ્માત સર્જાતા હોય છે. પાલિકા આ સામે આંખ આડા કાન કરતી હોય છે, જેના કારણે મોટા અકસ્માત થતા હોય છે. પાલિકાની એક યાદી અનુસાર છેલ્લાં સાત વર્ષમાં ૩૦૦ લોકોએ પોતાના જીવ બિલ્ડિગ દુર્ઘટનામાં ગુમાવ્યા છે.
મુંબઈ મહાનગર મહાપોર કિશોરી પેડણેકર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘પાલિકા આ સમયે જર્જરિત બિલ્ડિંગોમાં રહેતા લોકોને સમજાવી ખાલી કરવાના પ્રયાશ કરી રહી છે. સાથે એ પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.’
મુલુંડમાં એક જર્જરિત સોસાયટીમાં રહેતા વિરલ બીદ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘મુલુંડમાં અનેક સોસાયટીઓ જર્જરિતની યાદીમાં આવે છે, પણ પાલિકા આની સામે આંખ આડા કાન કરતી હોય છે. અમારી સોસાયટીમાં અનેક વાર મોટા સ્લૅબ લોકો પર પડ્યા છે. પાલિકાએ આ બાબતે ગંભીરતાથી ધ્યાન દેવું જોઈએ.’
મુંબઈ પાલિકા પીઆરઓ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ‘મુંબઈમાં વરસાદ પહેલાં જ ૪૪૩ બિલ્ડિગોની યાદી બહાર પાડવામાં આવી હતી. એમાં રહેતા લોકો રૂમ ખાલી કરતા ન હોવાથી આવી ઘટના સર્જાતી હોય છે. મુંબઈમાં હાલમાં અનેક વિસ્તારોમાં અતિજોખમી બિલ્ડિગોનાં પાણી-લાઇટ કટ કરવામાં આવ્યાં છે.

mumbai mumbai news ghatkopar mulund