ઘાટકોપરમાં હત્યાના એકસરખા બનાવ પછી લોકો હવે જાગશે?

09 September, 2012 05:43 AM IST  | 

ઘાટકોપરમાં હત્યાના એકસરખા બનાવ પછી લોકો હવે જાગશે?



રોહિત પરીખ

ઘાટકોપર, તા. ૯

ઘાટકોપર (ઈસ્ટ)ના ગારોડિયાનગરમાં આવેલા શ્રી કૃષ્ણા આશિષ બિલ્ડિંગમાં રહેતાં જૈન મહિલા દક્ષા દફ્તરીની શુક્રવારે ક્રૂર હત્યા કરી ઘરમાંથી લૂંટ કરીને ભાગી ગયેલી માલિશ કરવા આવતી મહિલાની કોઈ જ વિગતો કે તસવીર દફ્તરીકુટુંબ પાસે ન હોવાથી પંતનગર પોલીસને હજી સુધી આ મહિલાને શોધવામાં સફળતા નથી મળી. આ હત્યામાં આ મહિલા સાથે એક કરતાં વધુ પુરુષો હોવાની પોલીસને શંકા છે. આ હત્યા બાદ ઘરમાંથી ૧૫ લાખ રૂપિયાના સોના અને હીરાના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે.

ઘાટકોપરના જાણીતા બિલ્ડર જયંત અજમેરાની ૫૧ વર્ષની પત્ની ચેતના અજમેરાની હત્યા અને દોઢ કરોડ રૂપિયાની જ્વેલરીની થયેલી લૂંટમાં સંડોવાયેલા એક આરોપીની વરલીમાંથી ધરપકડ કર્યા પછી મુંબઈની ક્રાઇમ બ્રાન્ચ મુખ્ય આરોપી અશોક મહારાજ અને તેના અન્ય ત્રણ સાથીદારોને રાજસ્થાનથી પકડીને મુંબઈ લઈ આવે એ પહેલાં જ દક્ષા દફ્તરીનું તેમના જ ઘરમાં તેમને ૨૦ દિવસથી માલિશ કરવા આવતી અનીતા નામની મહિલા શાક સમારવાની છરીથી મર્ડર કરી સોનાનાં ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરીને ભાગી ગઈ હતી.

નોકરોની કોઈ જ વિગતો નથી

ચેતના અજમેરાની હત્યા અને લૂંટના કેસમાં પોલીસને પ્રથમ તબક્કે તેમના જ ઘરમાં કામ કરતા રસોઇયા અશોક મહારાજની કોઈ તસવીર કે વિગત મળી નહોતી એવી જ રીતે ૬૨ વર્ષનાં દક્ષા સતીશ દફ્તરીના કુટુંબીજનો પાસેથી તેમની હત્યા અને ઘરમાં લૂંટ કરવામાં સંડોવાયેલી મહિલાની કોઈ જ તસવીર કે વિગતો પંતનગર પોલીસ કે ઘાટકોપરની ક્રાઇમ બ્રાન્ચને મળી ન હોવાથી હજી પોલીસ અંધારામાં હવાતિયાં મારી રહી છે.

દક્ષા દફ્તરીની હત્યાની તપાસ કરી રહેલા ક્રાઇમ બ્રાન્ચના એક ઉચ્ચ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈપોલીસની સતત જાહેરાત છતાં હજી પણ એકલા રહેતા સિનિયર સિટિઝનો ઘરમાં કામ પર રાખવામાં આવતા કામવાળા, રસોઇયા કે ડ્રાઇવરની વિગતો અને તસવીરો પોલીસ-સ્ટેશનમાં રજિસ્ટર કરાવવામાં આળસ કરે છે.’

શુક્રવારે શું બન્યું હતું?

શુક્રવારે ઘાટકોપર (વેસ્ટ)ના ઘાટકોપર ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ડેરી ઇક્વિપમેન્ટ્સ મૅન્યુફૅક્ચર કરતા સતીશ દફ્તરી તેમના ઘરેથી રોજની જેમ સવારે ૧૦ વાગ્યે ફૅક્ટરીએ જવા નીકળ્યાં હતા. સતીશભાઈને ત્રણ દીકરીઓ છે અને સૌ પરણી ગઈ હોવાથી તે અને તેમનાં પત્ની ઘરમાં એકલાં જ રહે છે. છેલ્લાં વીસ દિવસથી તેમના ઘરે રોજ બપોરે બારથી બે વાગ્યાની વચ્ચે દક્ષાબહેનને માલિશ કરવા એક મહિલા આવતી હતી. સતીશભાઈ પાસે આ મહિલાની કોઈ વિગત નથી, પણ ઘાટકોપરમાં પરણાવેલી તેમની દીકરી પૂર્વીના કહેવા પ્રમાણે તેનું નામ અનીતા છે. સતીશભાઈના એક સંબંધીએ ‘મિડ-ડે’ને ઘટના સંદર્ભમાં કહ્યું હતું કે ‘પૂર્વીએ સવારે પોણાબાર વાગ્યે તેની મમ્મી સાથે વાત કરી હતી. ત્યાર બાદ સાડાબાર વાગ્યા પછી દક્ષાબહેને કોઈના ફોન અટેન્ડ નહોતા કર્યા. સતીશભાઈ સાંજે સાત વાગ્યે ફૅક્ટરીથી ઘરે આવ્યા ત્યારે ડોરબેલ મારતાં દક્ષાબહેને દરવાજો ન ખોલતાં તેમણે પોતાની ચાવીથી ઘર ખોલ્યું હતું. તેઓ અંદર ગયા ત્યારે એક રૂમમાં દક્ષાબહેનને લોહીના ખાબોચિયામાં ફર્શ પર ઊંધાં પડેલાં જોયાં હતાં. તરત જ તેમણે પંતનગર પોલીસને જાણ કરી હતી. પોલીસે દક્ષાબહેનની હત્યા અને ઘરમાં લૂંટ થઈ હોવાની માહિતી મેળવી તેમના ઘરે માલિશ કરવા આવતી મહિલાને શોધવા નજીકના સ્લમ-વિસ્તારોમાં કૉમ્બિંગ કર્યું હતું, પરંતુ અનીતાની કોઈ જ વિગતો ન હોવાથી પોલીસના હાથમાં રાત સુધીમાં કાંઈ હાથ નહોતું લાગ્યું.

હત્યા કેવી રીતે કરવામાં આવી?

ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ દક્ષાબહેનની હત્યાની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માલિશ કરવા આવતી મહિલાએ માલિશ કરતાં-કરતાં જ દક્ષાબહેનના ગળાને ઘરની વૉલ-ક્લૉકના કાચથી ચીરી નાખ્યા બાદ શાક સમારવાની છરીથી તેમના બન્ને હાથનાં કાંડાંની નસો કાપી નાખી હોવી જોઈએ. ત્યાર બાદ તેમના પેટમાં પણ છરીથી ઘા મારીને તેમની ક્રૂર હત્યા કરી હતી. હત્યા બાદ તેણે તેના સાથીદારો સાથે મળીને ઘરના કબાટમાંથી ઘરેણાં અને રોકડ જે મળ્યું એ હાથવગું કરી લીધું હતું, કારણ કે દક્ષાબહેન પાસે રહેતો ચાવીનો ઝૂડો ગુમ થયો છે. તેમના ઘરના કોઈ પાસે માલિશ કરવા આવતી મહિલાની કોઈ જ વિગતો નથી.’

ચેતના અજમેરા હત્યાકેસમાં એકની ધરપકડ

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે થોડા દિવસ પહેલાં ચેતના અજમેરા હત્યાકેસના મુખ્ય આરોપી અશોક મહારાજના ૨૧ વર્ષના એક સાથીદાર મહેન્દ્રસિંહ રાઠોડની વરલીમાં રહેતા મધ્ય પ્રદેશના એક બિઝનેસમૅનને ત્યાંથી ધરપકડ કરી હતી. તેણે ક્રાઇમ બ્રાન્ચને હત્યા અને લૂંટની સંપૂર્ણ માહિતી આપ્યા બાદ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ શુક્રવારે સવારે મુખ્ય આરોપી અશોક મહારાજ અને તેના અન્ય સાથીદારોને સકંજામાં લેવા માટે રાજસ્થાન તરફ રવાના થયા હતા. એ જ દિવસે રાતના ઘાટકોપર (ઈસ્ટ)ના ગારોડિયાનગરમાં દક્ષા દફ્તરીની હત્યા થતાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો ચાર મહિના પછી ચેતના અજમેરાની હત્યાના આરોપીની માહિતી મેળવ્યાનો આનંદ ઓસરી ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચના એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપતાં કહ્યું હતું કે ચેતના અજમેરા અને દક્ષા દફ્તરી બન્ને કેસમાં હત્યા પાછળનું કારણ લૂંટ જ છે.