મિડ-ડેમાં પ્રકાશિત ગીતા માણેકની ડૉક્યુ-નૉવેલનું ડિજિટલ લોકાર્પણ

18 July, 2020 12:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિડ-ડેમાં પ્રકાશિત ગીતા માણેકની ડૉક્યુ-નૉવેલનું ડિજિટલ લોકાર્પણ

પુસ્તકનું લોકાર્પણ કરતા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

કોરોનાકાળમાં પુસ્તકનું ડિજિટલ લોકાર્પણ ટ્રેન્ડચેન્જર કે ટ્રેન્ડસેટર હોવાનો અભિપ્રાય ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો હતો. ‘મિડ ડે’માં પ્રકાશિત ડૉક્યુ-નૉવેલ ‘સરદાર ધ ગેમ ચેન્જર’નું ડિજિટલ લોકાર્પણ કરતાં મુખ્ય પ્રધાને મોટા લોકાર્પણ સમારંભોમાં સમૂહ મિલનો ટાળવાનો અનુરોધ કરતાં ‘સરદાર ધ ગેમ ચેન્જર’નાં લેખિકાના સંશોધનની ચાર વર્ષની તપશ્ચર્યાને બિરદાવી હતી.

ડૉક્યુ-નૉવેલના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત વિખ્યાત અભિનેતા મનોજ જોશીએ સરદાર પટેલ વિશે નાટક લખતાં-લખતાં ડૉક્યુ-નૉવેલ કેવી રીતે રચાઈ એની કથા વર્ણવી હતી. લોકાર્પણ પ્રસંગે કૌટિલ્ય બુક્સના રાજુભાઈ અરોરા પણ ઉપસ્થિત હતા. કાર્યક્રમનું સંચાલન વિરલ રાચ્છે કર્યું હતું.

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર જીવંત પ્રસારિત કરવામાં આવેલા લોકાર્પણ સમારંભમાં લેખિકા ગીતા માણેકે દેશી રાજ્યોના વિલીનીકરણની માહિતી આપતાં વિશિષ્ટ પુસ્તક તરીકે ‘સરદાર ધ ગેમ ચેન્જર’ને વર્ણવતાં જણાવ્યું હતું કે સમગ્ર દેશને એકસૂત્રે બાંધવાનું સરદારનું વિરાટ કાર્ય નવી પેઢી જાણે એ ઉદ્દેશથી આ દસ્તાવેજી નવલકથા લખવામાં આવી છે.

gujarati mid-day Vijay Rupani mumbai news