પીળા-કેસરી રૅશનકાર્ડવાળાની દિવાળી સુધરી

08 November, 2012 08:19 AM IST  | 

પીળા-કેસરી રૅશનકાર્ડવાળાની દિવાળી સુધરી



રવિકિરણ દેશમુખ


મુંબઈ, તા. ૮

પીળા તથા કેસરી કલરનાં રૅશનકાર્ડ ધરાવતા તમામ માટે દિવાળી પહેલાં એક સારા સમાચાર છે. તેમને વધારાના ૩ સબસિડીવાળાં એલપીજી સિલિન્ડરો મળશે. નાણાભીડ અનુભવતી રાજ્ય સરકારે આ લાભ માત્ર પીળા તથા કેસરી રૅશનકાર્ડ ધરાવતા નાગરિકોને જ આપવાનું નક્કી કર્યું છે. સફેદ રૅશનકાર્ડ ધરાવનારાઓને એમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. પીળું તથા કેસરી રૅશનકાર્ડ ધરાવતા લોકોને છને બદલે સબસિડીવાળાં ૯ સિલિન્ડર મળશે.

કૉન્ગ્રેસના નેતૃત્વવાળી રાજ્ય સરકારે ગઈ કાલે આ નિર્ણયની જાહેરાત કરી હતી. કૉન્ગ્રેસનાં ચીફ સોનિયા ગાંધીએ યુપીએ સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં કરેલા વધારા પછી તમામ રાજ્ય સરકારોને આ વિશેના નિર્દેશ આપ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ તમામ એલપીજી સિલિન્ડર ધરાવતા ગ્રાહકોને વધારાનાં ત્રણ સબસિડીવાળાં સિલિન્ડર આપવાનો પ્રસ્તાવ ફૂડ ઍન્ડ સિવિલ સપ્લાય મિનિસ્ટર અનિલ દેશમુખે મૂક્યો હતો. રાજ્યમાં ૧.૨૦ કરોડ ગ્રાહકો માટે સરકારને ૧૮૦૦ કરોડ રૂપિયાનો ખર્ચો થાત, એથી કેટલાક કૅબિનેટ પ્રધાનોએ કહ્યું કે સરકારની આર્થિક હાલત ખરાબ છે. ગવર્નમેન્ટ કર્મચારીઓને ડિયરનેસ અલાઉન્સ (ડીએ) આપવાનું છે તેમ જ રાજ્યના ઘણા ભાગોમાં પાણી પણ પહોંચાડવાનું છે. એથી એક કલાકની ચર્ચા પછી વાઇટ રૅશનકાર્ડ ધરાવતા લોકોની બાદબાકી કરીને એનો ખર્ચ ઘટાડીને ૧૨૮૦ કરોડ રૂપિયા આંકવામાં આવ્યો હતો.

વળી એમાં પણ ગયા વર્ષે કેટલાં સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એના આધારે સબસિડી આપવામાં આવશે. જો ગયા વર્ષે પરિવારદીઠ માત્ર સાત સિલિન્ડરનો જ ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તેમને આ વર્ષે માત્ર એક સબસિડીવાળું સિલિન્ડર મળશે. જો તમામ એલપીજીના ગ્રાહકોને આ લાભ આપવામાં આવ્યો હોત તો એનો રાજકીય લાભ પણ ઉઠાવવા મળ્યો હોત. ગરીબી રેખા કરતાં નીચેના ૨૦ ટકા પરિવારો જ એલપીજીનો ઉપયોગ કરે છે,

જ્યારે કેસરી કાર્ડનો ઉપયોગ કરતા લોકો સબસિડી માટે અરજી નહીં કરે, એથી તમામ લોકોને લાભ આપવામાં આવ્યો હોત તો આ નિર્ણય યોગ્ય હોત.

દરમ્યાન સરકારના નિર્ણયની બીજેપીએ ટીકા કરી હતી તેમ જ વર્ષે ૧૨ જેટલાં સિલિન્ડર સબ્સિડીવાળા દરે આપવાની માગ કરી હતી.