ઝવેરીઓને મૂરખ બનાવીને સોનાના નકલી દાગીના વેચતી ટોળકી પકડાઈ

24 January, 2021 09:58 AM IST  |  Mumbai | Prakash Bambhrolia

ઝવેરીઓને મૂરખ બનાવીને સોનાના નકલી દાગીના વેચતી ટોળકી પકડાઈ

દહિસર પોલીસે આરોપીઓ પાસેથી જપ્ત કરેલા નકલી સોનાના દાગીના

સોનાના નકલી દાગીના બનાવીને દુકાનોમાં વેચવાના આરોપસર દહિસર પોલીસે ત્રણ મહિલા સહિત ચાર આરોપીની શુક્રવારે ધરપકડ કરી હતી. મીરા રોડમાં રહેતો દાગીના બનાવનારો કોઈક ધાતુ પર સોનાનો ઢોળ ચડાવીને દાગીના બનાવતો હતો અને તેના પર હૉલમાર્કનો સિક્કો પણ મારતો હોવાથી ઝવેરીઓ પણ થાપ ખાઈ જાય. આ દાગીના લઈને મહિલાને જ્વેલરી શૉપમાં ગિરવી મૂકવા કે વેચવા મોકલાતી હતી. સાંતાક્રુઝ, દહિસર, મીરા રોડ અને ભાઈંદરમાં આ ગૅન્ગ સામે ફરિયાદો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે. આ ગૅન્ગે દુકાનદારોની સાથે કેટલાક લોકોને સસ્તામાં દાગીના વેચ્યા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ ‘મહેન્દ્ર બાફના નામના જ્વેલરી શૉપ ધરાવતા દુકાનદારે ૨૦ જાન્યુઆરીએ દહિસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે બુરખો પહેરેલી એક મહિલા તેમની દુકાનમાં સોનાની ચેઇન ગિરવી મૂકવા આવી હતી. બિલ માગ્યું તો ચેઇન ગિફ્ટમાં મળી હોવાનું કહ્યું હતું. દુકાનદારે ચેઇન લઈને મહિલાને રૂપિયા આપ્યા હતા. જોકે બાદમાં ખ્યાલ આવ્યો હતો કે ચેઇન સોનાની નહીં, પણ મામૂલી ધાતુની છે, જેના પર સોનાનો ઢોળ ચડાવવાની સાથે હૉલમાર્ક પણ લગાવાયેલો છે.

ફરિયાદી મહેન્દ્ર બાફનાએ આ બાબતની માહિતી દહિસર પોલીસ સ્ટેશનમાં આપ્યા બાદ પોલીસે તપાસ કરીને સલમ ફહીમ કાઝી, ગુડિયા ઝહુર ખાન, સલમે મેતાબ બેગ નામની ત્રણ મહિલા અને તેમને સોનાના નકલી દાગીના બનાવનારા હરીશ્ચંદ્ર ભોલાનાથ સોનીની શુક્રવારે ધરપકડ કરી હતી. ત્રણેય મહિલા નાલાસોપારામાં તો દાગીના બનાવનારો મીરા રોડમાં રહેતો હોવાનું જણાયું હતું.

આરોપીઓએ નકલી સોનાના દાગીના મીરા રોડ, નાલાસોપારા, સાંતાક્રુઝ અને દહિસર સહિત મુંબઈ અને આસપાસના કેટલાક વિસ્તારમાં વેચ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. પોલીસે તેમની પાસેથી ૬૫ નકલી સોનાના દાગીના

અને ૧૮,૦૦૦ રૂપિયાની કૅશ જપ્ત કરી હતી.

આ કેસની તપાસ કરી રહેલા દહિસર પોલીસ સ્ટેશનના ક્રાઇમ ઇન્સ્પેક્ટર સુરેશ રોકડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ખૂબ જ ચોંકાવનારો મામલો છે. સામાન્ય ધાતુ પર સોનાના પાણીનો ઢોળ ચડાવીને એના પર હૉલમાર્કનો સિક્કો માર્યા બાદ સોની પણ દાગીનો અસલી છે કે નકલી એ જાણી નથી શકતો. દાગીના બનાવનારો આરોપી અનુભવી હોવાની સાથે જ્વેલરી શૉપમાં આ દાગીના વેચી શકે એવી મહિલાઓ દ્વારા એ વેચી કે ગિરવી મૂકીને રૂપિયા પડાવતો હતો. આ ગૅન્ગે અનેક જ્વેલર્સને આ રીતે છેતર્યા હોવાનું જણાયું છે. તેમણે દુકાનદારોની સાથે કેટલાક લોકોને સસ્તામાં સોનાના નકલી દાગીના વેચીને છેતર્યા હોવાની શક્યતા પણ છે.’

mumbai mumbai news dahisar mumbai police prakash bambhrolia