સિનિયર સિટિઝનોને જ ટાર્ગેટ બનાવતી ત્રણ બહેનોની ટોળકીની ધરપકડ

16 February, 2021 12:22 PM IST  |  Mumbai | Mehul Jethva

સિનિયર સિટિઝનોને જ ટાર્ગેટ બનાવતી ત્રણ બહેનોની ટોળકીની ધરપકડ

ગઈ કાલે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં જઈ રહેલી આરોપી બહેનો.

મુલુંડ પોલીસે માત્ર સિનિયર સિટિઝનોના ઘરને ટાર્ગેટ કરતી ત્રણ બહેનોની ઘરફોડીના કેસમાં ધરપકડ કરી છે. કુર્લામાં રહેતી આ બહેનોએ મુલુંડ-વેસ્ટમાં આરઆરટી રોડ પર આવેલા હંસ લક્ષ્મી બિલ્ડિંગમાં રહેતા રમણીકલાલ પારેખ શુક્રવારે તેમનાં પત્ની સાથે દેરાસર દર્શન કરવા ગયાં હતાં ત્યારે આરોપીઓએ તેમના ઘરમાંથી અઢી લાખના દાગીના અને રોકડની ચોરી કરી હતી. જોકે ગણતરીના સમયમાં જ આ કેસને સૉલ્વ કરીને મુલુંડ પોલીસે આરોપીઓ પાસેથી દાગીના અને રોકડ હસ્તગત કરી લીધી છે.

પોલીસે જણાવ્યા અનુસાર ‘હંસ લક્ષ્મી બિલ્ડિંગમાં રહેતા રમણીકભાઈ અને તેમનાં પત્ની શુક્રવારે રોજિંદા ક્રમ અનુસાર જવેર રોડ દેરાસર જવા સવારે ૧૦ વાગ્યે નીકળ્યાં હતાં. એ દરમિયાન ઘરમાં રાખેલા દાગીના અને રોકડ મળી કુલ અઢી લાખની કિંમતની માલમતા તેમના ઘરેથી ચોરી થઈ હતી. આ સંબંધે તેઓએ મુલુંડ પોલીસ-સ્ટેશનને જાણ કરતાં તેઓએ ઘટનાસ્થળે આવી અજ્ઞાત વ્ય‌ક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ મુલુંડ પોલીસ-સ્ટેશનના અધિકારીઓએ તપાસ કરી સારિકા ઇંગલે, મીના ઇંગલે અને સુજાતા ઇંગલેની ધરપકડ કુર્લાથી કરી હતી.’

મુલુંડ પોલીસ-સ્ટેશનના ઇન્વે‌સ્ટિગેટિંગ અધિકારી સચિન કદમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તપાસમાં અમને ધ્યાનમાં આવ્યું કે ચોરી કરનારે દરવાજાનું તાળું તોડ્યું નહોતું. પારેખ પરિવાર રોજ દરવાજાને લેઝ મારીને અને બહારથી કડી મારીને દેરાસરે જતા હતા. એ વિસ્તારના સીસીટીવી કૅમેરાના ફુટેજ અમે તપાસ્યા તો એક શંકાસ્પદ મહિલા અમને દેખાઈ. તેના પર નજર રાખતાં અમને ખબર પડી કે તેની સાથે બીજી બે મહિલા પણ છે. ત્યાર બાદ તેમના સીસીટીવી કૅમેરાના ફુટેજ અમે બીજા પોલીસ-સ્ટેશન સાથે શૅર કર્યા તો ખબર પડી કે તેમની ખિલાફ પંતનગર પોલીસ-સ્ટેશનમાં કેસ છે અને અત્યારે તેઓ જામીન પર છે. તરત જ અમે તેમને પકડીને પૂછપરછ શરૂ કરી. અમારી પૂછપરછ દરમ્યાન તેમણે આ ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. તેમની પાસે કોઈ પણ લેઝ ખોલવા માટે આઠેક ડુપ્લિકેટ ચાવી છે અને એની મદદથી જ તેઓ આ કામને અંજામ આપતા હતા. તપાસમાં અમને જાણવા મળ્યું કે તેઓ ખાસ કરીને સિનિયર સિટિઝનોના ઘરને જ ટાર્ગેટ કરતા હતા. આ કેસમાં પણ તેમણે પારેખ પરિવાર પર ત્રણેક દિવસ નજર રાખી હતી. મુંબઈમાં આઠ પોલીસ-સ્ટેશનમાં તેમની ખિલાફ કેસ હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે.’

mumbai mumbai news Crime News mulund