ચોર પૂજારીની ગૅન્ગ પકડાઈ

01 August, 2012 05:17 AM IST  | 

ચોર પૂજારીની ગૅન્ગ પકડાઈ

ડુપ્લિકેટ ચાવી વડે મલાડ (ઈસ્ટ)ના પુષ્પા પાર્ક પાસે આવેલા શ્રી સંભવનાથ ભગવાન ગૃહ જિનાલયમાંથી ૧,૮૦,૦૦૦ રૂપિયાના ચાંદીના દાગીના ચોરી જનારા ૨૫ વર્ષના વિક્રમસિંહ ચૌહાણ, ૩૦ વર્ષના વિજયસિંહ ચૌહાણ અને ૨૬ વર્ષના કિરણસિંહ ઝાલાની દિંડોશી પોલીસે ચોરીની ઘટના થયાના ૨૪ કલાકની અંદર ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી ૯૧,૧૦૦ રૂપિયાના દાગીના હસ્તગત કરવામાં આવ્યા હતા. આ ચોરીની યોજના ઘડી કાઢનારો માસ્ટરમાઇન્ડ અને મંદિરમાં પૂજારીનું કામ કરનાર મુખ્ય આરોપી ૨૭ વર્ષનો રણજિતસિંહ ચૌહાણ ફરાર છે. રણજિતસિંહ અને તેના ત્રણે સાથીદારોએ ગુજરાત, રાજસ્થાન અને મુંબઈનાં ઘણાં મંદિરોમાં ચોરી કરી હોવાનું કબૂલ કર્યું હતું. આરોપીઓને છ ઑગસ્ટ સુધી પોલીસ-કસ્ટડી આપવામાં આવી છે.

દહિસર ઝોન-૧૨ના ડેપ્યુટી પોલીસ-કમિશનર પ્રવીણકુમાર પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંદિરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કૅમેરાના ફુટેજ પરથી જાણવા મળ્યું હતું કે ૨૪ જુલાઈએ રાત્રે ત્રણ વાગ્યે મલાડ (ઈસ્ટ)માં આવેલા સંભવનાથ જૈન મંદિરમાં ત્રણ અજ્ઞાત યુવકો મોઢા પર રૂમાલ બાંધીને મંદિરમાં ઘૂસી આવ્યા હતા. તેઓ ફક્ત પાંચ મિનિટમાં જ મંદિરની મૂર્તિઓના ચાંદીના મુગટ, કાનની રિંગ, કવચ એમ કુલ મળી ૧,૮૦,૦૦૦ રૂપિયાના દાગીનાની ચોરી કરીને નાસી ગયા હતા. સવારે જ્યારે મંદિરના પૂજારી માધોજી મંદિરમાં આવ્યા એ વખતે મંદિરનો દરવાજો ખુલ્લો મળતાં તેમણે મંદિરના ટ્રસ્ટીને ચોરી થઈ હોવાની જાણ કરી હતી. ટ્રસ્ટીએ આ સંદર્ભે તરત જ દિંડોશી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દિંડોશી પોલીસે આ સંદર્ભે મંદિરના પૂજારી માધોજીને તાબામાં લઈ તેમની પૂરપરછ કરી હતી. પૂજારી માધોજીએ પોલીસને કહ્યું હતું કે હું બે મહિના પહેલાં ગામ ગયો હતો એ વખતે મેં મારી જગ્યા પર પૂજારી તરીકે ૨૭ વર્ષના રણજિતસિંહ ચૌહાણને ૧૫ દિવસ માટે મંદિર સંભાળવા કામ પર રાખ્યો હતો.’

રણજિતસિંહનો ફોન-રેકૉર્ડ ચેક કરતાં પોલીસને ખાતરી થઈ ગઈ હતી કે રણજિતસિંહે જ મંદિરમાં ચોરી કરી છે. દિંડોશી પોલીસે રણજિતસિંહના ત્રણ સાથીદારોની ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજ તાલુકાના મૌચ્છા ગામમાંથી ધરપકડ કરી હતી અને તેમની પાસેથી એક ટવેરા કાર અને ૯૧,૧૦૦ રૂપિયાના દાગીના હસ્તગત કરી તેમને મુંબઈમાં લાવવામાં આવ્યા હતા. પોલીસની ટીમ પહોંચી એ પહેલાં જ રણજિતસિંહ ત્યાંથી નાસી ગયો હતો.

શું હતી કાર્યપદ્ધતિ?

દિંડોશી પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર વિજય માડ્યેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું  કે ‘છેલ્લાં બે વર્ષથી મુખ્ય આરોપી રણજિતસિંહ મુંબઈ અને ગુજરાતનાં મંદિરોમાં પૂજારીના વેશમાં નોકરી માટે ભટકતો રહેતો હતો. મંદિરમાં નોકરી કરતી વખતે તે મંદિરની ડુપ્લિકેટ ચાવી બનાવી લેતો હતો અને ગામ જવું છે એમ કહી પૂજારીની નોકરી છોડી દેતો હતો. નોકરી છોડ્યાના એક મહિના બાદ રણજિતસિંહ તેના સાથીદારો સાથે મંદિરની ડુપ્લિકેટ ચાવી વડે મોઢા પર રૂમાલ બાંધી દાગીના ચોરી જતો હતો. ફરાર રણજિતસિંહ અને તેના સાથીદારોને મુંબઈ અને ગુજરાત પોલીસ છેલ્લાં બે વર્ષથી શોધી રહી હતી. આરોપીઓએ આ પહેલાં પણ ઘણાં મંદિરોમાં પૂજારી બનીને ચોરી કરી છે.’