છેતરપિંડી કરી રાજ ઠાકરેનો ફોટો બતાવી ધમકાવતી ગૅન્ગની ધરપકડ

30 October, 2012 05:25 AM IST  | 

છેતરપિંડી કરી રાજ ઠાકરેનો ફોટો બતાવી ધમકાવતી ગૅન્ગની ધરપકડ



બોરીવલી (વેસ્ટ)ના ચારકોપ વિસ્તારમાં રહેતા મયૂર પટેલ નામના ગુજરાતી યુવાનને ૧૦૦ ટકા નેવીમાં જૉબ આપવાની ગૅરન્ટી આપી તેની પાસેથી છ લાખ રૂપિયાની છેતરપિંડી કર્યા બાદ તેને રાજ ઠાકરેનો ફોટો દેખાડી ધમકી આપતા એક બનાવટી કન્સલ્ટન્સી ગ્રુપના સાત જણની બોરીવલી પોલીસે ધરપકડ કરી હતી અને તેમને જામીન પર છોડી દીધા હતા. પોલીસે આ સંદર્ભે અંધેરી (વેસ્ટ)ના લિન્ક રોડના લક્ષ્મી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ સામેના કાર્તિક કૉમ્પ્લેક્સમાં આવેલી સી રૉક કન્સલ્ટન્સીના ડિરેક્ટર અને એક જ પરિવારના વિનય દુબે, મનીષ દુબે, મનોજ દુબે, અજિત દુબે, યોગેશ દુબે, સંજય દુબે અને પ્રીતિ દુબેની ધરપકડ કરી હતી અને રાજેન્દ્રપ્રસાદ દુબેની શોધ કરી રહી છે.

બોરીવલી પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર અશોક ગજભિયેએ આ બનાવ વિશે કહ્યું હતું કે ‘આરોપીઓ અખબારોમાં જાહેરખબર આપતા હતા અને યુવકોને ફસાવતા હતા. દરેક સ્ટુડન્ટ પાસેથી તેઓ નેવીમાં જૉબ આપવા માટે પાંચ લાખ રૂપિયા લેતા હતા. જાહેરખબરમાં આરોપીઓ ડ્યુઅલ કૅડેટ શિપ, જીપી રેટિંગ શિપ, નૉટિકલ સાયન્સ અને ક્રૂઝ મૅનેજમેન્ટ કોર્સની જાહેરખબર આપતા હતા અને ૧૦૦ ટકા નોકરી આપવાનું વચન આપતા હતા. સ્ટુડન્ટ્સ પાસેથી ઍડ્મિશન બુક કરાવવા તેઓ ૫૦,૦૦૦થી ૬૧,૦૦૦ રૂપિયા લેતા હતા. આ રૂપિયા તેઓ રોકડા કે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જ લેતા હતા. ઍડ્મિશન બુક કર્યા બાદ તેઓ સ્ટુડન્ટને ચાર લાખ રૂપિયા ફી ભરવા કહેતા હતા. જો તેઓ ફી ન ભરે તો તેમના બુકિંગના રૂપિયા પાછા નહીં મળશે અને ઍડ્મિશન પણ કૅન્સલ કરવામાં આવશે એમ કહેતા હતા. હાલમાં આ કેસ અમે ઇકૉનૉમિક ઑફેન્સિસ વિંગને ટ્રાન્સફર કરી દીધો છે. આરોપીઓએ આ રીતે લગભગ ૧૬૫ સ્ટુડન્ટ્સ સાથે ઠગાઈ કરી છે. તેઓ વિરુ¢ ૨૫ કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.’

મયૂર પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૦૬માં મેં કોર્સ શીખવા આ ઇન્સ્ટિટ્યૂટને સ્ લાખ રૂપિયા લોન લઈને આપ્યા હતા. ક્લાસ અટેન્ડ કર્યા બાદ જૉબ ન મળતાં મેં કંટાળીને બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મારી ફરિયાદના આધારે બોરીવલી પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને પછી તેમને જામીન પર છોડી દીધા હતા. આ સંદર્ભે મેં પોલીસમાં ફરિયાદ કરીશ એમ આરોપીઓને કહ્યું હતું ત્યારે મોબાઇલમાં એમએનએસના ચીફ રાજ ઠાકરેનો સાથેનો તેમનો ફોટો મને દેખાડ્યો હતો અને ધમકી પણ આપી હતી.’