ઓળખાણ કરવાના બહાને હાથચાલાકીથી ઘરેણાં ઉતારી લેનારી ટોળકી પકડાઈ

16 December, 2012 05:32 AM IST  | 

ઓળખાણ કરવાના બહાને હાથચાલાકીથી ઘરેણાં ઉતારી લેનારી ટોળકી પકડાઈ



પૈસાદાર દેખાતા લોકોને તેમને ઓળખતા હોવાનો દેખાવ કરી તેમનાં કીમતી ઘરેણાંઓ પળવારમાં ઉતારી લેતા ત્રણ માણસોની બોરીવલી પોલીસે બુધવારે ધરપકડ કરી હતી. ૪૨ વર્ષના વિજય તાંબે, ૩૫ વર્ષના ગણેશ મિશ્રી તથા ૩૦ વર્ષના રાકેશ જાધવની કસ્તુરબા માર્ગ સ્ટેશન પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. કસ્તુરબા માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ભરત વરલીકરે કહ્યું હતું કે ‘હાથ મિલાવતી વખતે આરોપીઓ વીંટી કાઢી લેતા તો ગળાને સ્પર્શ કરતી વખતે ચેઇન કાઢી લેતા. લોકોને પોતે છેતરાયા હોવાની જાણ થાય ત્યાં સુધીમાં તો આરોપીઓ પલાયન થઈ જતા.’

તેઓ સાદાં કપડાંમાં પોલીસ-ઑફિસરની ભૂમિકા પણ ભજવતા અને આસપાસમાં મર્ડર થયું હોવાનું જણાવી લોકોને ઘરેણાં હાથરૂમાલમાં રાખવાનું કહેતા. ઘરેણાંની જગ્યાએ લોકોને હાથરૂમાલમાંથી પથરા જ મળે એવી તેમની હાથચાલાકી હતી. મુંબઈનાં ઘણાં પોલીસ-સ્ટેશનોમાં ત્રણે આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને ઘણી વખત તેમની ધરપકડ પણ થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ વિજય તાંબે માસ્ટર-માઇન્ડ છે, જ્યારે ચોથો આરોપી રાજેશ ઉપાધ્યાય ફરાર છે. ત્રણમાંથી ગણેશ મિશ્રી આ પહેલાં વાશી નાકામાં ફળો વેચવાનો ધંધો કરતો હતો. ત્રણેને ગુરુવારે ર્કોટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા તેમ જ ૧૮ ડિસેમ્બર સુધીની પોલીસ-કસ્ટડી મળી છે.