સરકારે આ વખતે ધ્વનિ-પ્રદૂષણ મામલે ભારે નરમાશ રાખી

24 September, 2012 05:19 AM IST  | 

સરકારે આ વખતે ધ્વનિ-પ્રદૂષણ મામલે ભારે નરમાશ રાખી


જાણીતા ઍક્ટિવિસ્ટના મતે છેલ્લા પાંચ દિવસ દરમ્યાન શહેરમાં ધ્વનિ-પ્રદૂષણના સ્તરમાં ભારે વધારો જોવા મળ્યો હતો. ‘મિડ-ડે’ સાથે વાતચીત કરતાં ધ્વનિ-પ્રદૂષણ વિરુદ્ધ કાર્ય કરતાં તેમ જ આવાઝ નામની બિનસરકારી સંસ્થાનાં સ્થાપક સુમેરા અબ્દુલઅલીએ કહ્યું હતું કે ‘આ વર્ષે ગણપતિ મંડળો તરફ સરકારે નરમાશભર્યું વર્તન બતાવ્યું છે. મારું માનવું છે કે શહેરમાં ઘણાં સ્થળોએ ધ્વનિ-પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. આ વિશેની ઘણી ફરિયાદો નાગરિકોએ મને કરી છે.’

મહારાષ્ટ્ર પૉલ્યુશન કન્ટ્રોલ ર્બોડ ગણેશ ઉત્સવ દરમ્યાન વિવિધ શહેરોમાં ધ્વનિ-પ્રદૂષણના સ્તરને માપવાનું કાર્ય કરતું હોય છે. નિયમ પ્રમાણે સાઇલન્સ ઝોનમાં દિવસ દરમ્યાન ૫૦ ડેસિબલ (ડીબી) તથા રહેઠાણ વિસ્તારમાં ૫૫ ડીબી ધ્વનિ-પ્રદૂષણ હોવું જોઈએ. સામાન્ય રીતે ગણેશોત્સવના અંતિમ દિવસો દરમ્યાન ધ્વનિ-પ્રદૂષણની ફરિયાદો નાગરિકો કરતા હોય છે, પરંતુ આ વખતે શરૂઆતથી જ ભારે શોરબકોર જોવા મળ્યાંની ફરિયાદો નાગરિકો કરી રહ્યા છે.

આ વખતે ગોકુળાષ્ટમીમાં પણ ધ્વનિ-પ્રદૂષણે આગલા તમામ રેકૉર્ડ બ્રેક કર્યા હતા. ગયા વર્ષે ધ્વનિ-પ્રદૂષણ ૧૦૫ ડીબીની જગ્યાએ ૧૭૩ ડીબી નોંધવામાં આવ્યું હતું. આ વખતે ગણેશોત્સવ દરમ્યાન લોકો મોડી રાત સુધી ફટાકડા ફોડે છે તેમ જ મ્યુઝિક ચાલુ રાખે છે.