12 September, 2026 01:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવડીચા રાજાના અમૃત મહોત્સવ નિમિત્તે ભવ્ય નજારો અને શ્રીગણેશની મૂર્તિનું ગઈ કાલે પરંપરાગત વિધિ સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું
ગુજરાતમાં ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમસ્થળે વસેલી હોવાનું માનવામાં આવતી પૌરાણિક દ્વારકાનગરીનો અનુભવ હવે આ ગણેશોત્સવ દરમ્યાન શિવડીમાં કરી શકાશે. આ વર્ષે શિવડીચા રાજાના પંડાલમાં પાણીની અંદરની દ્વારકાનગરીને સાકાર કરીને ગણેશોત્સવની ઉજવણીને એક અનોખા સ્તરે પહોંચાડ્યું છે. શિવડીચા રાજાના અમૃત મહોત્સવ નિમિત્તે ભવ્ય નજારો અને શ્રીગણેશની મૂર્તિનું ગઈ કાલે પરંપરાગત વિધિ સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું. તુતારી અને ઢોલના ગાજતા નાદ, શંખનાદ તથા ઘંટનાદ વચ્ચે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ અદ્ભુત સ્થાપના મુંબઈના શિવડી બસ ડેપોની સામે આવેલા પ્રબોધનકાર ઠાકરે ઉદ્યાન ખાતે કરવામાં આવી છે.
પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર અમન વિધાતે દ્વારા સંકલ્પિત આ ભવ્ય સ્થાપનાનો ઉદ્દેશ્ય પાણીમાં ડૂબી ગયેલી દ્વારકાનગરીનો અદ્ભુત અનુભવ મુંબઈકરો તથા સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો છે. ગુજરાત જઈને દ્વારકાના જળમગ્ન અવશેષોનો અનુભવ દરેક વ્યક્તિ માટે સરળતાથી શક્ય નથી. આ અનોખી પહેલ દ્વારા શિવડીચા રાજાએ જળમગ્ન દ્વારકાની આ રોમાંચક દુનિયાને મુંબઈમાં જ સાકાર કરી છે. લગભગ ૧૩૦ ફુટ લંબાઈ, ૬૫ ફુટ પહોળાઈ અને ૪૫ ફુટ ઊંચાઈ ધરાવતી આ ભવ્ય સ્થાપનામાં આશરે ૧૦૦૦ ચોરસ ફુટની LED સ્ક્રીન, અદ્યતન હોલોગ્રામ ટેક્નૉલૉજી, લેસર લાઇટ ઇફેક્ટ્સ અને અૅર-કન્ડિશન્ડ સેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ભવ્ય રચનાને સાકાર કરવા માટે છેલ્લા દોઢ મહિનાથી આશરે ૭૦થી ૮૦ કારીગરો દિવસ-રાત અથાક મહેનત કરી રહ્યા હતા.