ગણેશમંડળો બાપ્પાનો પ્રસાદ ભેળસેળમુક્ત, શુદ્ધ અને સ્વચ્છ હોય એનું ધ્યાન રાખે : દેવેન્દ્ર ફડણવીસ

29 August, 2026 12:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગણેશવિસર્જન બાદ પ્લાસ્ટર ઑફ પૅરિસથી બનેલી મૂર્તિઓને આ વર્ષે પણ રીસાઇકલ કરવામાં આવશે

ફાઇલ તસવીર

બાપ્પાના આગમનની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગણેશમંડળોને ભક્તોને પ્રસાદ વિતરણ કરતી વખતે ફૂડ-સેફ્ટીનાં ધોરણોનું પાલન કરવાનો અને અે શુદ્ધ, સ્વચ્છ અને ભેળસેળમુક્ત હોય અેની ખાતરી કરવાનો નિર્દેશ આપ્યો છે. સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ ખાતે યોજાયેલી ગણેશોત્સવ માટે કાયદો અને વ્યવસ્થા વિશેની બેઠકમાં ફડણવીસે આ નિર્દેશો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે ગણેશમંડળોએ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા નિર્ધારિત નિયમોથી પરિચિત થવું જોઈએ અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્‍સનું પાલન કરવા માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ લેવી જોઈએ. 

ગણેશવિસર્જન બાદ પ્લાસ્ટર ઑફ પૅરિસથી બનેલી મૂર્તિઓને આ વર્ષે પણ રીસાઇકલ કરવામાં આવશે

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ આગામી ગણેશોત્સવ દરમ્યાન પણ કુદરતી જળાશયો તેમ જ કૃત્રિમ તળાવોમાં વિસર્જિત થતી પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની બનાવટની ભગવાન ગણેશની મૂર્તિઓને એકત્રિત કરીને અેને રીસાઇકલ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈના દરિયાકિનારા અને જળસ્ત્રોતોને દૂષિત થતા અટકાવવા માટે પ્રશાસન દ્વારા આ વિશેષ યોજના તૈયાર કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે પણ વિસર્જન બાદ પાછી મેળવવામાં આવેલી PoPની મૂર્તિઓને મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ ખાતે લઈ જવામાં આવશે જ્યાં મટીરિયલને અલગ પાડીને એકઠું કરવામાં આવશે. આ એકત્રિત થયેલા PoPનો યોગ્ય અને ઉત્પાદક ઉપયોગ થઈ શકે અે માટે BMC રીસાઇક્લિંગ એજન્સીઓ સાથે વાટાઘાટો કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે PoPની મૂર્તિઓ પાણીમાં સરળતાથી ઓગળતી નથી અને વિસર્જન બાદ જળાશયોના તળિયે જમા થઈને પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડે છે. BMCના આ પગલાથી જળપ્રદૂષણ ઘટાડવામાં અને પર્યાવરણના રક્ષણમાં મદદરૂપ ફેરફાર આવશે.

ganpati ganesh chaturthi brihanmumbai municipal corporation devendra fadnavis maharashtra news maharashtra mumbai mumbai news