વિના વિઘ્ને વિઘ્નહર્તાનું વિસર્જન પાર પડે એ માટે હજારોની સંખ્યામાં પોલીસ સજ્જ

09 September, 2022 10:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શહેરમાં સંખ્યાબંધ રસ્તાઓ વન-વે કરવામાં આવ્યા છે અથવા તો બંધ રાખવામાં આવ્યા છે

ગઈ કાલે ગિરગામ ચોપાટી પર વિસર્જનની તૈયારી કરી રહેલી સુધરાઈ (તસવીર : આશિષ રાજે)

મુંબઈના લાડકા ગણપતિબાપ્પાને વિદાય આપવા આજના અનંત ચતુર્દશીના દિવસે મુંબઈગરા જોરશોરમાં ઢોલ-નગારાંના તાલે ગણપતિબાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યાના નારા સાથે નીકળી પડશે. લાખો મુંબઈગરા ગિરગામ ચોપાટી, દાદર ચોપાટી, જુહુ ચોપાટી, માર્વે અને ગોરાઈ પર જમા થશે. એ સિવાયનાં વિસર્જન સ્થળોએ પણ ભારે ભીડ થશે. જોકે વિસર્જન દરમિયાન કોઈ અપ્રિય ઘટના ન બને એ માટે મુંબઈ પોલીસ ખડેપગે બંદોબસ્તમાં રહેશે અને ભક્તોની સુરક્ષા જાળવશે.

મુંબઈ પોલીસના ૩૨૦૦ ઑફિસર અને ૧૫,૫૦૦ પોલીસ સાથે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની ૮ ટુકડીઓ, રૅપિડ ઍક્શન ફોર્સની એક કંપની, ફોર્સ વનની એક કંપની, ૭૫૦ હોમગાર્ડ અને ૨૫૦ ટ્રેઇની પોલીસ મુંબઈગરાની સુરક્ષા જ‍ળવાઈ રહે એ માટે તહેનાત રહેશે. મુંબઈમાં ગિરગામ ચોપાટી, શિવાજી પાર્ક, જુહુ અને માર્વે સહિત ૭૩ કુદરતી તળાવોમાં અને બીએમસી દ્વારા બનાવાયેલા ૧૬૨ આર્ટિફિશ્યલ પૉન્ડમાં ગણ​પતિબાપ્પાનું વિસર્જન કરવામાં આવશે.  

અસામાજિક તત્ત્વો દ્વારા ભીડનો ગેરલાભ ન ઉઠાવાય એટલા માટે મુંબઈ પોલીસે ઑલરેડી ઑલ આઉટ ઑપરેશન હાથ ધર્યું હતું. એ અંતર્ગત ઠેર-ઠેર નાકાબંધી ગોઠવીને વાહનો ચેક કરાયાં હતાં અને હોટેલો તથા લૉજની પણ તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ડ્રોન કૅમેરાથી ભીડ પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ ઉપરાંત લાઉડ સ્પીકર અને મેગાફોન દ્વારા લોકોને ઇન્સ્ટ્રક્શન અપવામાં આવશે અને ભીડમાં નાનાં બાળકો ખોવાઈ જાય તો એની પણ જાહેરાત કરવામાં આવશે.

વિસર્જનનો ટ્રાફિક સરળતાથી ચાલતો રહે એ માટે આજે બપોરે ૧૨ વાગ્યાથી આવતી કાલે સવારે ૬ વાગ્યા સુધી તળ મુંબઈના અનેક રસ્તા ટ્રાફિક માટે બંધ કરાયા છે, જ્યારે કેટલાક રસ્તા વન-વે કરાયા છે અને કેટલીક જગ્યાએ નો એન્ટ્રી કરવામાં આવી છે. આ ઉપરાંત પરાંઓમાં પણ આ જ રીતે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે જેની માહિતી મુંબઈ ટ્રાફિક પોલીસની વેબસાઇટ પર પણ મૂકવામાં આવી છે.

નૅશનલ પાર્કની અંદર નદીમાં વિસર્જન પર પ્રતિબંધ

બીએમસીએ આ વર્ષે બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ગણપતિ વિસર્જન કરવાની છૂટ આપી હતી, પરંતુ એની સામે ‘મુંબઈ માર્ચ’ સિટિઝન્સ ગ્રુપે ગઈ કાલે સવારે ગણપતિબાપ્પાની પ્રતિમાનું સંજય ગાંધી નૅશનલ પાર્ક (એસજીએનપી)ની અંદર આવેલી દહિસર નદીમાં વિસર્જન કરવાની છૂટ આપવાના સુધરાઈના નિર્ણય સામે વિરોધ નોંધાવવા માટે મૂક વિરોધ-પ્રદર્શન યોજ્યું હતું. મુંબઈની નદીઓના કાયાકલ્પને ઉત્તેજન આપવાના ક્ષેત્રે કામગીરી કરી રહેલા આ ગ્રુપ દ્વારા સવારે સાત વાગ્યે વિરોધ-પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સાથે-સાથે એણે બૉમ્બે હાઈ કોર્ટમાં પરવાનગીની ખિલાફ અરજી પણ કરી હતી. બૉમ્બે હાઈ કોર્ટે એ અરજીની સુનાવણી હાથ ધરીને નૅશનલ પાર્કની અંદર દહિસર નદીમાં વિસર્જન કરવા પર બંધી મૂકી દીધી છે. એથી હવે દર વર્ષની જેમ નૅશનલ પાર્કમાં ગેટની બાજુમાં આર્ટિફિશ્યલ પૉન્ડ બનાવીને ત્યાં બાપ્પાના વિસર્જનની ગોઠવણ કરવામાં આવી છે. આ ઉપરાંત જેમની મૂર્તિઓ સાઇઝમાં મોટી હોય તેમને અન્યત્ર વિસર્જન કરવાનું કહેવામાં આવ્યું છે.  

ચર્ની રોડ સ્ટેશન પર વધારાની સુરક્ષા

ગિરગામ ચોપાટી પર લાખો ગણેશભક્તો વિસર્જન વખતે ગણપતિબાપ્પાનાં દર્શન કરવા આવતા હોય છે એ જોતાં વેસ્ટર્ન રેલવે દ્વારા ચર્ની રોડ સ્ટેશન પર ખાસ પગલાં લેવામાં આવ્યાં છે. બંને બાજુ ઈસ્ટ અને વેસ્ટમાં બે-બે વધારાના ગેટ ખોલી દેવામાં આવ્યા છે જેથી ભક્તો સહેલાઈથી અવરજવર કરી શકે અને કોઈ અપ્રિય ઘટના ન બને. આ ઉપરાંત સ્ટેશન પર જ જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે પોલીસ) દ્વારા કન્ટ્રોલ રૂમ ઊભો કરી દેવાયો છે. કેટલાક વધારાના સીસીટીવી કૅમેરા પણ બેસાડવામાં આવ્યા છે જેનાથી ભીડ પર નજર રાખવામાં આવશે. એ સિવાય પ્લૅટફૉર્મ પર પણ પોલીસ સતત પૅટ્રોલિંગ કરતી રહેશે. જો ભીડ ચર્ની રોડ પર વધતી જણાશે તો ભક્તોને મરીન લાઇન્સથી ચોપાટી જવાનું કહેવામાં આવશે. 

mumbai mumbai news ganpati ganesh chaturthi visarjan mumbai police