દહિસર-ઈસ્ટમાં આંબાવાડીમાં દસમા ને બારમા ધોરણના વિદ્યાર્થીઓને સંદેશ

28 September, 2012 07:41 AM IST  | 

દહિસર-ઈસ્ટમાં આંબાવાડીમાં દસમા ને બારમા ધોરણના વિદ્યાર્થીઓને સંદેશ



દહિસર-ઈસ્ટમાં આંબાવાડીમાં શ્રી સાર્વજનિક ગણેશોત્સવ મંડળનું ગણેશોત્સવનું ૪૦મું વર્ષ છે. મંડળના સેક્રેટરી ગજાનન સાળવીએ કહ્યું હતું કે ‘દસમા અને બારમા ધોરણની પરીક્ષામાં નાપાસ થવાથી તેમ જ ઓછા ટકા આવતાં વિદ્યાર્થીઓએ ક્યારેય મૃત્યુનો રસ્તો અપનાવવો નહીં, પરંતુ હકારાત્મક વિચારધારા સાથે આગળ વધવું એ સમજાવવા ખાસ થીમ બનાવી છે, જેના દ્વારા બાળકોની સાથે પેરન્ટ્સને પણ સંદેશ આપ્યો છે. જેમનાં બાળકો દસમા અથવા બારમા ધોરણમાં હોય તે આખો દિવસ ટકોર કર્યા કરે; ભણવા બેસો, બાજુવાળાનો છોકરો કેટલા સારા ટકા લાવ્યો છે; તારું તો ભણવામાં ધ્યાન જ નથી, તારા માટે કેટકેટલી માનતા માની, પણ તને કંઈ સમજ પડતી નથી. અમે ડૉક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા સમજાવ્યું છે કે બાળક રોજ-રોજની શિખામણ અને ઓછા ટકા આવવાથી ડિપ્રેશનમાં આવી અપાઘાત કરવા જાય છે ત્યારે ભગવાન ગણપતિ તેમના વાહન ઉંદર પર સવાર થઈને આવે છે અને બાળકને રોકે છે. તે કહે છે, મારું વાહન ઉંદર, જેને અંગ્રેજીમાં માઉસ કહે છે. તેમણે કમ્પ્યુટરના માઉસ દ્વારા સમજાવ્યુ છે કે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન વગેરે જાણીતા લોકો પણ કોઈ ને કોઈ ઑડિશનમાં ફેલ થયા હતા. તમારા ભણવામાં ઓછા ટકા આવ્યા તો શું થયું, કારકિર્દી બનાવવા ઘણા ઑપ્શન છે, જેમ કે સંગીત, નૃત્ય, સ્ર્પોટ્સ, ટુર્સ ઍન્ડ ટ્રાવેલ્સ, ઇવેન્ટ મૅનેજમેન્ટ, ઍક્ટિંગ, ઍનિમેશન, ફોટોગ્રાફર, ખેતીવાડી વગેરેનું શિક્ષણ મેળવી નામ અને (રૂપિયા) દામ બન્ને મેળવી શકાય. અગિયારમા દિવસે (આવતી કાલે શનિવારે) પારંપરિક વાદ્ય સાથે વાજતેગાજતે ગણપતનું વિસર્જન દહિસર-વેસ્ટમાં કાંદરપાડા તળાવમાં કરવામાં આવશે.’