ગણેશજીને ઘરે લાવવા છે પણ આર્થિક તંગી છે?

06 September, 2024 09:45 AM IST  |  Mumbai | Prakash Bambhroliya

ગુજરાતી મૂર્તિકાર ફૅમિલી વિનામૂલ્ય આપી રહી છે મૂર્તિઃ દહિસરનો વ્યાસ પરિવાર ગણપતિની મૂર્તિ બનાવવાનું કારખાનું ધરાવે છે, પણ આ વખતે ગરીબોને ફ્રી મૂર્તિ આપવાનો નિર્ણય

મૂર્તિકાર પરિવાર : જિગર અને હિના વ્યાસ અને તેમની દીકરી વૃંદા (તસવીર : સતેજ શિંદે)

મહારાષ્ટ્રના સૌથી મોટા તહેવાર ગણેશોત્સવનો ક્રેઝ સતત વધી રહ્યો છે એટલે ઘણા લોકો પોતાના ઘરે ગણપતિની સ્થાપના કરવા લાગ્યા છે. જોકે ઘણા ગણેશભક્તો એવા પણ હોય છે જેઓ બાપ્પાને ઘરે લાવીને એમની પૂજા કરવા માગે છે, પણ તેમની મૂર્તિ ખરીદી શકાય એવી સ્થિતિ નથી હોતી એટલે તેઓ ઘરે ગણપતિની પૂજા નથી કરી શકતા. આવા ગણેશભક્તો માટે દહિસરમાં ગણપતિની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ બનાવવાનું કારખાનું ધરાવતી મૂર્તિકાર ગુજરાતી વ્યાસ ફૅમિલીએ ફ્રી મૂર્તિ આપવાની થોડા સમય પહેલાં જાહેરાત કરી હતી. બોરીવલી-વેસ્ટમાં વીર સાવરકર ઉદ્યાનની સામે મંડપ બનાવીને આ મૂર્તિઓ રાખવામાં આવી હતી, જેમાંથી ગઈ કાલે જરૂરિયાતમંદોને  મૂર્તિઓ ફ્રી આપવામાં આવી હતી. મૂર્તિ માટેની ઇન્ક્વાયરી ઘણી આવી હતી, પણ જૂજ લોકો જ ફ્રી મૂર્તિ લેવા પહોંચ્યા હતા એટલે મૂર્તિકારે શનિવારે બપોરના ૧૨ વાગ્યા સુધી જરૂરિયાતમંદ લોકો મૂર્તિ લઈ શકે છે એવી ગઈ કાલે જાહેરાત કરી હતી.

ગણપતિબાપ્પાની ફ્રી મૂર્તિ આપવાનો વિચાર કેવી રીતે આવ્યો એ વિશે દહિસર-ઈસ્ટમાં ગાવદેવી મંદિર પાસે મૂર્તિ બનાવવાનું કારખાનું ધરાવતા જિગર વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી દીકરી વૃંદાને બાળપણથી આર્ટમાં ખૂબ રસ. પાંચ વર્ષની ઉંમરથી તે ગરબાની કલાત્મક ડિઝાઇન કરવાથી માંડીને મૂર્તિ બનાવે છે. હવે તે ૧૭ વર્ષની થઈ ગઈ છે અને અમારા મૂર્તિ બનાવવાના કામમાં જોડાઈ છે. પત્ની હિના અને પુત્રી વૃંદા સાથે હું બેઠો હતો ત્યારે વિચાર આવ્યો કે દર વર્ષે આપણે મૂર્તિ બનાવીને વેચીએ છીએ તો આ વખતે જે ગણેશભક્તો મૂર્તિ ખરીદી નથી શકતા તેમને ફ્રી મૂર્તિ આપીએ તો કેવું રહેશે? પત્ની અને પુત્રીએ મારો વિચાર વધાવી લીધો હતો એટલે અમે વીર સાવરકર ઉદ્યાનની સામે મંડપ ઊભો કરીને ફ્રી મૂર્તિઓ આપી રહ્યા છીએ. આ પ્રેરણા મને ભગવાન શિવે આપી છે એટલે જ તેમના પુત્ર ગણેશની મૂર્તિ આપીને તેમની પ્રેરણાને અમલમાં મૂકી હતી. આજે જૂજ લોકો જ મૂર્તિ લેવા પહોંચ્યા હતા. આથી શનિવારના ૧૨ વાગ્યા સુધી લોકો ફ્રી મૂર્તિ અહીંથી કલેક્ટ કરી શકશે.’

ઇકો-ફ્રેન્ડ્લી પોતાના કારખાનાની અને મોટી મૂર્તિ બીજેથી ખરીદી

ભક્તોને ફ્રી આપવા માટેની મૂર્તિ વિશે જિગર વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભક્તોની મૂર્તિની પોતાની એક પસંદગી હોય છે. આથી તેમની પસંદગી મુજબ અમે અનેક પ્રકારની મૂર્તિ મંડપમાં રાખી છે. એકથી બે ફીટની ઊંચાઈની ઇકો-ફ્રેન્ડ્લી મૂર્તિ અમારા કારખાનામાં તૈયાર કરવામાં આવી છે. જોકે ઘણા ભક્તો મોટી મૂર્તિની સ્થાપના કરવા માગે છે એટલે તેમને ધ્યાનમાં રાખીને અમે કેટલીક પ્લાસ્ટર ઑફ પૅરિસની મૂર્તિઓ બીજેથી ખરીદી છે.’

ganesh chaturthi ganpati dahisar mumbai mumbai news prakash bambhrolia