મળો જિગરજાન દોસ્ત ગણેશ અને વિઠ્ઠલને

18 September, 2022 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૧૧માં એનજીઓએ માનવોના ​હિંસક ટોળાથી ગણેશ નામના નર ચિત્તાને બચાવ્યો હતો

ગણેશ અને વિઠ્ઠલ

દોસ્તી પર માત્ર માનવીનો ઇજારો નથી એ પુરવાર કર્યું છે વાઇલ્ડલાઇફ એસઓએસ એનજીઓ દ્વારા બચાવવામાં આવેલા બે ચિત્તાઓએ. હાલમાં આ બન્ને ચિત્તા મહારાષ્ટ્રમાં આવેલા માણિકદોહ લેપર્ડ રેસ્ક્યુ સેન્ટરમાં છે.

૨૦૧૧માં એનજીઓએ માનવોના ​હિંસક ટોળાથી ગણેશ નામના નર ચિત્તાને બચાવ્યો હતો. ટોળાએ ચિત્તાને ખૂબ માર મારી ગંભીર ઈજા પહોંચાડી મરવા માટે છોડી દીધો હતો.  

ગણેશને તાત્કાલિક એનજીઓ અને રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવેલા માણિકદોહ લેપર્ડ રેસ્ક્યુ સેન્ટર લઈ જવાયો હતો. ગણેશની ડાબી આંખમાં ગંભીર ઈજા હોવાથી એનું ઑપરેશન કરવું પડ્યું હતું. વળી એની જમણી આંખમાં મોતિયો હોવાથી એ થોડા સમય માટે સંપૂર્ણપણે દૃષ્ટિહીન થઈ ગયો હતો.

બીજી તરફ વિઠ્ઠલને ૨૦૦૯માં મહારાષ્ટ્રના ગાઢ જંગલની સરહદથી પસાર થતા એક નાનકડા ગામમાંથી શિકારીઓની જાળમાંથી બચાવવામાં આવ્યો હતો. કાંટાળી વાયરની જાળને લીધે વિઠ્ઠલ ખરાબ રીતે ઘવાયો હતો. એની સારવાર કરાઈ, પરંતુ કમનસીબે એના જમણા પાછળના પંજાને કાયમી નુકસાન પહોંચ્યું હતું. આ બન્ને પ્રાણીઓ માટે હવે જંગલનું વનજીવન સુર​ક્ષિત ન હોવાથી એમને વાઇલ્ડલાઇફ એસઓએસની દેખરેખ હેઠળ મૂકવામાં આવ્યા છે.

ભૂતકાળમાં બન્ને દીપડાએ આઘાતનો અનુભવ કર્યો હોવાથી ટીમે એમની વચ્ચે મિત્રતા કરાવવાનો વિચાર કર્યો. એક દાયકાથી વધુ સમય એકબીજાની કંપનીમાં વિતાવ્યા પછી તેઓ અવિભાજ્ય બન્યા છે.

mumbai mumbai news pune