ગાંધી જયંતી નિમિત્તે દરેક પરામાં ગુજરાતી સંસ્થાઓ આવી પ્રભાતફેરી કાઢે

03 October, 2012 05:25 AM IST  | 

ગાંધી જયંતી નિમિત્તે દરેક પરામાં ગુજરાતી સંસ્થાઓ આવી પ્રભાતફેરી કાઢે



દેશની આઝાદી પહેલાં મહાત્મા ગાંધીએ ચલાવેલી અહિંસાની લડત અને સ્વદેશી ચીજવસ્તુઓ માટેની ચળવળ આજની તારીખે પણ સમાજ માટે ઉપયોગી છે એટલે ગાંધીજીના વિચારો અત્યારની યંગ જનરેશનમાં ફેલાય એ માટે સેન્ટ્રલ રેલવેના માટુંગામાં ગઈ કાલે સવારે વિરાટ રૅલી યોજાઈ હતી. 

શિશુવન-માટુંગા બોર્ડિંગ તરીકે જાણીતા શ્રી હીરજી ભોજરાજ ઍન્ડ સન્સ કચ્છી વીસા ઓસવાળ જૈન છાત્રાલયના પ્રમુખ ચંપકલાલ ગંગરે આ પ્રભાતફેરીનું આયોજન કર્યું હતું. તેઓ કહે છે, ‘માટુંગા, સાયન, વડાલા અને દાદરની આશરે ૩૦ જેટલી સંસ્થાઓએ આ રૅલીમાં ભાગ લીધો હતો. આ રૅલીમાં સ્કૂલો-કૉલેજોના સ્ટુડન્ટ્સ ઉપરાંત માટુંગા ગુજરાતી સેવા મંડળ, જૈન દેરાસરો, માટુંગા ગુજરાતી ક્લબના મેમ્બરો અને સ્થાનિક રહેવાસીઓ સહિત આશરે ૧૦,૦૦૦ લોકો જોડાયા હતા. શ્રદ્ધાનંદ રોડ પર આવેલા શિશુવનથી આ રૅલી સવારે સાત વાગ્યે નીકળી હતી. સ્ટુડન્ટ્સે ગાંધીજીનાં પ્રિય ભજનો ‘વૈષ્ણવજન તો તેને કહીએ રે’ અને ‘રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ’ ગાઈને પ્રભાતફેરીની શરૂઆત કરી હતી. સવારે મોર્નિંગ વૉક કરવા નીકળેલા લોકો પણ રૅલીમાં જોડાયેલા લોકોને હાથ હલાવીને ચિયર્સ આપતા હતા. આ રૅલીનો કુલ રૂટ સાડાચાર કિલોમીટર લાંબો હતો. રૅલીનો એક છેડો મહેશ્વરી ઉદ્યાન પાસે અને બીજો છેડો ફાઇવ ગાર્ડન્સ પાસે હતો. પોણાબે કલાક સુધી આ રૅલી મહેશ્વરી ઉદ્યાન, એડનવાલા રોડ, ફાઇવ ગાર્ડન્સ, રુઇયા કૉલેજ સિગ્નલ, બાબાસાહેબ આંબેડકર રોડ, દેવધર રોડ, માટુંગા માર્કે‍ટ, કબૂતરખાના, ભંડારકર રોડ જેવા વિસ્તારોમાં ફરીને શિશુવન પાછી આવી હતી અને સ્કૂલમાં રાષ્ટ્રગીત સાથે એની પૂર્ણાહુતિ થઈ હતી. અમારી એવી ઇચ્છા છે કે મુંબઈના દરેક પરામાં ગુજરાતી સંસ્થાઓ ગાંધીજીની જન્મજયંતીએ આવી રૅલી કાઢે, આજના યંગસ્ટર્સમાં ગાંધીજીના વિચારોને પહોંચાડવાની કોશિશ કરે અને આવતાં બે-ત્રણ વર્ષમાં આ રીતે પ્રભાતફેરી નીકળતી થાય.’

- તસવીરો : શાદાબ ખાન