ગડકરીની હાલત અડવાણી જેવી જ : બાળ ઠાકરે

08 November, 2012 12:19 PM IST  | 

ગડકરીની હાલત અડવાણી જેવી જ : બાળ ઠાકરે



બીજેપીને તેમના આંતરિક ઝઘડા બંધ કરવાની સલાહ આપતાં બાળ ઠાકરેએ પોતાના તંત્રીલેખમાં કહ્યું હતું કે ‘બીજેપી અમારો મિત્રપક્ષ હોવાથી અમારું તેમની સાથે ગઠબંધન છે. તેમના ઘરમાં ડોકિયું કરવું એ સભ્યતાની નિશાની નથી, પરંતુ કુટુંબમાં ક્યાંક વાદવિવાદ ચાલતો હોય તો એનો અવાજ કાને પડે તો અમારે શું કરવું? બહારના લોકો પથ્થર મારીને કાચ ફોડી નાખે તો કોઈનું પણ ધ્યાન જશે જ અને અમારું ધ્યાન ત્યાં જાય એ તો સ્વાભાવિક છે.’

‘બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી ભારોભાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેમને ઘર અને બહાર એમ બન્ને મોરચે લડવું પડી રહ્યું છે એને લીધે તેમના સ્વાસ્થ્ય પર નક્કી અસર થઈ હોવી જોઈએ અને એવી પરિસ્થિતિમાં માણસ ગૂંચવાઈ જાય છે અને તેનો આઇક્યુ એટલે કે બુદ્ધિઆંક જરૂરથી ઓછો થઈ જાય છે’ એવો કટાક્ષ પણ બાળ ઠાકરેએ કર્યો હતો.

આઇક્યુ સારો હોવા છતાં એનો ઉપયોગ કોણ કઈ રીતે કરે છે એના પર ઘણી બધી વસ્તુઓ અવલંબે છે. સ્વામી વિવેકાનંદ અને અન્ડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહિમનો આઇક્યુ સરખો હોવા છતાં એકે પોતાનું આયુષ્ય દેશ માટે ખર્ચી નાખ્યું તો બીજાએ દેશને બરબાદ કરવા વાપરી નાખ્યું એવું વિવાદાસ્પદ વિધાન કરનારા નીતિન ગડકરી સામે ભારે ઊહાપોહ જાગ્યો છે ત્યારે સંઘ પણ તેમને સપોર્ટ કરશે કે નહીં એ બાબતે ખુદ નીતિન ગડકરીને પણ મનમાં શંકા હશે અને એટલે જ ૨૦૦૫માં ઝીણા પર પ્રેમ ઊભરાઈ આવતાં લાલકૃષ્ણ અડવાણી પર સંઘે જે પસ્તાળ પાડી હતી એવી જ પસ્તાળ ગડકરી પર પણ પડી શકે એવું ભાવિ પણ બાળ ઠાકરેએ પોતાના તંત્રીલેખમાં ભાખ્યું છે.

શિવસેનાપ્રમુખને મળવું છે : નારાયણ રાણે


શિવસેનાપ્રમુખ બાળ ઠાકરે અને શિવસેના માટે મને બહુ આદર છે. તેમને મળવાની પણ મને બહુ તીવ્ર ઇચ્છા છે, પણ તેમની આજુબાજુના લોકો હવે મને તેમને મળવા દેશે એવું મને લાગતું નથી એવો નિ:શ્વાસ હાલમાં જ ઉદ્યોગપ્રધાન નારાયણ રાણેએ એક ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં વ્યક્ત કર્યો હતો.

શિવસેનાપ્રમુખ પ્રત્યે મને ભારોભાર આદર છે, પણ મારા કારણે બાપ અને દીકરામાં ઝઘડો થાય એ યોગ્ય નહોતું એટલે જ હું બાજુએ ખસી ગયો. મારી બાબતે કોઈ પણ નિર્ણય લેવાનો અધિકાર બાળાસાહેબને હતો, પરંતુ તેમના દીકરાને આ અધિકાર હું કોઈ દિવસ નહીં આપું એવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.

આઇક્યુ = ઇન્ટેલિજન્સ ક્વૉશન્ટ, બીજેપી = ભારતીય જનતા પાર્ટી