સિંચાઈ-સ્કૅમમાં મૂંગા રહેવાના આક્ષેપ બદલ ગડકરીની RTI ઍક્ટિવિસ્ટને નોટિસ

28 September, 2012 05:44 AM IST  | 

સિંચાઈ-સ્કૅમમાં મૂંગા રહેવાના આક્ષેપ બદલ ગડકરીની RTI ઍક્ટિવિસ્ટને નોટિસ


નીતિન ગડકરીએ અંજલિ દમણિયાના આક્ષેપો ફગાવી દીધા હતા અને આ બાબતે ગઈ કાલે લીગલ નોટિસ મોકલીને જાહેરમાં માફી માગવા કહ્યું હતું. નીતિન ગડકરીના વકીલ શમશેરી ઍન્ડ અસોસિએટ્સે આ નોટિસ મોકલી છે જેમાં કહ્યું છે કે ખોટા, પાયાવિહોણા અને બદનામી કરતા આક્ષેપો કરવા બદલ અંજલિ દમણિયા જાહેરમાં માફી માગે અને જો એમ કરવામાં નિષ્ફળ જશે તો તેની સામે લીગલ ઍક્શન લેવામાં આવશે.

સિંચાઈકૌભાંડમાં પોતાની જમીન ગુમાવનાર અંજલિ દમણિયાએ કહ્યું હતું કે ‘હું મુંબઈમાં આ બાબતે નીતિન ગડકરીને મળી ત્યારે તેમણે આ બાબતે મને મદદ કરવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે હું એનસીપીના ચીફ શરદ પવાર સાથે વ્યાવસાયિક સંબંધો ધરાવતો હોવાથી આ બદલ કોઈ મદદ નહીં કરી શકું. તેમણે મને પણ એમાં આગળ ન વધવાનું સૂચન કર્યું હતું.’

અંજલિ દમણિયાના આક્ષેપો બીજેપીએ ફગાવી દીધા હતા. પાર્ટીના પ્રવક્તા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે ‘આ મેલી રમતો રમીને કૉન્ગ્રેસ બીજેપીની જે રાષ્ટ્રીય મીટિંગ મળવાની છે એ ખોરવવા માગે છે. કૉન્ગ્રેસ આમ કરીને નીતિન ગડકરીને બદનામ કરી તેમની છબિ ખરાબ કરવા માગે છે. રાજ્યના લોકો જાણે છે કે બીજેપી હંમેશાં કરપ્શનની સામે લડવામાં અને સિંચાઈકૌભાંડનો પર્દાફાશ કરવામાં અગ્રેસર રહી છે. અત્યાર સુધી આ બાબતે માત્ર એક પિટિશન ફાઇલ થઈ છે અને એ પણ બીજેપીના સેક્રેટરી કિરીટ સોમૈયાએ કરી છે. બીજેપીના જ નેતા દેવેન્દ્ર ફડણીસે આ મુદ્દો ત્રણ વર્ષ પહેલાં ઉપસ્થિત કર્યો હતો જેને આધારે અમે આ માટે વાઇટ પેપરની ડિમાન્ડ કરી હતી અને દરેક પબ્લિક મીટિંગમાં એનો ઉલ્લેખ કર્યો હતો.’ 

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રસ પાર્ટી, બીજેપી = ભારતીય જનતા પાર્ટી