બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા ગઈ કાલે પણ શિવસૈનિકોએ લાઇન લગાવી

20 November, 2012 05:44 AM IST  | 

બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા ગઈ કાલે પણ શિવસૈનિકોએ લાઇન લગાવી

બાળ ઠાકરેના જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા એ સ્થળે ઘણા લોકો જોવા મળ્યાં હતા. રવિવારે ત્યાં માત્ર મહત્વના મોટા લોકોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો એટલે નજદીકથી બાળ ઠાકરેના આર્શીવાદ લેવા ગઈ કાલે શિવસૈનિકોની લાંબી લાઇન જોવા મળી હતી.

ઘણા લોકોએ અંતિમયાત્રામાં ભાગ લીધો હતો, પરંતુ તેમના લાડકા નેતાની નજીક જવા મળ્યું નહોતું એટલે તેઓ ગઈ કાલે અહીં આવ્યા હતા. જેમણે માત્ર ટીવી પર અંતિમયાત્રા જોઈ હતી એવા લોકો પણ શિવાજી પાર્કમાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર જ્યાં કરવામાં આવ્યા હતા એ સ્થળની ફરતે વિશેષ વ્યવસ્થા કરીને લોકોને ત્યાં પ્રાર્થના કરવા માટેની મંજૂરી આપવી જોઈએ એવો શિવસેનાનો વિચાર છે. શિવસેનાના સંસદસભ્ય તથા પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતું કે ‘અંતિમ સંસ્કાર જ્યાં કરવામાં આવ્યા હતા એ સ્થળને યથાવત્ રાખવામાં આવ્યું છે. લોકો ત્યાં આવીને શ્રદ્ધાંજલિ આપી શકે છે.’

શિવસેનાના સમર્થક બાનજી સોનધરવાએ કહ્યું હતું કે ગઈ કાલે અંતિમયાત્રામાં હું બાંદરાથી શિવાજી પાર્ક સુધી મારા મિત્રો સાથે આવ્યો હતો, પરંતુ ભારે ભીડને કારણે તેમનાં નજીકથી દર્શન નહોતો કરી શક્યો એટલે આજે હું ફરી પાછો તેમના આર્શીવાદ લેવા આવ્યો છું. આજે મને નજીક જવાની પરવાનગી પણ મળી છે.’

થાણેના રહેવાસી અસાવરી ગોખલેએ કહ્યું હતું કે ‘રવિવારે લાખોની સંખ્યામાં લોકો હાજર હતા. બાળ ઠાકરે મહાન વિભૂતિ હતા. મારાથી એક સ્થળે વધુ સમય સુધી ઊભું રહી શકાય એમ ન હોવાથી હું આજે આવ્યો છું. મને એમ કે આજે ભીડ ઓછી હશે, પરંતુ આજે પણ લોકોની ખાસ્સી ભીડ છે. મને નજીક જઈને પ્રાર્થના કરવાની તક મળી ગઈ એટલો હું નસીબદાર છું.’