સ્વિગી ઇન્સ્ટામાર્ટ પરથી ફૂડ ઑર્ડર કરતાં પહેલાં ચેતજો

13 July, 2026 07:19 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

FDA પછી હવે FSSAI પણ ઍક્શન મોડમાં: એક્સપાયરી ડેટવાળું ફૂડ પધરાવવામાં આવતાં ૯ નોટિસ ફટકારવામાં આવી : સડી ગયેલા અને વાસ મારતા ફૂડની ફરિયાદ મળે તો પૈસા પાછા આપીને આવું ગંદું ફૂડ બીજા ગ્રાહકને મોકલી દેવાતું હોવાનું સામે આવ્યું

પ્રતીકાત્મક તસવીર

તુકારામ મુંઢે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર બનીને આવ્યા છે ત્યારથી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારા અને સ્વચ્છતા સહિતના નિયમો ન પાળનારાઓ પર સતત કાર્યવાહી થઈ રહી છે ત્યારે હવે તેમનું જોઈને ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‌સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ પણ ઍક્શન લેવાનું શરૂ કર્યું છે. એણે ખરાબ ફૂડ વેચવા સંદર્ભે સ્વિગી ઇન્સ્ટામાર્ટને ૯ શોકૉઝ નોટિસ ફટકારી છે.

સ્વિગી દ્વારા ગ્રાહકોને મુદત વીતી ગયેલાં ઈંડાં, સડી ગયેલું ફૂડ, દુર્ગંધ ધરાવતું પ્રોટીન અને સાવ જ નાનાં બાળકો માટે અસુરક્ષિત દૂધ પૂરું પાડ્યું હતું એવો ગંભીર ઠપકો એ શોકૉઝ નોટિસમાં આપવામાં આવ્યો છે. 

ગ્રાહકોએ ઘણી વાર ખરાબ ફૂડ બાબતે ફરિયાદ કરી હતી. જોકે કંપનીએ એ ફરિયાદના મૂળમાં જવાને બદલે ગ્રાહકોને તેમના પૈસા રીફન્ડ આપીને વાત વાળી લીધી હતી. એટલું જ નહીં, રિટર્નમાં આવેલું એ ફૂડ બીજા ગ્રાહકને મોકલી દેવામાં આવ્યું હતું. આ બધી જ ત્રુટિઓ બાબતે FSSAIએ સ્વિગીને લેખિતમાં ખુલાસો આપવા જણાવ્યું છે અને એ માટે દસ્તાવેજી પુરાવા આપવા કહ્યું છે. વળી ભવિષ્યમાં ફરી આવું ન થાય એ માટે શું પગલાં લીધાં એનો પણ અહેવાલ સ્વિગી પાસેથી મગાવવામાં આવ્યો છે. FSSAI દ્વારા ડાયરેક્ટ કાર્યવાહી કરવા માટે હવે અલગ-અલગ સૅમ્પલ પણ એકઠાં કરાઈ રહ્યાં છે અને સાથે જ કંપનીને તાત્કાલિક સુધારો કરવા પણ જણાવ્યું છે. 

mumbai news mumbai food and drug administration food news indian food swiggy maharashtra news maharashtra