તૈયાર થઈ જાઓ નૅશનલ પાર્કમાં ઇલેક્ટ્રિક સાઇકલની સવારી કરવા

17 February, 2021 12:49 PM IST  |  Mumbai | Ruchita Shah

તૈયાર થઈ જાઓ નૅશનલ પાર્કમાં ઇલેક્ટ્રિક સાઇકલની સવારી કરવા

આવતા મહિનાથી સલમાન જે રીતે ઇલેક્ટ્રિક સાઇકલ ચલાવી રહ્યો છે એ રીતે તમે પણ નૅશનલ પાર્કમાં ઈ-સાઇકલ ચલાવી શકશો

વીજળી પર ચાલતી સાઇકલનો કન્સેપ્ટ નવો નથી, પરંતુ એને જોઈએ એવો રિસ્પૉન્સ મળ્યો નથી. એનાં મુખ્ય કારણોમાં એનું મેઇન્ટેનન્સ, એની ઓવરઑલ પ્રાઇસ અને એને ચાર્જ કરવા માટેની વ્યવસ્થાનો અભાવ જવાબદાર છે. જોકે સાઇક્લિંગના શોખીનોને મજા પડી જાય એવા એક ન્યુઝ છે. બોરીવલીના સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક સાઇકલ રેન્ટ પર મળવાની શરૂ થઈ જશે. નવ મહિનાના લાંબા અંતરાલ બાદ ૧૫ ડિસેમ્બરે બોરીવલીનું સંજય ગાંધી નૅશનલ પાર્ક અમુક નિયમો સાથે આમ જનતા માટે ખૂલ્યું એ પછી અહીં વિઝિટર્સની સંખ્યા વધી હોવાના અહેવાલો તમે વાંચ્યા જ હશે. સાથે જ અનલૉક થયા પછી સાઇક્લિંગ માટે આવનારા લોકોની સંખ્યા પણ આશ્ચર્યજનક રીતે વધી છે ત્યારે તમને જાણીને આનંદ થશે કે ૨૧ માર્ચથી નૅશનલ પાર્કમાં ઇલેક્ટ્રિક સાઇકલો રેન્ટ પર મળતી થઈ જશે.

આ માહિતી શૅર કરતાં ઍડિશનલ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ, વાઇલ્ડલાઇફ વેસ્ટ મહારાષ્ટ્રના સુનીલ લિમયેએ કહ્યું હતું કે ‘અમારું ધ્યેય છે કે નૅશનલ પાર્કમાં આવનારા લોકો એને કોઈ બગીચો કે ફરવાની જગ્યા તરીકે નહીં પરંતુ કુદરતના ખજાના તરીકે જુએ. આ ફૉરેસ્ટ છે અને એની ઑથેન્ટિસિટી જળવાયેલી રહે, અહીં આવીને લોકો નેચર સાથે કનેક્ટ થાય એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. એમાં જ હવે અહીં પેટ્રોલ, ડીઝલ પર ચાલતાં વેહિકલ બંધ કરીને પાર્કને વધુ ઇકો-ફ્રેન્ડ્લી બનાવવા માટે ઇલેક્ટિક વેહિકલ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. અત્યારે સૌથી પહેલાં પંદર ઇલેક્ટ્રિક સાઇકલ રેન્ટ પર આપી શકાય એવો એક પ્લાન છે. કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી અંતર્ગત ૧૫ ઇલેક્ટ્રિક સાઇકલ પાર્કને ડોનેશનમાં મળી રહી છે. આ સાઇકલોને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સેન્ટર પણ પાર્કમાં ઊભાં કરીશું અને મોટા પાયે સાઇક્લિંગ ટ્રેઇલ ઊભી કરીશું. આગળ જતાં આ જ રીતે માઉન્ટ સાઇક્લિંગનો સ્કોપ પણ છે જેના પર પણ વિચારણા કરીશું.’

સાઇકલની જેમ ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક બસ પણ નૅશનલ પાર્કનો હિસ્સો બનશે. સુનીલ લિમયેએ એ વિશે કહ્યું હતું કે ‘રેલવે પાર્કને ૨૫ ઇલેક્ટ્રિક બસ આપવાની છે જેને પાર્કમાં અમે દોડાવીશું. અત્યારની બસને આ ઇલેક્ટ્રિક બસથી રિપ્લેસ કરીશું. આખા દિવસનું બસનું વન ટાઇમ મિનિમમ ભાડું નક્કી કરીશું જેથી પાર્કમાં આવનારા લોકો ચાલતા થાકે ત્યારે બસમાં બેસીને આગળ જઈ શકે, વચ્ચે ઊતરીને ફરી પાછું ચાલે અને પાછા બસમાં બેસી શકે. એ ટિકિટ આખો દિવસ ચાલે. કૅનેરી ગુફા માટે પણ એ બસનો ઉપયોગ થશે. એ થયા પછી પેટ્રોલ અને ડીઝલ પર ચાલતાં વેહિકલો પર પ્રતિબંધ મૂકીને પાર્કની અંદર પ્રદૂષણ ઓછામાં ઓછું થાય એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ.’

mumbai mumbai news sanjay gandhi national park ruchita shah