૧૫ ડિસેમ્બરથી તમામને મળી શકે છે, લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ

04 December, 2020 08:53 AM IST  |  Mumbai | Mumbai correspondent

૧૫ ડિસેમ્બરથી તમામને મળી શકે છે, લોકલ ટ્રેનમાં પ્રવાસની છૂટ

મુંબઇ લોકલ ટ્રેન

મુંબઈમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસ સ્થિર થયા હોવાની સાથે મુંબઈ અને મુંબઈની આસપાસ રહેતા લોકો લોકલ ટ્રેનમાં મુસાફરીની મંજૂરીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે મહત્ત્વના સમાચાર જાણવા મળ્યા છે. દિવાળી બાદના ૧૫ દિવસમાં સ્થિતિ બહુ ખરાબ નહીં થાય તો લોકલ ટ્રેનો સામાન્ય લોકો માટે ચાલુ કરવાના સરકાર અને પાલિકા દ્વારા લેવાયેલા નિર્ણય બાબતે ૧૧ અને ૧૨ ડિસેમ્બરે મહત્ત્વની બેઠક બોલાવાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠકમાં ૧૫ ડિસેમ્બરથી બધાને લોકલ ટ્રેનમાં પ્રવાસની મંજૂરી મળવાની શક્યતા છે. પાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે આવા નિર્દેશ આપ્યા છે.
મળેલી માહિતી મુજબ ૧૧ અને ૧૨ ડિસેમ્બરે રાજ્ય, પાલિકા, રેલવે વગેરેના અધિકારીઓની બેઠક મળશે, જેમાં ૧૫ ડિસેમ્બરથી બધા માટે લોકલ પ્રવાસની શરૂઆત કરવા માટેનો મહત્ત્વનો નિર્ણય લેવાવાની શક્યતા છે.
મુંબઈ મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું ૧૧ અને ૧૨ ડિસેમ્બરે આયોજિત બેઠકમાં મુંબઈમાં કોરોનાની સ્થિતિનો કયાસ કઢાયા બાદ લોકલમાં સૌને પ્રવાસની મંજૂરી આપવાનો નિર્ણય લેવાશે.
અગાઉ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે કહ્યું હતું કે ૧૫ ડિસેમ્બર સુધીમાં મુંબઈમાં કોરોનાની સ્થિતિ ખરાબ નહીં થાય તો ૧૫ ડિસેમ્બર બાદ લોકલમાં બધાને પ્રવાસની મંજૂરી આપવાનું શક્ય બનશે. જોકે કોવિડના નિયમ મુજબ લોકલમાં પ્રવાસ દરમ્યાન બધાએ માસ્ક પહેરવાનું ફરજિયતા હશે.
ઑક્ટોબર મહિનામાં રાજ્ય સરકારે રેલવે વિભાગને સામાન્ય લોકોને લોકલમાં પ્રવાસ કરવા દેવા બાબતનો નિર્ણય લેવાનો નિર્દેશ કર્યો હતો. એ સમયે દિવાળી બાદના ૧૫ દિવસમાં કોરોનાના કેસ કેટલા વધે છે એ જોયા બાદ નક્કી કરવાનું રાજ્ય સરકાર અને મુંબઈ પાલિકાએ કહ્યું હતું. દિવાળી બાદના સમયમાં મુંબઈમાં કેસમાં વધારો થયો છે, પરંતુ ડર હતો એટલી હદે સ્થિતિ બેકાબૂ ન થઈ હોવાથી હવે સરકાર અને પાલિકા સંબંધિત અધિકારીઓ સાથેની બેઠક બોલાવીને કયાસ કાઢી રહી છે.

mumbai mumbai news mumbai local train