કરન્ટ ટોપિક : ફ્રેન્ડશિપ ડે નિમિત્તે સેલિબ્રિટીઝને યાદ આવે છે મિત્રો સાથેની ધમાલ-મસ્તી

05 August, 2012 03:18 AM IST  | 

કરન્ટ ટોપિક : ફ્રેન્ડશિપ ડે નિમિત્તે સેલિબ્રિટીઝને યાદ આવે છે મિત્રો સાથેની ધમાલ-મસ્તી

 

ફ્રેન્ડશિપ ડે શા માટે ઊજવવામાં આવે છે?

હૉલમાર્ક કાર્ડ્સ નામની ગ્રીટિંગ કાર્ડ્સ બનાવતી કંપનીના સ્થાપક જૉય હૉલે ૧૯૧૯ની બીજી ઑગસ્ટે ફ્રેન્ડશિપ ડે ઊજવવાની શરૂઆત કરેલી, જેનો હેતુ હતો લોકો આ દિવસે કાર્ડની આપ-લે કરીને ઊજવે અને તેમનાં કાર્ડની ખપત થાય. ૧૯૨૦માં નૅશનલ ગ્રીટિંગ કાર્ડ્સ અસોસિએશને પણ આ દિવસને પ્રમોટ કર્યો, પરંતુ ગ્રાહકોએ એનો વિરોધ કર્યો જેનું કારણ બહુ સ્પષ્ટ હતું કે તેમણે પોતાનાં કાર્ડ્સને પ્રમોટ કરવા માટે દિવસની ઉજવણી શરૂ કરી હતી. ગ્રાહકો તરફથી બહુ પ્રતિસાદ ન મળતાં ૧૯૪૦ સુધીમાં તો આ દિવસની ઉજવણી ખૂબ ફિક્કી થઈ ગઈ. ફરી પાછું યુરોપિયન દેશોમાં એને ક્યારે અને કેવી રીતે મહત્વ મળવાનું શરૂ થયું એના કોઈ પુરાવા નથી, પરંતુ એ અરસામાં એશિયાઈ દેશોમાં મિત્રોના દિવસ તરીકે ફ્રેન્ડશિપ ડે લોકપ્રિય થઈ ગયો હતો. એનું કમર્શિયલાઇઝેશન થવાને કારણે પહેલાં નક્કી થયેલી તારીખને બદલે લોકોએ એને ઑગસ્ટના પહેલા રવિવારે ઊજવવાનું શરૂ કર્યું.

દિશા વાકાણી

આમ તો મારી બધા સાથે જ બહુ સારી ફ્રેન્ડશિપ છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં કોમલભાભી અને માધવીભાભીનો રોલ કરી રહેલી અંબિકા રંજનકર અને સોનાલિકા જોશી સાથે મારે ખૂબ સારું જામે છે. અમે કો-સ્ટાર હોવાની સાથે ખૂબ સારી દોસ્ત પણ છીએ. બન્ને એકદમ ઘરેલુ ટાઇપની છે. દરેક નાની વાતમાં તેઓ મારી કૅર કરે. કંઈક ન સમજાય તો પ્રેમથી સમજાવે. આ સિવાય એક વાર સિરિયલના સેટ પર મળેલી ગીતા પણ મારી સારી ફ્રેન્ડ બની ગઈ છે. શૂટિંગ દરમ્યાન કે સિરિયલમાં શું સારું હતું, શું બદલવા જેવું હતું વગેરે ગાઇડન્સ તેમના તરફથી મળતું રહે છે. પલ્લવી અને ગાયત્રી સ્કૂલ સમયની મારી મિત્રો છે. અમે સાથે મળીને ખૂબ ધમાલ કરી છે. બન્ને અમદાવાદમાં છે. ગાયત્રી સાથે ઘણા સમયથી વાત જ નથી થઈ. ગાયત્રીના ભાઈનો પાંઉભાજી અને પાણીપૂરીનો સ્ટૉલ હતો એટલે મોટા ભાગે સ્કૂલમાંથી છૂટીને અમે ગાયત્રી સાથે જઈએ અને અમને ફ્રીમાં એ બધું ખાવા મળતું. હવે કામના અતિરેકને કારણે મિત્રોની એ ધમાલ રહી નથી, પણ મેં નક્કી કર્યું છે કે અમદાવાદના જૂના દોસ્તોને ભેગા કરીને રીયુનિયન બનાવવું. મારી ફ્રેન્ડ પલ્લવી મને એમાં સારી મદદ કરી રહી છે. છેલ્લે મારી બહેન ખુશાલી પણ મારી ખાસ ફ્રેન્ડ છે, કારણ કે મારા મનની ઘણી વાતો હું તેની સાથે શૅર કરું છું.

સોનુ સૂદ

દોસ્તો તમારી સપોર્ટ-સિસ્ટમ હોય છે. મારા ઘણા મિત્રો છે, પણ મારા કૉલેજ ટાઇમના ટૉપ ફાઇવમાં સૌથી ખાસ મિત્ર છે અજય ધામા. અમે ૨૦ વર્ષથી મિત્રો છીએ. લગભગ દરરોજ મળવાનું. આઉટડોર શૂટ પર હોઉં તો ફોન પર તો વાત થાય જ. તેને મારા હાથનો માર ખાવાની બહુ આદત છે. જ્યાં સુધી તેની પિટાઈ ન કરું ત્યાં સુધી તેને ચેન ન પડે. બીજો મિત્ર છે વિવેક ગુપ્તા. તે પણ કૉલેજફ્રેન્ડ. ફોન પર અમારી ચિટ-ચૅટ ચાલુ જ હોય. કોઈને ઉલ્લુ બનાવવાના હોય, કોઈની ઉડાવવાની હોય ત્યારે અમારી જુગલબંદી જોરદાર જામે. નિશીથ વિશ્વાસ પણ મારો કૉલેજફ્રેન્ડ છે. ખૂબ લૉયલ અને પઢાકુ ટાઇપનો. કૉલેજમાં હું ભણ્યો એની ક્રેડિટ તેને જ આપીશ. મુંબઈ આવ્યો ત્યારે નાદિર મીઠાઈવાલા કરીને મારો એક ફ્રેન્ડ બનેલો. તે પણ મારાથી ખૂબ ક્લોઝ છે. બહાર જમવા જવાનું હોય, શૉપિંગ કે પાર્ટીમાં પણ તેની કંપની વગર મને ન ચાલે. બીજો એક મિત્ર છે ચિંતન દેસાઈ. તેને મારા માટે ખૂબ લાગણી છે. ગમે એટલો બિઝી હોય મારા એક ફોન પર તે પોતાનાં બધાં કામ છોડીને આવી જાય. હવેના બિઝી શેડ્યુલમાં પણ દોસ્તો સાથે કરેલી એ ધમાલમસ્તીના દિવસો યાદ આવી જાય છે. દોસ્તી બડી હસીન હોતી હૈ.

પૂજા ગોર

મારો ઉછેર અને ભણતર અમદાવાદમાં થયાં છે. આજે પણ મારો પરિવાર ત્યાં જ છે. હું ઇલેવન્થમાં હતી ત્યારે મારી સાથે ખુશ્બૂ વેલ્ડિંગવાલા નામની મારી એક મિત્ર હતી. અમે માત્ર બે જ વર્ષ સાથે ભણ્યાં છીએ છતાં એ દરમ્યાન અમારી મિત્રતા એટલી બની ગઈ કે આજ સુધી અમારો પરિચય અકબંધ છે. તે એટલી ચિયરફુલ છે કે મારો મૂડ ક્યારેક ખરાબ હોય અને માત્ર સામે જુએ કે કંઈક એવી મસ્તી કરે અને મારા ફેસ પર સ્માઇલ આવી જાય. તેને હું આજે બહુ મિસ કરું છું. અત્યારે તે અમદાવાદમાં ડાયેટિશ્યન છે. આ સિવાય મારો નાનો ભાઈ નમન પણ અમદાવાદમાં જ છે અને ઇલેવન્થમાં છે. તેની સાથે પણ મારો મિત્ર જેવો નાતો છે. બધી વાતો અમે એકબીજાને શૅર કરીએ. એ પછી મારા ખાસ મિત્રો છે કૃતિકા કામરા, અક્ષતા કપૂર અને કરણ કુન્દ્રા. આ મિત્રો એવાં છે કે જ્યારે મને કોઈ નહોતું ઓળખતું ત્યારે એ લોકોએ મને સપોર્ટ કર્યો છે. ‘કિતની મોહબ્બત હૈ’ સિરિયલના સેટ પર અમે મળેલાં. એના શૂટિંગમાં પણ અમે એટલી ધમાલ કરતાં કે શૂટિંગનો થાક ક્યાંય ઊડી જતો. મિત્રો એટલે મસ્તી, તોફાન, ધમાલ.

વિશાલ મલ્હોત્રા

મિત્ર એટલે કોઈ એવી વ્યક્તિ જેની સામે તમે સાવ ઓપન હો. કોઈ મુખવટાની જેને જરૂર નથી. ભાઈ-બહેન, મમ્મી-પપ્પા બધાં સાથે થોડા રિઝર્વ રહેવું પડે, પરંતુ મિત્ર સામે બિન્ધાસ્ત રહી શકીએ. આમ તો હું ૫૦૦ લોકોને ઓળખું છું જેમની સાથે મારો સારો રેપો છે, પરંતુ જિગરજાન મિત્રો ત્રણ જ છે : નિમેશ, અમિત અને સંજીવ. ત્રણેય મારા સ્કૂલ-ટાઇમના મિત્રો છે અને ત્રણેય અત્યારે અમેરિકામાં ભણી રહ્યા છે. દિલ્હીમાં હું જે સ્કૂલમાં હતો ત્યાં ઇલેવન્થ અને ટ્વેલ્થમાં સ્કૂલ જ હોય. એ અમારા માટે કૉલેજ-કમ-સ્કૂલ હતી જેમાં અમારા ચારનો રોફ હતો. અમારું કોઈ નામ ન લે. એક હીરોગીરી હતી. ચારેયની અલગ પર્સનાલિટી છતાં ચારમાંથી કોઈ એક મિનિટ માટે પણ છૂટા ન પડે. છોકરીઓમાં પણ અમે ફેવરિટ હતા. નિમેશ એકદમ સીધોસાદો લૉયલ માણસ. જ્યારે પણ એકલા હોઈએ ત્યારે તેની જ સૌથી વધુ ઉડાવતા હોઈએ. અમિત બોલવામાં ચાલાક, જેની ચાહે તેની એક મિનિટમાં લઈ લે. તેનાથી પંગો લે તે ગયો કામથી સમજવું. સંજીવ એકદમ ઇન્ટેલિજન્ટ. કોઈ સલાહ જોઈતી હોય, કંઈ શીખવું હોય તો તેની પાસે પહોંચી જવાનું. અને હું હતો સબ બંદર કા વેપારી જેવો. બધું થોડું-થોડું ખબર. થોડો ફિલ્મી ટાઇપનો. જેનું પલ્લું ભારે આપણે તેની ટીમમાં. આજે બધા મિત્રો દૂર છે. અમે ટચમાં છીએ, પણ મળવાનું ઓછું બને છે. ખરેખર, એ દિવસોને અને એ દોસ્તોને ખૂબ મિસ કરુ છું.