બોરીવલીના શુભાંગન હૉલમાં ફ્રીમાં ગરબાની પ્રૅક્ટિસ

12 October, 2012 07:23 AM IST  | 

બોરીવલીના શુભાંગન હૉલમાં ફ્રીમાં ગરબાની પ્રૅક્ટિસ



બોરીવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલા ગાંજાવાલા પેટ્રોલપમ્પની બાજુના લૅન્ડમાર્ક બિલ્ડિંગમાં બીજા માળે શુભાંગન પાર્ટી હૉલમાં શુભાંગન બીટ્સ પર નાનાથી લઈને મોટા દરેક લોકો માટે ફ્રીમાં ગરબાની પ્રૅક્ટિસ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વિશે વધુ માહિતી આપતાં શુભાંગન પાર્ટી હૉલના માલિક હિતેશ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આજના સમયમાં અંગ્રેજી કલ્ચર વધતું જાય છે અને આજની પેઢીમાં તહેવારોનું મહત્વ ઓછું થઈ રહ્યું છે. આવું ન થાય એ માટે અને આપણું ગુજરાતી કલ્ચર જળવાઈ રહે એ હેતુથી આ હૉલમાં યુવક-યુવતીઓ માટે ફ્રીમાં ગરબાની પ્રૅક્ટિસ રાખવાનું મેં આયોજન કર્યું છે. દરરોજ સાંજે ૭.૩૦ વાગ્યાના સમયથી ડીવીડી પ્લેયર પર ગરબાની પ્રૅક્ટિસ શરૂ કરવામાં આવે છે, જે રાતના ૧૧થી ૧૨ વાગ્યા સુધી ચાલે છે. એમાંય છેલ્લા દિવસોમાં તો લોકો મોડે સુધી પ્રૅક્ટિસ કરે છે. છેલ્લાં ત્રણ વર્ષથી આ પાર્ટી હૉલમાં ગરબાની પ્રૅક્ટિસનું આયોજન થાય છે. જેમાં દિવસના લગભગ ૨૫થી ૪૦ લોકો ગરબા શીખવા આવે છે. એમાંય બોરીવલી અને આજુબાજુનાં પરાંમાં ગુજરાતીઓની સંખ્યા વધુ હોવાથી લોકોનો પણ સારો રિસ્પૉન્સ મળે છે.’

ગરબા વિશે વધુ જણાવતાં હિતેશ શાહે કહ્યું હતું કે ‘નવરાત્રિ શરૂ થવાના એક મહિના પહેલાંથી ગરબાની પ્રૅક્ટિસ કરવા માટે લોકો માટે આ હૉલ ખુલ્લો રાખવામાં આવે છે અને હું પોતે પણ ગરબાનો શોખીન હોવાથી ગરબા શીખવા માગતા લોકોને હું અહીં જ કોઈ પણ પ્રકારના ચાર્જીસ વગર ફ્રીમાં ગરબા શીખવાડું છું. જેની માટે અમારા અલગ-અલગ બૅચ રાખવામાં આવે છે. ગરબાની પ્રૅક્ટિસ માટે ભાઈંદર, અંધેરી, સાંતાક્રુઝ, મલાડ, કાંદિવલી, દહિસર જેવા અનેક વિસ્તારોમાંથી લોકો આવે છે.’

હૉલમાં આ રીતે અજાણ્યા અલગ-અલગ લોકો આવે છે તો કોઈ સમસ્યા નથી થતી એવો સવાલ પૂછતાં તેમણે કહ્યું હતું કે ‘આજ સુધી માતાજીની કૃપાથી આવી કોઈ ઘટના બની નથી તેમ જ ક્રાઉડ પણ સારું આવતું હોવાથી એવી કોઈ તકલીફ થઈ નથી.’