09 March, 2025 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ત્યારે મીરા-ભાઈંદરમાં રહેતી મહિલાઓ સુધરાઈની પરિવહનની બસમાં વિનામૂલ્ય પ્રવાસ કરી શકશે. મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના પરિવહન વિભાગ દ્વારા મીરા-ભાઈંદર જ નહીં થાણે અને બોરીવલી સુધી બસ ચલાવવામાં આવે છે. મહિલા દિન નિમિત્તે મહિલાઓને સન્માનિત કરવા માટે ૨૦૨૧થી પરિવહન વિભાગ દ્વારા મહિલાઓને ફ્રી પ્રવાસ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. ૨૦૨૧માં ૧૧,૫૨૨, ૨૦૨૨માં ૨૧,૪૬૧, ૨૦૨૩માં ૨૫,૮૩૮ અને ૨૦૨૪માં ૨૨,૧૩૧ મહિલાઓએ મીરા-ભાઈંદર સુધરાઈની બસોમાં ફ્રીમાં પ્રવાસ કર્યો હતો. આવી જ રીતે આજે પણ હજારો મહિલા આ સુવિધાનો લાભ લેશે એવી અપેક્ષા પરિવહન વિભાગના મૅનેજર સચિન બાંગરે વ્યક્ત કરી હતી.