આર્મી ઑફિસરનો સ્વાંગ રચી સાયનના ચશ્માંના વેપારી સાથે કરી છેતરપિંડી

09 July, 2020 04:50 PM IST  |  Mumbai Desk | Anurag kamble

આર્મી ઑફિસરનો સ્વાંગ રચી સાયનના ચશ્માંના વેપારી સાથે કરી છેતરપિંડી

પોલીસ ગલવાન ઘાટીના જવાનોના નામે લોકોની લાગણી સાથે રમત રમનારા શખસની શોધ કરી રહી છે, જેણે ગયા અઠવાડિયે સાયનના રહેવાસી નિમિત કામદાર સાથે લશ્કરના જવાનોને સુરક્ષા ચશ્માં દાન કરવાનું જણાવી લગભગ ૯૯,૯૯૭ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
૨૨ વર્ષના નિમિત કામદાર મસ્જિદ બંદરમાં તેમના પિતા સાથે ચશ્માંની દુકાન ચલાવે છે. ૨૮મી જૂને તેમને એક ઍપ પર આનંદ સિંહ નામના શખસનો સંદેશો મળ્યો જેણે લશ્કરના અધિકારી બનીને ૪૦૦૦ સેફ્ટી આઇ ગ્લાસ જોઇતા હોવાની વાત કરી હતી.
નિમિત કામદારે કૉલબેક કરતાં આનંદ સિંહે ગલવાન ઘાટીના જવાનોને દાન આપવા માટે ૪૦૦૦ સેફ્ટી આઇગ્લાસ જોઇતા હોવાનું કહ્યું હતું. ફોટાઓ પરથી ચશ્માંની પસંદગી કર્યા બાદ આનંદ સિંહે ૫૫ રૂપિયાની કિંમતના સુરક્ષા ચશ્માં પસંદ કરી ૨.૨૦ લાખ રૂપિયામાં સોદો પાકો કર્યો હતો.
નિમિત કામદારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે નંદ સિંહે મને બીકેસીના વિદેશ ભવનમાં ચશ્માંની ડિલિવરી પહોંચાડવા જણાવ્યું હતું.
બીજી જુલાઈએ ડિલિવરી પહોંચાડ્યા બાદ જ્યારે પૈસા ચૂકવવા કહ્યું ત્યારે જોકે આનંદ સિંહે વ્યસ્ત હોવાથી થોડો સમય માગ્યો. તે જ દિવસે બપોરે આનંદ સિંહે નિમિત કામદારનો નવો સંપર્ક કર્યો અને તેમને ક્યુઆર કોડ સ્કેન કરવા કહ્યું. ક્યુઆર કોડ સ્કેન કરતાં જ નિમિત કામદારના ખાતામાંથી ૩૦,૦૦૦ રૂપિયાની ઉઠાંતરી થઈ ગઈ. નિમિતે પ્રશ્ન કરતાં તેણે ટેક્નિકલ ખામી ગણાવી વાતોમાં ભોળવીને ત્રણથી ચાર વખત જુદા જુદા બહાના બતાવીને લગભગ એક લાખ રૂપિયા જેટલી રકમની ઉચાપત કરી હતી. નિમિત કામદારે ૪ જુલાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અજાણ્યા શખસ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.

anurag kamble mumbai mumbai news