ફૂડ ડિલિવરી ઍપના મૅનેજરનો સ્વાંગ રચીને વેપારી સાથે છેતરપિંડી

04 January, 2021 08:22 AM IST  |  Mumbai | Samiullah Khan

ફૂડ ડિલિવરી ઍપના મૅનેજરનો સ્વાંગ રચીને વેપારી સાથે છેતરપિંડી

આરોપી મોહમ્મદ ઉસ્માન

ગૂગલના સર્ચ એન્જિન પર પોતાને ફૂડ ડિલિવરી ઍપના સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે ઓળખાવતો એક ઠગ હાલમાં નવા વર્ષની ઉજવણી માટે મુંબઈ આવતાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

આરોપી મોહમ્મદ ઉસ્માને ભાઈંદરના એક વેપારી સાથે ૯૮,૦૦૦ રૂપિયા કરતાં વધુની છેતરપિંડી કરતાં વેપારીએ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

તાજેતરમાં તેના કાલ-રેકૉર્ડ ચેક કરતાં તે નવી મુંબઈમાં હોવાનું જાણવા મળતાં મુંબઈ સાઇબર સેલના અધિકારી એપીઆઇ વિવેક તાંબે અને તેમના સાથીઓએ તેની ધરપકડ કરી હતી. પૂછપરછ દરમ્યાન મોહમ્મદ ઉસ્માને પોતે તેના સાથીદાર ઇઝરાઇલ અન્સારી સાથે મળીને દેશનાં અનેક શહેરોમાં આ પ્રકારે ઠગાઈ કરતો હોવાની કબૂલાત કરી હતી.

મોહમ્મદ ઉસ્માને પૂગલના સર્ચ એન્જિન પર પોતાની ઓળખ ફૂડ ડિલિવરી ઍપના પ્રાદેશિક મૅનેજર તરીકે આપી હતી. હાલમાં મલાડમાં પોતાની રેસ્ટોરાં શરૂ કરનાર ફરિયાદીએ ગયા વર્ષના નવેમ્બર મહિનામાં ફૂડ ડિલિવરી ઍપના ફ્રૅન્ચાઇઝી બનવા માટે પૂગલ પર સર્ચ કરી હતી.

ફ્રૅન્ચાઇઝી બનવા માટેની પ્રક્રિયાથી અજાણ ફરિયાદીનો સંપર્ક મોહમ્મદ ઉસ્માને કરી તેને ફૉર્મ ભરવા અને ગૂગલ પેના માધ્યમથી ૨૦ રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહ્યું. એ પછી તરત ફરિયાદીના બૅન્ક-ખાતામાંથી ૯૮,૯૬૫ રૂપિયા કાઢી લેવાયાનો સંદેશો આવતાં તેણે મોહમ્મદ ઉસ્માનને ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન કાપી નાખતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી ઝારખંડના જમતારાનો રહેવાસી છે અને મુંબઈમાં નવા વર્ષની ઉજવણી માટે આવ્યો હતો.

mumbai mumbai news Crime News mumbai crime news samiullah khan