આધારનો આધાર લઈને છેતરપિંડી

25 November, 2022 09:29 AM IST  |  Mumbai | Mehul Jethva

કેન્દ્ર સરકારની વેબસાઇટ પરથી માહિતી લઈને વેબસાઇટ બનાવી નાગરિકોની માહિતી મેળવીને વેચવા બદલ પોલીસે બે ગુજરાતી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધી

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ ઃ કેન્દ્ર સરકારની આધારકાર્ડ વેબસાઇટ પરથી માહિતીઓ લઈ એના આધારે એક નવી વેબસાઇટ તૈયાર કરી નાગરિકોની ગુપ્ત માહિતીઓ કાઢી એને વેચવા બદલ ક્રાઇમ બ્રાન્ચે બે ગુજરાતી યુવકો સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી બે લોકોની મુલુંડ અને થાણેમાંથી ધરપકડ કરી છે. આરોપીઓ નાગરિકોની ગુપ્ત માહિતી રિકવરી એજન્ટો અને અન્ય લોકોને પૈસા લઈ આપતા હતા. આ ગુનામાં વધુ આરોપીઓ સામેલ હોવાની સંભાવના સાથે પોલીસ તપાસ કરી રહી છે.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-છને માહિતી મળી હતી કે આરોપી નિખિલ યેલગટ્ટી, મેલ્વિન મોદી અને ભાવેશ મોદી ટ્રૅસનાવ અને ફોનિવૉટેક નામની વેબસાઇટ અને ઍપ્લિકેશન તૈયાર કરી રિકવરી એજન્ટો અને અન્ય લોકોને વેચતા હતા. આ બન્ને વેબસાઇટ પર લોગીન આઇડી અને પાસવર્ડ નાખી કોઈ પણ વ્યક્તિનું આખું નામ એમાં ભરતાં તેની તમામ માહિતી વેબસાઇટ પર આવતી હતી જેમાં તેનું ગામ, તેના સંબધીઓ, તેઓના નંબર અને તેનું ઍડ્રેસ જેવી માહિતીઓ પ્રાપ્ત થઈ જતી હોય છે. આ ઘટનાની માહિતી મળતાં ત્રણે આરોપીઓ સામે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ કરી બે આરોપીની મુલુંડ અને થાણેના પોખરણ રોડ પરથી ધરપકડ કરી છે. વધુ એક આરોપીની પોલીસ શોધ કરી રહી છે.
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈમાં અનેક ફરિયાદ એવી મળી હતી કે લોનના રિકવરી એજન્ટો નાગરિકોની તમામ ગુપ્ત માહિતીઓ મેળવી તેઓને ફોન કરી પરેશાન કરતા હતા, જેના આધારે તેઓ પાસે ગુપ્ત માહિતી કેવી રીતે પહોંચે છે એની તપાસ કરતાં આ ત્રણ લોકો મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં સરકારી વેબસાઇટના ડેટા ચોરી કરી પૈસા લઈ બીજાને વેચતા હતા. 
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-છના સિનિયર ઇન્સ્પેક્ટર રવીન્દ્ર સાળુંખે પાસેથી કેસની માહિતી લેવા માટે સંપર્ક કરવા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો.

mumbai news