૧૬૦ જણ સાથે ૨૪ કરોડની છેતરપિંડી

17 July, 2020 10:57 AM IST  |  Mumbai Desk | Shirish Vaktania

૧૬૦ જણ સાથે ૨૪ કરોડની છેતરપિંડી

આરોપી ચેતન દંડ

એક આરોપીએ મુંબઈ અને આસપાસનાં શહેરોના રહેવાસી ૧૬૦ ઇન્વેસ્ટર્સ સાથે કુલ ૨૪ કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદો મુંબઈ અને થાણેનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં નોંધાઈ છે. ઇન્વેસ્ટર્સે ચેતન દંડના ખજૂર અને કેસરની આયાતના ધંધામાં મોટી રકમોનું રોકાણ કર્યું હતું. વાશીની એ.પી.એમ.સી માર્કેટમાં ચેતનની ભાગીદારીમાં દુકાન છે. એ દુકાનમાં ખજૂર અને કેસર વેચવાનો ધંધો કરતો ચેતન દંડ ફરાર થઈ ગયો છે.
ચેતનની સ્કીમ્સમાં કેટલાક રોકાણકારોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું છે. બુધવારે તિલકનગર પોલીસ-સ્ટેશને કેટલાક રોકાણકારો જોડે કુલ ૫૩ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદો નોંધી હતી. અન્ય રોકાણકારોએ જે વિસ્તારોમાં ચેતન દંડ જોડે વ્યવહાર કર્યો હતો એ વિસ્તારોનાં પોલીસ-સ્ટેશનોમાં થાણે પોલીસના માર્ગદર્શનમાં ફરિયાદો નોંધાવી હતી.
ચેતન પાકિસ્તાનથી ખજૂરની અને કાશ્મીરથી કેસરની આયાત કરતો હોવાનો દાવો કરતો હતો. આયાતના ધંધા માટે ચેતને વધુ વ્યાજ અને વધુ વળતરની લાલચ આપીને ઇન્વેસ્ટર્સ પાસેથી મોટી રકમો માગવા માંડી હતી. રોકાણકારોને આપેલી બાંયધરી પ્રમાણે ચેતન તેમને દર મહિને પૈસા પણ ચૂકવતો હતો. પરંતુ 2019ના ફેબ્રુઆરી મહિનાથી ચેતને તેમને પૈસા ચૂકવવાનું બંધ કર્યું હતું. એને માટે તેણે એ જ મહિનાની પુલવામા ટેરર અટૅકની ઘટનાને પગલે આવક બંધ થઈ હોવાનું કારણ દર્શાવ્યું હતું.
અન્ય ફરિયાદીઓમાં પ્રીતિ ઠક્કરે બાવીસ લાખ રૂપિયા અને મેહુલ ભટ્ટે 4.90 લાખ રૂપિયાનાં રોકાણો કર્યાં હતાં. મેહુલ ભટ્ટને વ્યાજ કે વળતરની રકમ ફક્ત બે મહિના ચુકવાઈ હતી.

shirish vaktania mumbai mumbai news Crime News