વિધાનસભ્યનું બોગસ લેટરહેડ આપીને કરી ૧.૩૦ લાખ રૂપિયાની છેતરપિંડી

07 December, 2022 11:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એન્જિનિયરિંગ કૉલેજમાં ઍડ્‍મિશન અપાવવા આશિષ શેલારનું નામ વાપરીને છેતરપિંડી કરવા બદલ બે આરોપીની કરવામાં આવી ધરપકડ

ફાઇલ તસવીર

બાંદરા પોલીસે ભાજપના વિધાનસભ્ય અને મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલારના નામે છેતરપિંડી કરનારા બે લોકોની ધરપકડ કરી છે. આરોપીઓએ કાંદિવલીની એક જાણીતી કૉલેજમાં વિદ્યાર્થીઓને ઍડ્‍‍મિશન અપાવવાના નામે આશિષ શેલારનું નકલી લેટરહેડ બનાવ્યું હતું અને એના પર નકલી ડિજિટલ સહી કરીને એની મદદથી ૧.૩૦ લાખ રૂપિયા લીધા હતા.

આશિષ શેલારના પીએ નવનાથ સાતપુતેએ કરેલી ફરિયાદ અનુસાર બીજી નવેમ્બરે તેમને પુરળ સેટ્ટીગર પાસેથી જાણવા મળ્યું હતું કે આશિષ શેલારનું લેટરહેડ કાંદિવલીની ઠાકુર કૉલેજમાં વાપરવામાં આવ્યું હતું અને એ બદલ ૧.૩૦ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. એ પછી તેમણે એ લેટરહેડની કૉપી પોતાના મોબાઇલ પર મગાવી હતી. એમાં લેટરહેડ પર જે રેફરન્સ નંબર લખેલો હતો એ રેફરન્સ નંબર એપ્રિલ મહિનામાં બીજા લેટરહેડ માટે વાપરવામાં આવ્યો હતો. એ પછી છેતરપિંડી થઈ હોવાનું જાણવા મળતાં બાંદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બાંદરા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાંદિવલીમાં રહેતા એક વિદ્યાર્થીનાં માતા-પિતાને આરોપીઓએ કૉલેજમાં પ્રવેશ અપાવવાનું વચન આપી ૧.૩૦ લાખ રૂપિયા લઈને આશિષ શેલારના નામનું બનાવટી લેટરહેડ આપવામાં આવ્યું હતું. જોકે કેટલાક સમય પછી પણ કૉલેજમાં પ્રવેશ અંગે તેમને કોઈ અપડેટ મળ્યું નહીં ત્યારે તેમણે આશિષ શેલારના કાર્યાલયનો સંપર્ક કર્યો ત્યારે એ લેટરહેડ બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. ફરિયાદના આધારે અમે વૈભવ અગ્રવાલ અને દીપ વેદની ધરપકડ કરી છે.’

બાંદરા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર રાજેશ દેવરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ અમારી પાસે આવતાં અમે બંને આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતીના આધારે આરોપીઓએ ફોટોશૉપની મદદથી લેટર તૈયાર કર્યો હતો.’

mumbai mumbai news Crime News mumbai crime news ashish shelar