છેતરપિંડી કરીને લીધેલા પૈસા પાછા આપવા સમય આપ્યો તો ફરી ફ્રૉડ કર્યું

07 August, 2022 08:52 AM IST  |  Mumbai | Mehul Jethva

દહિસરમાં ફાર્મસીનો વ્યવસાય કરતા વેપારી પાસે કામ કરતા કૅશિયર અને સેલ્સમૅને પહેલાં ૫૮ લાખ રૂપિયા ગુપચાવ્યા અને એ ચૂકવવા વેપારીએ ટાઇમ આપ્યો તો બીજા ૧૩ લાખનું કરી નાખ્યું

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ ઃ દહિસરમાં ફાર્મસીનો વ્યવસાય કરતા ગુજરાતી વેપારી પાસે વર્ષોથી કામ કરતા કૅશિયર અને સેલ્સમૅને કંપનીના ૫૮ લાખ રૂપિયા ધીરે-ધીરે વગર કહ્યે લઈને વેપારી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. કંપનીના અકાઉન્ટમાં ચારથી પાંચ દુકાનોના આવેલા પૈસા દેખાતા નહોતા. અંતે વધુ તપાસ માટે કૅશિયરને બોલાવતાં તમામ પૈસા સેલ્સમૅનને જરૂર હોવાથી લીધા હોવાનું સામે આવ્યું હતું. આ ઘટનાની ફરિયાદ દહિસર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
કાંદિવલીમાં રહેતા અને દહિસરમાં વર્ધમાન ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ફાર્મસીનો વ્યવસાય કરતા ભૌમિક શાહે ફરિયાદમાં જણાવ્યું હતું કે છેલ્લાં ૧૩ વર્ષથી તેઓ ફાર્મસીનો વ્યવસાય કરે છે. તેમને ત્યાં કિશોર પાલ અકાઉન્ટન્ટ તરીકે અને નીલેશ ટેમ્ભે સેલ્સમૅન તરીકે કામ કરે છે. ૨૦૧૯માં તેમણે કંપનીનું બુક્સ ઑફ અકાઉન્ટ તપાસવા માટે તમામ માહિતી પોતાની પાસે લીધી હતી. એમાં આશરે ચારથી પાંચ મેડિકલની દુકાનોનું પેમેન્ટ રોકડામાં આવ્યું હતું, પણ એ પેમેન્ટ ચેક તરીકે આવ્યું એમ અકાઉન્ટમાં દેખાડવામાં આવ્યું હતું. આપેલા ચેકની એન્ટ્રી પણ બૅન્ક-અકાઉન્ટમાં દેખાઈ નહોતી. અંતે કંઈક ગરબડ હોવાની જાણવા મળતાં તેમણે અકાઉન્ટન્ટ કિશોર પાલ પાસે માહિતી માગી હતી. કિશોર પાલે કહ્યું હતું કે સેલ્સમૅન નીલેશને પૈસાની જરૂર હોવાથી તેણે તમામ પૈસા લીધા હતા. દહિસર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનામાં ફરિયાદીએ આરોપીને છેતરપિંડી કરીને લીધેલા પૈસા પાછા આપવા માટે સમય પણ આપ્યો હતો. જોકે આરોપીએ વધુ ૧૩ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. કુલ ૭૧.૬૧ લાખ રૂપિયાની છેતરપિંડી થતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી.’ 

mumbai news mumbai dahisar