લોનના નામે કરોડોની છેતરપિંડી

24 September, 2022 09:55 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

આરોપીઓ રાજસ્થાનના રાજા-મહારાજા પાસેથી વ્યાજના ઓછા દરે લોન અપાવવાના નામે લોકોને ફસાવતા અને સ્ટૅમ્પ-ડ્યુટી અને પેપરવર્કના નામે પૈસા લઈ છેતરપિંડી કરીને થઈ જતા ફરાર : નકલી બૅન્ક-અધિકારી અને કો-ઑર્ડિનેટરની ધરપકડ, જ્યારે રાજા બનનાર મુખ્ય આરોપી ફરાર

પોલીસે નકલી રાજા-મહારાજા બનીને લોન આપવાના નામે છેતરપિંડી કરતા બે જણની ધરપકડ કરી હતી, જ્યારે એક આરોપી હજી ફરાર છે.

મુંબઈની ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૧૧ની ટીમે રાજસ્થાનના રાજા-મહારાજાઓ પાસેથી ઓછા વ્યાજે લોન અપાવવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરનારા બે આરોપીની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચમાંથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર પકડાયેલા બન્ને આરોપીઓ વધુ રકમની લોન લેનારાઓ અને બિઝનેસ લોન લેનારા લોકોનો સંપર્ક કરતા હતા અને તેમને રાજસ્થાનના રાજા-મહારાજાઓ પાસેથી ઓછા વ્યાજે વધુ લોન મેળવી આપવાની લાલચ આપીને ફસાવતા હતા. ત્યાર બાદ સ્ટૅમ્પ-ડ્યુટી અને પેપરવર્કના નામે પૈસા લઈ છેતરપિંડી કરીને ફરાર થઈ જતા હતા.
ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓનાં નામ શામ તલરેજા અને હિતેશ પુરસનાની છે. આ બન્ને એજન્ટો લોન લેવા માગતા જરૂરિયાતમંદ લોકોની માહિતી ભેગી કરીને તેમનો સંપર્ક કરતા હતા. ત્યાર બાદ શામ તલરેજા આ લોકો સાથે મીટિંગો કરતો હતો અને હિતેશ પુરસનાની કોઈ પણ મોટી બૅન્કનો ઑફિસર બનીને સાઇટ વિઝિટ કરતો હતો. જોકે આ કેસનો મુખ્ય અને વૉન્ટેડ આરોપી રાજસ્થાનનો રાજા કે મહારાજા તરીકે બનીને મોંઘીદાટ કારમાં બાઉન્સર સાથે મોટી હોટેલમાં મીટિંગમાં કરવા જતો હતો અને લોન આપવાની વાત કરતો હતો. આ બન્ને આરોપીઓ પકડાઈ ગયા છે, જ્યારે રાજા હજી વૉન્ટેડ છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને શોધી રહી છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં તેમનું નેટવર્ક માત્ર મુંબઈમાં જ નહીં, દેશનાં વિવિધ રાજ્યોમાં ફેલાયેલું હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ અત્યાર સુધીમાં આવા ૧૦થી ૧૨ કેસ આવી ચૂક્યા છે. હાલમાં બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને રાજાની ભૂમિકા ભજવતા ત્રીજા આરોપીને શોધી રહી છે.’

preeti khuman-thakur Mumbai mumbai news mumbai crime news mumbai crime branch