બોલ બચ્ચન : લાલબાગચા રાજાની હરાજીમાં બોલી બોલનાર ફ્રોડ નીકળ્યો

22 December, 2012 08:47 AM IST  | 

બોલ બચ્ચન : લાલબાગચા રાજાની હરાજીમાં બોલી બોલનાર ફ્રોડ નીકળ્યો



બોલ બચ્ચન : લાલબાગચા રાજાને ચડાવેલી ભેટની હરાજીમાં દર વર્ષે ઊંચી બોલી લગાવીને મિડિયામાં ઝળકતા પ્રદીપ ભાવનાણી ક્યારેય આ વસ્તુઓ ખરીદવા પાછા આવતા ન હોવાનું મંડળના ખજાનચી રાજેન્દ્ર લાંજવાલનું કહેવું છે.


(સૌરભ વક્તાણિયા)

મુંબઈ, તા. ૨૨

શહેરનાં ગણપતિ-મંદિરો તથા પંડાલમાં મોટા પ્રમાણમાં દાન આપનાર વ્યક્તિ તરીકે સ્ટૉકબ્રોકર પ્રદીપ ભાવનાણી જાણીતા છે, પરંતુ બાંદરામાં રહેતા બિઝનેસમૅન દ્વારકા હીરાનંદાણી તથા મંદિરની ઑથોરિટીને પૂછીએ તો તેમના મતે આ તો છેતરપિંડીના ધંધાની તરકીબ તેમ જ ખોટાં વચનોને છુપાવવા માટેના મહોરારૂપ છે. આ દાનવીર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

મોટા ધાર્મિક દાનને કારણે પ્રદીપ ભાવનાણી ઘણી વખત પ્રસિદ્ધિ મેળવે છે. થોડા સમય પહેલાં કિંગફિશર ઍરલાઇન્સમાં ૨૪.૯ ટકા હિસ્સેદારી ખરીદવા માટે અને એ પહેલાં સાઉથ આફ્રિકામાં મહાત્મા ગાંધીનું ઘર ખરીદવાની ભવ્ય કલ્પનાઓ માટે પણ તેઓ સમાચારમાં ચમકી ચૂક્યા છે. આ વર્ષે લાલબાગચા રાજાની હરાજીમાં તેમણે સોનાથી મઢેલાં મોદક, કમળ તથા ફૂટબૉલ માટે ૬૫ લાખ રૂપિયાની બોલી લગાવી હતી. લાલબાગચા રાજાના ખજાનચી રાજેન્દ્ર લાંજવળે કહ્યું હતું કે ‘મિડિયા સમક્ષ ફોટો પડાવ્યા બાદ આ કીમતી વસ્તુઓ ખરીદવા માટે તેઓ આવ્યા જ નહીં. આ ઘરેણાં હજી અમારી પાસે જ છે. અમારા ફોનનો પણ તેઓ જવાબ નથી આપતા.’

આ વર્ષે સિદ્ધિવિનાયક મંદિરમાં માર્ચ મહિનામાં તેમણે ૧૦ લાખ રૂપિયાનાં કીમતી આભૂષણો ખરીદ્યાં હતાં. ટેમ્પલ ટ્રસ્ટના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઑફિસર સતીશ માળીએ કહ્યું હતું કે ‘પ્રેસ સમક્ષ આ સોનાને સારા કામ માટે દાનમાં આપવાની વાત પ્રદીપ ભાવનાણીએ કરી હતી, પરંતુ હરાજી બાદ ઘરેણાં ખરીદવા તેઓ આવ્યા જ નહીં. ઘણા સમયથી એ આભૂષણો અમારે ત્યાં જ હતાં. ઘણા ફોન કર્યા બાદ તેઓ પૈસા ચૂકવીને આભૂષણો લઈ ગયા.’

આવી જ કંઈક હાલત દ્વારકા હીરાનંદાણીની પણ થઈ હતી. થોડાં સપ્તાહ પહેલાં ખાર પોલીસ-સ્ટેશનમાં પ્રદીપ ભાવનાણી વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં તેમણે પાંચ લાખ રૂપિયા લઈને પાછા નહોતા આપ્યા. બાંદરા (વેસ્ટ)માં રહેતા ૫૬ વર્ષના દ્વારકા હીરાનંદાણીએ કહ્યું હતું કે ‘૨૦૦૬માં મારા એક રિલેટિવે તેની સાથે ઓળખાણ કરાવી હતી. ત્યાર બાદ અમે ઘણી વાર મYયા. હું તેમની ઑફિસમાં પણ ગયો, જેમાં વિવિધ વગદાર લોકો સાથે તેમના ફોટોગ્રાફ્સ પણ હતા. હું તેમની લાઇફસ્ટાઇલ તથા વાક્ચાતુરીથી પ્રભાવિત થઈ ગયો હતો.’

 ૨૦૦૬માં દ્વારકા હીરાનંદાણીને પ્રદીપ ભાવનાણીએ કહ્યું હતું કે જો તમે મારી કંપનીના ૧૦,૦૦૦ શૅર ખરીદશો તો એક મહિનામાં તમારા રૂપિયા ડબલ થઈ જશે. દ્વારકા હીરાનંદાણીએ કહ્યું હતું કે ‘તેમણે બમણી રકમ મેળવવા માટે મને ૫,૨૫,૫૦૦ રૂપિયા ચૂકવવા કહ્યું. હું તેમને જાણતો હોવાથી ચેક દ્વારા મેં બીજા દિવસે પેમેન્ટ કર્યું, પરંતુ ત્યાર બાદ મને એક પણ રૂપિયો પાછો નથી મYયો.’

ત્યાર બાદ પોતાની રકમ પાછી મેળવવા માટે ઘણી વાર પ્રદીપ ભાવનાણીનો સંપર્ક કરવામાં આવ્યો, પરંતુ કોઈ લાભ ન થયો. આ વર્ષે જાન્યુઆરીમાં દ્વારકા હીરાનંદાણીએ ખાર પોલીસ-સ્ટેશનનો સંપર્ક કર્યો. ફરિયાદને કારણે પ્રદીપ ભાવનાણીને પોલીસ-સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા જ્યાં તેમણે થોડા મહિનામાં રૂપિયા પાછા આપવાનું જણાવ્યું, પરંતુ એમ થયું નહીં.

દ્વારકા હીરાનંદાણીએ કહ્યું હતું કે ‘ તાજેતરમાં જ મેં તેને કિંગફિશરમાં બિડિંગ કરતા, મંદિરોમાં સોનું ખરીદતા જોયો. હું લોકોને જાગૃત કરવા માગું છું કે પ્રદીપ ભાવાનાણી ધુતારો છે. તે પબ્લિસિટી માટે ઘણા રૂપિયા ખર્ચે છે, પરંતુ લોકોના પૈસા પાછા આપતો નથી.’

ખાર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર મંગેશ પોટેએ કહ્યું હતું કે આ કેસની તપાસ ચાલુ હોવાથી હાલ કોઈ માહિતી આપી શકું એમ નથી. દ્વારકા હીરાનંદાણીએ કહ્યું હતું કે ‘બે મહિના પહેલાં મેં મારા રૂપિયા પાછા આપવા માટે ફોન કર્યો નહીં તો હું ક્રિમિનલ કેસ કરીશ એમ કહ્યું. તો તેણે કહ્યું કે તમને ઘણી સમસ્યા થશે, તમને ખબર નથી કે હું કોણ છું અને મારા મોટા સંપર્કોની આ વિશે પ્રતિક્રિયા માટે તેમના અંગત કે ઑફિસના નંબર પર પ્રદીપ ભાવનાણીનો સંપર્ક થઈ શક્યો નહોતો.