કાંદિવલીના રઘુલીલા મૉલના ઍડ્વાઇઝર સામે ૪૨ લાખ રૂ.ની છેતરપિંડીની ફરિયાદ

22 January, 2021 08:35 AM IST  |  Mumbai | Mumbai correspondent

કાંદિવલીના રઘુલીલા મૉલના ઍડ્વાઇઝર સામે ૪૨ લાખ રૂ.ની છેતરપિંડીની ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈઃ (મિડ-ડે પ્રતિનિધિ) કાંદિવલીની રઘુલીલા મેગા મૉલ સોસાયટીમાં લીગલ ઍડ્વાઇઝર તરીકે કામ જોનાર અને એ સામે મૉલ પાસેથી રૂપિયા ૪૨ લાખ કરતાં વધની ફી લેનાર બિન્દુ તિવારી ઍન્ડ અસોસિએટ્સનાં બિન્દુ તિવારી અને લાલચંદ્ર તિવારીએ બાર કાઉન્સિલમાં વકીલ તરીકે રજિસ્ટ્રેશન જ ન કરાવ્યું હોવાથી મૉલના ચૅરમૅન ફકરુદ્દીન કોલંબોવાલાએ તેમની સામે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી છે. કાંદિવલી પોલીસે ગુનો નોંધી કેસની વધુ તપાસ ચાલુ કરી છે.
રઘુલીલા મૉલની રઘુલીલા મેગા મૉલ કાંદિવલી વેસ્ટ પ્રિમાઇસિસ કો-ઑપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા એના ચૅરમૅન ફકરુદ્દીન કોલંબોવાલાએ આ ફરિયાદ કરી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે 2015માં સોસાયટીની તત્કાલીન મૅનેજિંગ કમિટીએ ‘બિન્દુ તિવારી ઍન્ડ અસોસિએટ્સ’ની લીગલ ઍડ્વાઇઝર તરીકે નિમણૂક કરી હતી. વળી તેમને દર મહિને એ માટે રૂપિયા ૧.૦૫ લાખનું વળતર આપવામાં આવતું હતું. ફર્મ તરફથી લાલચંદ્ર તિવારી મૉલમાં બેસતા અને પોતાને લીગલ કન્સલ્ટન્ટ તરીકે ઓળખાવતા. તો એક એનજીઓ ‘સહાયક’ પણ ચલાવતા હતા, જેનું બ્રિદ વાક્ય અને કામ ‘મફત કાયદાકીય સલાહ’ આપવાનું હતું.
મૉલના ડેવલપર સામે કેસ કરવા તેમણે રૂપિયા ૧.૪૦ કરોડની ફી માગી હતી. તેમણે ૨૦૧૫થી ૨૦૧૭ દરમિયાન ૪૧ કેસ કર્યા હતા જેમાંથી ૩૮ કેસમાં તેમની હાર થઈ હતી. એ સામે સોસાયટીએ તેમને ૪૨,૧૯,૨૨૫ રૂપિયા આપ્યા હતા. ૨૦૧૭માં કમિટીએ તેમને લીગલ ઍડ્વાઇઝર પદ પરથી હાંકી કાઢ્યાં હતાં. ત્યાર બાદના સોસાયટીના વકીલ રાઘવેન્દ્ર મેહરોત્રાએ બાર કાઉન્સિલ પાસેથી આરટીઆઇ હેઠળ માહિતી માગતાં એના જવાબમાં બિન્દુ લાલચંદ્ર તિવારી અને લાલચંદ્ર તિવારીએ બન્ને બાર કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન ન ધરાવતાં હોવાનું જણાવાયું હતું. એથી તેમણે પોતે વકીલ ન હોવા છતા તેવું દર્શાવી સોસાયટીને ગેરમાર્ગે દોરી સોસાયટી સાથે છેતરપિંડી કરી છે. એથી એ સંદર્ભે કાર્યવાહી કરવામાં આવે એવી માગ ફરિયાદમાં કરાઈ છે. કાંદિવલી પોલીસે આ સંદર્ભે એફઆઇઆર નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.

mumbai mumbai news kandivli Crime News