કારનું ટાયર ફાટતાં થયેલા ગોઝારા અકસ્માતમાં ચારનાં મોત, એક ઘાયલ

09 March, 2023 09:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડ્રાઇવરે કાર પરથી કન્ટ્રોલ ગુમાવતાં કાર ​ડિવાઇડર કુદાવી સામેની લેનમાં જઈ ચડી હતી

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ-આગરા રોડ પર ઇગતપુરી પાસે ગઈ કાલે સાંજે ચારથી સવાચાર વાગ્યા દરમિયાન કારનું ટાયર ફાટવાને કારણે થયેલા અકસ્માતમાં ચાર જણનાં મોત થયાં હતાં, જ્યારે એક જણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે.

આ અકસ્માત વિશે માહિતી આપતાં ઇગતપુરી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વસંત પથવેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કલ્યાણના ગૌરીપાડામાં રહેતો રણજિત વર્મા અને અન્ય લોકો કારમાં નાશિકથી મુંબઈ તરફ આવી રહ્યા હતા ત્યારે ઇગતપુરીના પિંપરીપાડાથી સહેજ આગળ પિંપરીફાટા પાસે તેમની કારનું ટાયર ફાટ્યું હતું અને ડ્રાઇવરે કાર પરથી કન્ટ્રોલ ગુમાવતાં કાર ​ડિવાઇડર કુદાવી સામેની લેનમાં જઈ ચડી હતી. એ વખતે સામેથી આવી રહેલી એક ટોઇંગ વૅન સાથે એ જોશભેર અથડાઈ હતી. એ ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં પ્રવાસ કરી રહેલા રણજિત વર્મા (૩૪ વર્ષ), મનોરમા કૌશિક (૨૮ વર્ષ), ખુશી (૬ વર્ષ)અને કબીર સોનાવણેનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં, જ્યારે ભાનુસિંહ કૌશિક ગંભીર રીતે ઘવાયો છે. તેને નજીકની મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. અકસ્માતની આ ઘટનાને કારણે હાઇવે પર થોડો વખત ટ્રાફિક જૅમ થયો હતો જે ધીમે-ધીમે રાબેતા મુજબ થયો હતો.’  

mumbai mumbai news nashik thane