પ્રૉપર્ટી ડીલિંગ માટે ગયેલા ૪ એજન્ટોએ જીવ સાથે ૧૦ લાખ રૂપિયા પણ ગુમાવ્યા

16 November, 2012 05:39 AM IST  | 

પ્રૉપર્ટી ડીલિંગ માટે ગયેલા ૪ એજન્ટોએ જીવ સાથે ૧૦ લાખ રૂપિયા પણ ગુમાવ્યા



પનવેલથી ૨૦ કિલોમીટર દૂર આવેલા શિરાવલી વિલેજના એક ફાર્મહાઉસમાં પ્રૉપટી-ડીલની મીટિંગ કરવા ગયેલા ચાર રિયલ એસ્ટેટ એજન્ટ સહિત એક જ્યોતિષીની બુધવારે ક્રૂર હત્યા કરવામાં આવી હતી. ફાર્મહાઉસમાં પોલીસને ૫૩ વર્ષના રામદાસ પાટીલ, ૪૨ વર્ષના બાલારામ ટોપાલે, ૪૦ વર્ષના નીતિન જોશી અને પચીસ વર્ષના પ્રીતમ ઘરાતની ડેડબૉડી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ‘આ ઘટનાનો ભોગ બનેલા બાલારામના માથા પર ગોળીનાં નિશાન મળી આવ્યાં હતાં, જ્યારે રામદાસની ડેડબૉડી બાલારામની બાજુમાં જ પડી હતી. પ્રીતમ ફાર્મહાઉસના દરવાજા પાસે મૃત અવસ્થામાં મળી આવ્યો હતો, જ્યારે નીતિનની ડેડબૉડી ફાર્મ હાઉસ જવાના રસ્તા પરથી મળી આવી હતી.’

આ ઘટનામાં ગોળી મારીને ફક્ત બાલારામની જ હત્યા કરવામાં આવી હતી, જ્યારે અન્ય ત્રણ જણની હત્યા પથ્થર અથવા કોઈ ધારદાર શસ્ત્ર વડે કરવામાં હોય એવાં નિશાન મળી આવ્યાં હતાં. પોલીસે કહ્યું હતું કે આ ફાર્મહાઉસ એપીએમસીના પ્રેસિડન્ટ અને લોકલ ઍગ્રિકલ્ચર ગ્રુપના ઍક્ટિવિસ્ટ દત્તા પાટીલનું છે અને તે રામદાસ પાટીલના અન્કલ છે. દત્તા પાટીલે પોલીસ-સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે ‘મિત્રો સાથે પ્રૉપટીની ડીલ કરવા માટે રામદાસે રવિવારે મારી પાસે ફાર્મહાઉસની ચાવી માગી હતી, પણ બુધવાર સુધી તેણે ચાવી પાછી આપી નહોતી. દિવાળી હોવાથી મારો પુત્ર ફાર્મહાઉસ પર જવા ઇચ્છતો હતો એટલે મેં વૉચમૅનને ચાવી લેવા માટે ફાર્મહાઉસ પર મોકલ્યો હતો.’

ઝોન બેના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રમોદ સાળવેએ કહ્યું હતું કે ‘વૉચમૅન ફાર્મહાઉસ પર પહોંચ્યો ત્યારે તેને ઘરમાંથી બે ડેડબૉડી મળી આવી હતી અને અન્ય બે ડેડબૉડી ઘરની બહારથી મળી આવતાં તેણે તરત પોલીસને જાણ કરી હતી. ઇન્વેસ્ટિગેશનમાં અમને ફાર્મહાઉસમાંથી દારૂની બૉટલો અને ફૂડ-પૅકેટ્સ મળી આવ્યાં હતાં.’

ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું હતું કે ‘રવિવારે રામદાસ પાટીલે આ ફાર્મહાઉસની સંભાળ રાખતા નોકરોને ૫૦૦ રૂપિયા આપ્યા હતા અને દિવાળીનું વેકેશન મનાવવા બે દિવસની રજા આપી દારૂ અને ફૂડ-પૅકેટ્સ પણ આપ્યાં હતાં.’

રામદાસ ઘરેથી તેની કારમાં ૧૦ લાખ રૂપિયા લઈને નીકળ્યો હતો, પણ હત્યા થયા પછી આ રૂપિયા પણ ગુમ થયા છે એમ જાણવા મળ્યું છે.

ન્યુ પનવેલ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુનીલ બજારેએ કહ્યું હતું કે ‘અમને લાગે છે કે ચારે જણની હત્યા કરવા માટે જ રિયલ એસ્ટેટની મીટિંગ નક્કી કરવામાં આવી હશે. હાલમાં અમે હત્યાનો કેસ નોંધીને આરોપીઓની શોધ કરી રહ્યા છીએ.’