સ્ટ્રીટ સ્કૂલની ગજબની સિદ્ધ

11 March, 2023 08:36 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

ભાઈંદરમાં સ્ટ્રીટ અને ઝૂંપડપટ્ટીમાં રહેતાં બાળકોની સ્કૂલમાંથી ચાર વિદ્યાર્થિનીઓ એસએસસીની પરીક્ષા આપી રહી છે અને એમાંથી બે તો ઘરકામ પણ કરે છે : જૈન મહિલાની પહેલને લીધે તેમનું આ સપનું થયું સાકાર

ભાઈંદરની સ્ટ્રીટ સ્કૂલની વિદ્યાર્થિનીઓ દસમાની પરીક્ષા આપી રહી છે.

મુંબઈ : ભાઈંદર-વેસ્ટમાં ફ્લાયઓવર પાસે પ્લૅનેટેરિયમ રોડ પર કદમ કન્સ્ટ્રક્શન સાઇટ પર શાંતિ સેવા ફાઉન્ડેશન સંસ્થા હેઠળ ચાલતી સ્ટ્રીટ સ્કૂલની ચાર વિદ્યાર્થિનીઓ એસએસસીની પરીક્ષા આપી રહી છે. એમાંથી બે વિદ્યાર્થિનીઓ ઘરકામ કરીને પરીક્ષા આપી રહી છે. શિક્ષણથી સંબંધ તૂટી ગયેલો અને શિક્ષણમાં રસ પણ નહોતો તથા પેરન્ટ્સ પણ શિક્ષણ અપાવવા ઉત્સાહી નહોતા એવી પરિસ્થિતિમાં ભાઈંદરની એક જૈન મહિલા આગળ આવી હતી અને તેણે રસ્તા પર જ સ્ટ્રીટ સ્કૂલ શરૂ કરી હતી.

શાંતિ સેવા ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ સાથે, સામાજિક કાર્યકર સાથે, શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સંસ્થાનાં રાષ્ટ્રીય મહામંત્રી અને સામાજિક ઉત્થાન માટે વિવિધ પહેલ ચલાવી રહેલાં નીલમ તેલી જૈને કહ્યું હતું કે ‘ભારત વાંચશે તો જ ભારત આગળ વધશે. રાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને હું અને મારી ટીમ છેલ્લાં ઘણાં વર્ષોથી મફત સાક્ષરતા અભિયાન ચલાવી રહ્યાં છીએ. ઝૂંપડપટ્ટી કે સ્ટ્રીટ પર રહેતાં બાળકોને માંડ ખાવાનું મળતું હોય છે એવામાં તેઓ શિક્ષણ વિશે તો વિચારી પણ ન શકે. એટલે આવાં બાળકોના જીવનને શિક્ષણના અભાવે બરબાદ થતું બચાવીને અન્ય દાન સાથે શિક્ષણનું દાન આપીને તેમનું આગળનું ભવિષ્ય ઉજ્જ્વળ બનાવી શકાય છે. શિક્ષણ જીવનનું સૌથી મોટું હથિયાર છે. શિક્ષિત વ્યક્તિ ભૂખા રહેતા નથી અને દેશના વિકાસમાં મદદરૂપ પણ બને છે એ વિચાર સાથે મેં ફાયર બ્રિગેડની ઑફિસથી થોડે દૂર ગટર પર પાંચ વર્ષ પહેલાં સ્કૂલ શરૂ કરી હતી. પહેલાં ૧૬ બાળકો હતાં અને હાલમાં ૧૧૦થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. હાલમાં એક કન્સ્ટ્રક્શન-સાઇટ પર સ્કૂલ ચાલી રહી છે.’

પેરન્ટ્સ અને તેમનાં બાળકોને સમજાવવાનું ખૂબ અઘરું હતું એમ કહેતાં નીલમબહેને કહ્યું હતું કે ‘સ્કૂલ શરૂ કરી ત્યારે કોઈ બાળક આવવા તૈયાર નહોતું. તેમને સમજાવીને લાવીએ તો બીજા દિવસે તેઓ આવે જ નહીં. એ પછી પેરન્ટ્સ પણ બાળકોને મોકલવા તૈયાર નહોતા. અમે ઝૂંપડપટ્ટી અને રસ્તાઓ પર ફરી-ફરીને તેમને સમજાવતા. લોહીનું પાણી થઈ જાય એવી અમારી હાલત થતી હતી. એ પછી બાળકો સ્કૂલ પ્રત્યે આકર્ષાય એ માટે ખાવા-પીવાની વસ્તુઓ દરરોજ આપવાનું શરૂ કર્યું. પહેલાં તો બાળકો એ માટે જ આવતાં, પણ પછી ધીરે-ધીરે ભણવામાં તેમનો રસ વધતો ગયો. ભલે આ સ્કૂલ સ્ટ્રીટ પર ચાલે છે, પરંતુ અહીં બાળકોને દરરોજ ફ્રેશ નાસ્તો, ભણવા માટે સાધનો, બુક્સ, કપડાં એ બધું આપીએ છીએ. તેમને ભણવાની સાથે ડ્રૉઇંગ, ડાન્સ, શેરીનાટક જેવી અન્ય પ્રવૃત્તિઓ પણ કરાવીએ છે. એની સાથોસાથ બધાક તહેવારોની ઉજવણી પણ અમે કરીએ છીએ.’

અમારી સ્કૂલની ચાર છોકરીઓ દસમાની પરીક્ષા આપી રહી છે એ અમારા માટે ગર્વની વાત છે એમ કહેતાં નીલમબહેને ઉમેર્યું હતું કે ‘૧૧૦ બાળકોથી વધુ વિદ્યાર્થીઓ અમારી સ્કૂલમાં ભણે છે. ૫૦ બાળકોનું ઍડ્મિશન આઠમા ધોરણથી અમે મહાનગરપાલિકાની સેકન્ડરી સ્કૂલમાં કરાવ્યું છે જેથી તેઓ બોર્ડની પરીક્ષા માટે તૈયાર થાય. તેમને દરરોજ સ્કૂલમાં આવવા-જવા માટે અમે રિક્ષાની વ્યવસ્થા કરી રાખી હતી. બૅગ, બુક્સ, પેન જેવી બધી વસ્તુઓ અમે તેમને આપી છીએ. સ્કૂલની ચાર વિદ્યાર્થિનીઓ રાજશ્રી સોનાર, વર્ષા ગૌડ, જ્યોતિ ભારતી અને પ્રિયા ધલ દસમાની પરીક્ષા આપી રહી છે. આમાંથી બે વિદ્યાર્થિનીઓ તો ઘરકામ પણ કરી રહી છે. સ્ટ્રીટ સ્કૂલમાં તેમની ટીચર અભ્યાસ કરાવીને બોર્ડની પરીક્ષા માટે તેમને તૈયાર કરી રહી હતી. આ વિદ્યાર્થિનીઓના પેરન્ટ્સ અગાઉ તેમને સ્કૂલમાં પણ મોકલતા નહોતા, પણ આજે તેઓ પરીક્ષા આપી રહી છે. ખાસ કરીને દીકરીઓ ભણીને આગળ આવતી હોવાથી અમને ગર્વ થઈ રહ્યો છે. આ બાળકીઓએ ઇંગ્લિશમાં લિટરેચર, એન્જિનિયરિંગ અને મૅથ્સમાં આગળ અભ્યાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.’

mumbai mumbai news bhayander preeti khuman-thakur