મુંબઈમાં બારમી ભણેલા ચાર બોગસ ડૉક્ટર પકડાયા

11 December, 2019 01:26 PM IST  |  Mumbai

મુંબઈમાં બારમી ભણેલા ચાર બોગસ ડૉક્ટર પકડાયા

બોગસ ડોક્ટરો ઝડપાયા

(મિડ-ડે પ્રતિનિધિ) સાયનમાંથી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૪ની ટીમે માત્ર ૧૨મી ભણેલા હોવા છતાં ખુલ્લેઆમ ઍલોપથીની પ્રૅક્ટિસ કરતા ચાર ડૉક્ટરોની ધરપકડ કરી હતી. ત્રણ મહિનામાં પોલીસે અગાઉ આવા ૧૨ ડૉક્ટરોને પકડ્યા હોવાથી ધરપકડ કરાયેલા ડૉક્ટરોનો આંકડો ૧૫ થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. મુંબઈમાં કેટલાક ડૉક્ટર કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વિના સાયનમાં ગેરકાયદે ક્લિનિક ચલાવતા હોવાની તથા દરદીઓને બનાવટી દવા આપીને છેતરતા હોવાની માહિતી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૪ની ટીમે ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આવા ક્લિનિક પર બોગસ દરદી મોકલીને તપાસ કરતાં ખબર પડી હતી કે આ ડૉક્ટર બોગસ છે.

પોલીસે મુંબઈ મહાનગરપાલિકાના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને જાણ કરીને જુદી-જુદી ટીમે સાયનમાં એક જ સમયે ચાર ક્લિનિક પર દરોડા પાડ્યા હતા. ચારેય ક્લિનિક પર બનાવટી ડૉક્ટર મળી આવતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર નિનાદ સાવંતે કહ્યું હતું કે ‘સાયનના જય ભારતમાતા નગરમાંથી અમે માત્ર બારમી ભણેલા રાકેશ રઘુનાથ તિવારી, દલસિંહ યાદવ, મોતીલાલ મૌર્યા અને ઓમપ્રકાશ સોસાયટીમાંથી અનિલકુમાર બિંદની મેડિકલ ડિગ્રી વિના ક્લિનિક ચલાવીને દરદીઓને બનાવટી દવા આપીને તેમની છેતરપિંડી કરવાના આરોપસર ધરપકડ કરી હતી. તેઓ ૩ વર્ષથી આ ક્લિનિક ચલાવતા હતા. ત્રણ મહિનામાં શહેરમાં કોઈ પણ ડિગ્રી વિના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ક્લિનિક શરૂ કરીને લોકોને છેતરતા અત્યાર સુધી આવા ૧૫ ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવી છે.’

maharashtra mumbai news